Wed May 20 2026

Logo

સુબેદાર- ધ બ્લફ ને એક્યુઝ્ડ

2026-03-13 08:45:00
Author: નરેશ શાહ
Article Image

 ફિલ્મનામાઃ

નરેશ શાહ

થિયેટર કે મલ્ટીપ્લેક્સની સાથોસાથ સીધા ઓટીટી પ્લેટફોર્મ પર જ આવવાનો છોછ હવે ઓછો થતો જાય છે અને તેની સાબિતી અભિષેક બચ્ચન, બોમન ઈરાની, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, મનોજ બાજપેયી, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, પંકજ ત્રિપાઠીની ફિલ્મો કે વેબસિરીઝ આપી ચૂકી છે. માર્ચ, 2026માં તેમાં ત્રણ નામ નવા ઉમેરયાં છે. અનિલ કપૂર (સુબેદાર), કોંકણાસેન શર્મા (એક્યુઝડ) અને પ્રિયંકા ચોપરા (ધ બ્લફ). રસપ્રદ વાત એ છે કે આ અદાકારોની લાંબીલચ વેબસિરિઝ નહીં પણ ફિલ્મો જ સીધી (એમેઝોન અને નેટફલિક્સ) ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ છે. આ ત્રણ ફિલ્મો વિષે આજે વાત કરવી છે.

સુબેદાર: 
તગડા સ્ટાર અને ઉમદા એક્ટર અનિલ કપૂરને સિત્તેર વરસે પણ એંગ્રી યંગ ઓલ્ડમેનના અંદાઝમાં રજૂ કરતી `સુબેદાર' એક મસ્ટ વોચ મૂવી છે. મધ્ય પ્રદેશ અને ચંબલની બિહડના વેગળા લોકાલમાં ડિઝાઈન થયેલી `સુબેદાર' રિટાયર્ડ સુબેદાર અર્જુન મૌર્યના ધૈર્યની કસોટી કરતી અને ગેસના બાટલાંની જેમ ફાટતાં મિજાજને કારણે તો જોવા જેવી છે જ, પણ આ ફિલ્મનો અડધો જશ પરેશ રાવલ પુત્ર આદિત્ય રાવલના નામે કરવો પડે તેવું તબલાંતોડ પફોર્મ તેણે કર્યું છે.

`સુબેદાર' આમ તો નાના ટાઉનની માથાભારે ગેંગના ત્રાસ અને જોહૂકમીની કથા છે. જેલમાં રહેલી બબલી દીદી (મોના સિંહ)ના માથા ફરેલ, શોર્ટ ટેમ્પર અને ઉદ્ધત ભાઈ પ્રિન્સ (આદિત્ય રાવલ)ની મનમાની અને સરમુખત્યારીનો સામનો સુબેદાર અર્જુન મૌર્ય સાથે થાય છે. સૈન્યમાં કામ કરી ચૂકેલો અને પંડમાં સની દેઓલ જેવો જુસ્સોગુસ્સો ધરાવતાં અર્જુન મૌર્ય અને પ્રિન્સ વચ્ચેની ટકરામણને ડિરેક્ટર-લેખક સુરેશ ત્રિવેણી (જલસા, તુમ્હારી સુલુ)એ એવા દિલચસ્પ તરીકાથી પેશ કરી છે કે `સુબેદાર'ના અન્ય કિરદારો મોના સિંહ, સૌરભ શુકલા, રાધિકા મદાન ઉત્તમ હોવા છતાં ઓછાં યાદગાર બની જાય છે. હા, નાના પાટેકર સુખદ આશ્ચર્ય જરૂર આપે છે.

એક્યુઝડ: 

નેટફલિક્સ- અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ અને કરણ જોહરનું કોકટેલ ભેગું કરો તો ચોક્કસ કશું આંચકાપ્રદ જ અસ્તિત્વમાં આવે. `એક્યુઝડ'માં પણ એવું જ થયું છે. કરણ જાહેર સિવાય લેસ્બિયન કે ગે રિલેશનશિપમાં ખાસ કોઈને દિલચસ્પી નથી અને કુતૂહલ પણ નથી રહ્યું છતાં (જરૂર ન હોવા છતાં) `એક્યુઝડ'માં લેસ્બિયન રિલેશનશિપને બેઈઝ બનાવીને વાર્તા ગૂંથવામાં આવી છે.

ડિરેક્ટર અનુભૂતિ, નિર્માતા કરણ જાહેર અને `એક્યુઝડ'ની લેખક બેલડી સીમા અગ્રવાલ અને યશ કેશવાની જાણે છે કે આવા રિલેશનશીપવાળી વાર્તામાં ભારતનું બેકડ્રોપ દર્શકોને હજમ થાય નહીં એટલે વાર્તાની ભૂમિ લંડનની રાખી છે. લંડનમાં ડોક્ટરી કરતા ડો. ગીતિકા સેન (કોંકણાસેન શર્મા) અને ડો. મીરા (પ્રતિભા રાંટા) કપલની જેમ સાથે રહે છે. 

એક દિવસ અચાનક નામઠામ વગરનો મેલ હોસ્પિટલના મેનેજમેન્ટ પર આવે છે, જેમાં ડો. ગિતીકા સેને અન્ય સ્ત્રી વિકટીમનું શારીરિક શોષણ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે એ પછી તો આવા નનામા-ઈ-મેઈલની બૌછાર શરૂ થાય છે. 

ડો. ગિતીકા સેનને હોસ્પિટલ રજા પર ઉતારી દે છે અને ...ખુદ ડો. ગિતીકા સેન તેની તપાસમાં લાગે છે અને એ પછી એવું બને છે કે, જે જલદી ગળે ઉતરતું નથી. અંતમાં તો `કોથળામાંથી બિલાડું' નીકળ્યાની લાગણી થશે જો તમે `એક્યુઝડ' જોશો તો....હા, લંડન બેઈઝ હોવાથી મોટાભાગના સંવાદો અંગ્રેજીમાં છે એ આ ફિલ્મનો બીજો માઈનસ પોઈન્ટ છે.

ધ બ્લફ: 

આપણી ગ્લોબલ સ્ટાર ગણાતી પ્રિયંકા ચોપરા જોનસ એકથી વધુ હોલિવૂડની ફિલ્મો અને `સિટાડેલ' જેવી વેબસિરીઝ કરી ચૂકી છે અને તેણે જ નિર્માણ કરેલી `ધ બ્લફ' પણ વિદેશી કલાકારો અને ટેકનિશ્યનોએ જ બનાવેલી છે. `ધ બ્લફ'નો વિષય દરિયાઈ ચાંચિયાઓની લાઈફ પરનો છે. કોઈ ટાપુ પર પુત્ર, નણંદ અને પતિ સાથે રહેલાં બેન પ્રિયંકાનો પતિ છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી. પરિવાર તેની રાહ જોઈ રહ્યો છે દરિયો ખેડવા ગયેલાં પતિની, પરંતુ તેની બદલે ટાપુ પર આવી ચઢે છે બીજી દરિયાઈ માફિયા. તેમની સાથે પ્રિયંકાના પતિદેવ પણ છે. માફિયાઓ ટાપુ પર રક્તપાત ફેલાવે છે કેમ કે કે એ બધા જૂની ડોન (પ્રિયંકા)ને શોધી રહ્યા છે કારણ કે લૂંટાયેલું કિલામોઢેંનું સોનું તેની પાસે છે...

પ્રિયંકા ચોપડા જોનસને અહીં એક્શન પેક અવતારમાં પેશ કરવામાં આવી છે, પણ `પાયરેટસ' પરની ફિલ્મો જોઈ ચૂકેલાંને `ધ બ્લફ'માં કશું નવું મળવાનું નથી. ઉચ્ચ કક્ષાની ફાઈટ સિકવન્સ અને માથાં વાઢી લેતી હિંસાને એવું બધું જોવા માટે `ધ બ્લફ' જોઈ લેવામાં વાંધો નથી. આમ છતાં, ત્રણેય ફિલ્મોમાંથી સૌથી વધુ સ્ટાર આપી શકાય તેવી ફિલ્મ છે `સુબેદાર' !