Wed Aug 19 2026

Logo

ગોવંડીમાં સગીર સાથેની બોલાચાલી પછી ફેરિયા પર ચાકુથી હુમલો

2026-08-02 17:45:16
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોવંડીમાં સગીર સાથે થયેલી બોલાચાલી પછી ફેરિયા પર ચાકુથી હુમલો કરવામાં આવતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી, જ્યારે બે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. શિવાજી નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના 31 જુલાઈની મધરાત બાદ બે વાગ્યાની આસપાસ બૈગનવાડીમાં પ્લૉટ નંબર 41 પાસે રોડ નંબર આઠ પર બની હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદ શાહીદ મોહમ્મદ મુન્ના મન્સૂરી (26)ને સારવાર માટે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બૈગનવાડીમાં જ રહેતો મન્સૂરી ગોવંડીમાં ફરીને રેકડી પર બળી વેચવાનું કામ કરતો હતો. શુક્રવારની સાંજે ચાર વાગ્યાની આસપાસ આરોપી સગીર તેની પાસે બળી ખરીદવા આવ્યો હતો. પછી સગીરે જાતે જ છરીથી કાપીને બળી લેવાનો પ્રયાસ કરતાં મન્સૂરીએ તેને ટોક્યો હતો. આ વાતને લઈ ગુસ્સે ભરાયેલા સગીરે ગાળાગાળી કરી ધમકીની ભાષા વાપરી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે ધમકી આપીને સગીર ત્યાંથી રવાના થયો હતો, પરંતુ બળી વેચીને મધરાતે બે વાગ્યાની આસપાસ મન્સૂરી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે બે મિત્ર સાથે આવેલા સગીરે તેને રોક્યો હતો. ગાળાગાળી પછી મન્સૂરીને ધમકાવીને 19 વર્ષના યુવકે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.

ચાકુથી મન્સૂરીની પીઠ પર બે ઘા કરવામાં આવતાં તેણે મદદ માટે બૂમો પાડી હતી. સ્થાનિક રહેવાસીઓ એકઠા થવા લાગતાં યુવાન સાથે બન્ને સગીર નાસી ગયા હતા. દરમિયાન પેટ્રોલિંગ પર હાજર શિવાજી નગર પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જખમી મન્સૂરીને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે આપેલા નિવેદનને આધારે પોલીસે બે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જ્યારે ચાકુ હુલાવનારા યુવકની ધરપકડ કરી હતી.