Mon Aug 24 2026

Logo

ગોરેગામમાં 60 રૂપિયાના વિવાદમાં યુવાનને માર મારી પતાવી નાખ્યો: બેની ધરપકડ

2026-08-13 17:36:25
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
હોટેલમાં જમ્યા પછી બિલની રકમમાંથી 60 રૂપિયા ઓછા આપવાને મુદ્દે થયેલા વિવાદમાં બે શખસે મધ્યસ્થી કરનારા યુવાનને માર મારી પતાવી નાખ્યો હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી 24 કલાકમાં જ બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

ગોરેગામ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અજય મુન્ની ઉપાધ્યાય (39) અને વિકાસ દેવરાજ પાસવાન (23) તરીકે થઈ હતી. ગુરુવારના મળસકે ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટે 23 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે 11.30 વાગ્યાની આસપાસ ગોરેગામ પશ્ર્ચિમમાં પ્રેમનગર ખાતેની સલમાન હોટેલ બહાર બની હતી. આરોપીઓએ મારપીટ અને લાકડું ફટકારી અઝીઝ મોહમ્મદ અતિક ખાન (29)ની હત્યા કરી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રાઈવર અને સિમેન્ટ-રેતી સપ્લાયનું કામ કરનારો અઝીઝ તેના સાથી કર્મચારી રાજેશ ઉર્ફે ટકલા સાથે રાતે જમવા માટે સલમાન હોટેલમાં ગયો હતો. તે સમયે હોટેલના માલિક દાનિશ ખાન સાથે બન્ને આરોપી રકઝક કરતા હતા. આરોપીઓનું જમવાનું બિલ 260 રૂપિયા થયું હતું, પણ તે 200 રૂપિયા જ આપવા તૈયાર હતા. બાકીના 60 રૂપિયા માટે આરોપી અને હોટેલ માલિક વચ્ચે વિવાદ ચાલતો હતો.
કહેવાય છે કે અઝીઝે મધ્યસ્થી કરીને આરોપીઓને પૂરું બિલ ચૂકવી દેવાની સલાહ આપી હતી. આ વાતને લઈ આરોપીઓ ગિન્નાયા હતા.‘તું વચ્ચે શા માટે બોલે છે’ કહીને આરોપીઓએ અઝીઝની મારઝૂડ કરી હતી. બાદમાં ફ્રૂટ્સ રાખવાની લાકડાની પેટીમાંનું પાટિયું કાઢી અઝીઝના માથા પર ફરકારતાં તે જમીન પર ફસડાઈ પડ્યો હતો.

હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. બેભાન અઝીઝને જોગેશ્ર્વરીના ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે અઝીઝના ભાઈ હબીબ ખાને ફરિયાદ નોંધાવતાં ગોરેગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓની શોધ માટે અધિકારીઓની છ ટીમ બનાવવામાં આવી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે પાસવાનને પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી ઉપાધ્યાયને પણ તાબામાં લેવાયો હતો. ગોરેગામ પરિસરમાં જ રહેતા બન્ને આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.