Thu Aug 20 2026

Logo

બેસ્ટના કાફલામાં ૧૫૦ ડબલડેકર ઈ-એસી બસનો સમાવેશ

2026-08-19 20:37:43
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તા પર ઘટતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસને કારણે બસ સ્ટોપ લાગતી લાઈન  અને મુંબઈગરાને થઈ રહેલી હાલાકીનો બહુ જલદી અંત આવવાનો છે. તાજેતરમાં બેસ્ટ ઉપક્રમ દ્વારા તેના કાફલામાં ૧૫૦ ડબલ-ડેકર એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. 

બેસ્ટ સમિતિની બેઠકમાં ૧૫૦ ડબલ-ડેકર એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસના પ્રસ્તાવને બહુમતીએ મંજૂરી આપવામાં આવી છે. તેથી આગામી દિવસોમાં મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થામાં પર્યાવરણને અનુકૂળ બસ સેવાઓને વધુ મજબૂતી મળશે.

બુધવારે યોજાયેલી બેસ્ટ સમિતિની બેઠકમાં ૧૫૦ ડબલ-ડેકર એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસો પર્યાવરણને અનુકૂળ છે અને અવાજ પણ કરતી નથી અને તેને કારણે વાયુ પ્રદૂષણ પણ થતું નથી. 

આ એરકન્ડિશન્ડ બસોમાં બંને બાજુ ઓટોમેટિક પ્રવેશદ્વાર હશે, જેનાથી મુસાફરોને ચઢવા અને ઉતરવા માટે વધુ સુવિધાઓ મળશે. મુસાફરોની સલામતી માટે બસોમાં સીસીટીવી સિસ્ટમ પણ પૂરી પાડવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે મોબાઇલ ચાર્જિંગ સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આમાંથી કેટલીક બસો ઓપન ડેક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.  આગામી સમયમાં બેસ્ટના કાફલામાં વધુ નવી સિંગલ-ડેકર અને ડબલ-ડેકર એરકન્ડિશન્ડ બસોનો સમાવેશ કરવામાં આવશે.