Fri Sep 04 2026

Logo

સૌરાષ્ટ્રમાં સિંહના વધુ એક કોરિડોરની થઈ ઓળખ, જાણો કયો છે વિસ્તાર

2026-08-22 12:48:22
Author: Mayur Patel
સૌરાષ્ટ્રમાં સિંહના વધુ એક કોરિડોરની થઈ ઓળખ, જાણો કયો છે વિસ્તાર

અમદાવાદઃ રાજ્યોમાં સિંહોની વસતી વધી છે. સિંહો તેમના મૂળ વિસ્તાર ગીર કરતાં અમરેલીમાં વધારે નોંધાયા હતા. અમરેલી ઉપરાંત ભાવનગરમાં પણ સિંહોનો વસવાટ જોવા મળ્યો હતો. સિંહોની વસતી વધવાની સાથે તેઓ તેમનો રહેણાંક વિસ્તાર પણ વધારી રહ્યા છે. સિંહોના માનવી પર હુમલાની ઘટના પણ વધી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં શિકારની શોધમાં સાવજના ગામમાં આંટાફેરા અને મારણના વીડિયો પણ રોજબરોજ સામે આવતા રહે છે. આ દરમિયાન વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગે શેત્રુંજીથી હિંગોળગઢ થઈ રામપરા સુધીના 150 કિમીના સિંહ મુવમેન્ટ કોરિડોરની ઓળખ કરી છે. રાજકોટ જિલ્લાના હિંગોળગઢથી સુરેન્દ્રનગરના રામપરા સુધી એક એશિયાટિક સિંહના એકલા સ્થળાંતર બાદ આ વિસ્તારની કનેક્ટિવિટી અને ગીરની બહાર વિસ્તરણ માર્ગ તરીકેની સંભાવના તરફ ધ્યાન કેન્દ્રિત થયું હતું.

2019ની ઘટના છે ખાસ

આ કોરિડોરનું મહત્વ નવેમ્બર 2019ની ઘટના સાથે જોડાયેલું છે. એક  સિંહ તેના પરંપરાગત ગીર વિસ્તારની બહાર રામપરા તરફ લગભગ 100 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેક થયો હતો. જોકે તેણે ત્યાં કાયમી વસવાટ સ્થાપ્યો ન હતો, પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ આ હિલચાલ દર્શાવે છે કે સિંહો નવા વિસ્તાર, શિકાર અને અનુકૂળ રહેઠાણની શોધમાં આ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે.

શેત્રુંજી-હિંગોળગઢ અને હિંગોળગઢ-રામપરા પટ્ટાને સિંહ મુવમેન્ટ કોરિડોરમાં કરાયો સામેલ

શેત્રુંજી-હિંગોળગઢ અને હિંગોળગઢ-રામપરા પટ્ટાને હવે ગુજરાતના 11 મુખ્ય સિંહ મુવમેન્ટ કોરિડોરમાં સામેલ કરવામાં આવ્યા છે. સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં તાજેતરમાં રાજ્યસભામાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું હતું કે, WIIના અભ્યાસો દ્વારા રાજ્યમાં 11 મુખ્ય લાયન કોરિડોરની ઓળખ કરવામાં આવી છે, જેમાં આ બંને પટ્ટા મળીને ગીર બહારના રહેઠાણોને જોડતો વિશાળ સંભવિત માર્ગ તૈયાર કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહ દેખાયાના લગભગ સાત વર્ષ બાદ વિભાગે શેત્રુંજી-હિંગોળગઢ-રામપરા કોરિડોરની ઓળખ કરી છે. જેમ જેમ એશિયાટિક સિંહોની સંખ્યા અને ભૌગોલિક વ્યાપ વધી રહ્યો છે, તેમ આ કોરિડોર ભવિષ્યમાં પ્રજાતિના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી શકે છે.

કેમ સિંહો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ વિસ્તાર

સૂત્રોએ જણાવ્યું હતું કે 2019માં સિંહ દેખાવાની ઘટનાએ નવા વિસ્તારોમાં સિંહોના આગમનમાં આ લેન્ડસ્કેપની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જસદણ અને રાજકોટમાં સિંહો દેખાઈ રહ્યા છે, તેથી આ કુદરતી કોરિડોર તરીકે વિકસી રહ્યો છે. આ કુદરતી કોરિડોરમાં કોઈપણ પ્રકારના અવરોધની મંજૂરી આપવામાં આવશે નહીં.  રામપરા વીડી-ચોટીલા લેન્ડસ્કેપમાં ઘાસિયા મેદાનો અને નીલગાય તેમજ જંગલી ડુક્કર જેવા શિકાર ઉપલબ્ધ છે. ખુલ્લો વિસ્તાર તેમજ અર્ધ-કુદરતી વસવાટોનું જોડાણ સ્થળાંતર કરતા સિંહો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે.

2047 સુધીમાં સિંહોનું સામ્રાજ્ય 50 હજાર ચોરસ કિમી સુધી પહોંચી શકે છે

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે એશિયાટિક સિંહો સ્થળાંતર દરમિયાન કુદરતી અને અર્ધ-કુદરતી વસવાટોનો ઉપયોગ કોરિડોર તરીકે કરે છે, અને આ જોડાયેલા રહેઠાણોને કારણે ગીર ઉપરાંત મિતિયાળા, પાણીયા, ગિરનાર અને તાજેતરમાં બરડામાં સિંહોની હિલચાલ અને વસવાટ શક્ય બન્યો છે. વન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તરતાં આ કોરિડોરનું મહત્વ સતત વધી રહ્યું છે. સરકારી અંદાજ મુજબ વર્ષ 2047 સુધીમાં સિંહોનો ભૌગોલિક વ્યાપ હાલના લગભગ 35,000 ચોરસ કિમીથી વધીને આશરે 50,000 ચોરસ કિમી સુધી પહોંચી શકે છે.