આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. હિંદ મહાસાગરની ઊંડાઈઓ માંથી માતાના અસીમ પ્રેમ અને અસહ્ય દર્દની એક એવી તસવીર સામે આવી છે, જેણે સમગ્ર વિશ્વના લોકોના દિલ ઝકઝોરી નાખ્યા છે. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં ખાસ...
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ઓસ્ટ્રેલિયાના કિનારે 'ફ્રેગલ' નામની એક બોટલનોઝ ડોલ્ફિન પોતાના બે અઠવાડિયાના મૃત બાળકના મૃતદેહને આશરે 6 દિવસ સુધી પોતાની પીઠ અને માથા પર સંભાળીને સમુદ્રમાં તરતી રહી હતી. આ કરુણ અને ભાવુક દ્રશ્યનો ડ્રોન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની આંખો ભીની થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયન સંરક્ષણ સંસ્થા 'જિયોગ્રાફ મરીન રિસર્ચ'ના સંશોધકોએ આ ઘટનાનો ડ્રોન ફૂટેજ કેપ્ચર કર્યો છે. સંશોધકોએ એક ચોંકાવનારો અને અત્યંત દુઃખદ ખુલાસો કરતા જણાવ્યું કે, ફ્રેગલ સાથે આ દુર્ઘટના પહેલીવાર નથી બની. આ પહેલાં પણ તે પોતાના ૪ બાળકોને ગુમાવી ચૂકી છે. ૫મા બાળકના મૃત્યુ બાદ પણ તે હિમ્મત હારવા તૈયાર નહોતી અને દિવસો સુધી તેને પાણીની સપાટી પર તરવામાં મદદ કરતી રહી હતી. મરીન બાયોલોજિસ્ટ્સના જણાવ્યા મુજબ, ડોલ્ફિન માતાઓ અવારનવાર પોતાના મૃત બાળકથી અલગ થવાને બદલે તેને પોતાની ચાંચ કે પીઠ પર રાખીને સાથે તરે છે.
આ વાયરલ વિડીયોનો સૌથી ભાવુક કરી દેનારો ભાગ એ હતો કે ફ્રેગલ આ મુશ્કેલ સમયમાં એકલી નહોતી. તેના ડોલ્ફિન સમૂહના અન્ય સભ્યોએ તેને એકલી છોડી નહોતી. આખા સફર દરમિયાન બીજી ડોલ્ફિન્સ તેની આસપાસ તરતી રહી, તેને સુરક્ષા આપી અને તેનો માનસિક સહાર બન્યા. વૈજ્ઞાનિકોના મતે ડોલ્ફિન અને વ્હેલ જેવા દરિયાઈ જીવોમાં મનુષ્યોની જેમ જ અત્યંત મજબૂત સામાજિક સંબંધો અને શોક મનાવવાની ગંભીર સંવેદનાઓ હોય છે.
વિડીયો વાયરલ થતાં જ ઈન્ટરનેટ પર લોકોના મિશ્ર રિએક્શન આવવા લાગ્યા છે. હજારો લોકોએ માતાના આ નિઃસ્વાર્થ પ્રેમ પર કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે આ એ વાતની સાબિતી છે કે પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે અને તેઓ મૃત્યુના દર્દને સારી રીતે સમજે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે દુઃખ અને શોક વ્યક્ત કરવાનો અધિકાર માત્ર માણસોનો નથી, પશુ-પંખીઓ પણ તેને એટલી જ ઊંડાણપૂર્વક અનુભવે છે.