Fri Sep 04 2026

Logo

ગોરેગાંવમાં ટ્રેનના ઘોંઘાટિયા હોર્નથી રહેવાસીઓ ત્રાહિમામ: સાઉન્ડ બેરિયર લગાવવા મહાનગરપાલિકા પાસે માગ

2026-09-03 19:57:47
Author: Mumbai Samachar Team
ગોરેગાંવમાં ટ્રેનના ઘોંઘાટિયા હોર્નથી રહેવાસીઓ ત્રાહિમામ: સાઉન્ડ બેરિયર લગાવવા મહાનગરપાલિકા પાસે માગ

મુંબઈ: ગોરેગાંવ પૂર્વમાં સ્થિત સેન્ટ થૉમસ હાઇસ્કૂલથી સ્ક્વોટર્સ કોલોની સુધીના રેલ્વે ટ્રેક નજીકના વિસ્તારના રહેવાસીઓને ટ્રેનના ખૂબ જ તીવ્ર અને ઘોંઘાટિયા હોર્નનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. આ હોર્નના અવાજથી છૂટકારો મેળવવા માટે રેલવે ટ્રેકની નજીક મહાનગરપાલિકાની હદમાં સાઉન્ડ બેરિયર લગાવવામાં આવે, તેવી માંગ ગોરેગાંવ પ્રવાસી નાગરિક સંઘ દ્વારા મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ કરવામાં આવી હતી. 

આ સંદર્ભે પત્રવ્યવહાર કરવા છતાં પણ કોઈ પ્રતિસાદ નહીં મળવાને કારણે સંઘે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉની ટ્રેનોના હોર્ન ટ્રેકની દિશામાં જ રહેતા હતા, પરંતુ હાલમાં નવી ટ્રેનોમાં આગળના ભાગે બે હોર્ન હોય છે. 
આ હોર્નમાં અવાજ નિયંત્રણની કોઈ સિસ્ટમ નહીં હોવાને કારણે ટ્રેનો અત્યંત તીવ્ર હોર્ન વગાડી આ વિસ્તારમાંથી પસાર થાય છે, તેવો રહેવાસીઓએ દાવો કર્યો હતો.

ટ્રેનના મોટા અવાજને કારણે ટ્રેક નજીક આવેલી શાળાના શિક્ષકોને પણ ટ્રેન આગળ ન નીકળી જાય ત્યાં સુધી ભણાવવાનું બંધ રાખવું પડે છે. આ ઉપરાંત, રસ્તા નજીકની ઇમારતોમાં રહેતા વરિષ્ઠ નાગરિકો અને અન્ય રહેવાસીઓને પણ આ અવાજનો ભારે ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બપોરના અને રાત્રિના સમયે ઊંઘવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાનું રહેવાસીઓનું કહેવું હતું. 

ગોરેગાંવ પ્રવાસી નાગરિક સંઘના સેક્રેટરી ઉદય ચિતાલેએ માહિતી આપી હતી કે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેને મ્યુનિસિપલ હદમાં રેલ્વે ટ્રેક પર સાઉન્ડપ્રૂફિંગ લગાવવાની માંગ કરવામાં આવી છે જેથી રહેવાસીઓને ટ્રેનના હોર્નના ત્રાસથી રાહત મળે. આ માંગણી પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને રહેવાસીઓને રાહત આપવામાં આવે, એવી માંગ ચિતાલેએ કરી હતી.