કોલકાતાઃ ટી-20 વર્લ્ડ કપ (World Cup)ના ગ્રૂપ-સીમાં સ્કૉટલૅન્ડ (20 ઓવરમાં 10/152)ને પાંચ વિકેટે હરાવીને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે (18.2 ઓવરમાં 5/155) ટોચના આઠ દેશ માટેના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેના વાનખેડેના આંચકાને કારણે બ્રિટિશ ટીમ સ્કૉટલૅન્ડ સામેનો ડુ ઑર ડાય જેવો મુકાબલો જીતવા ભારે માનસિક દબાણમાં હતી અને શનિવારે એને પાડોશી દેશ સ્કૉટલૅન્ડ (Scotland) સામે જીતવા ઘણો સંઘર્ષ કર્યા બાદ જીતવા મળ્યું હતું.
15 દિવસમાં બૅન્ટનના બે અવૉર્ડ
હૅરી બ્રૂક (ચાર રન, ચાર બૉલ)ની ટીમ 153 રનનો સાધારણ લક્ષ્યાંક પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ફક્ત આઠ બૉલ બાકી રાખીને મેળવી શકી હતી. ઇંગ્લૅન્ડ (England)નો રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન ટૉમ બૅન્ટન (63 અણનમ, 41 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તે છ વર્ષથી ઇંગ્લૅન્ડ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે અને 30માંથી પહેલી પચીસ ટી-20માં તે ક્યારે આ પુરસ્કાર નહોતો જીતી શક્યો, પરંતુ છેલ્લા 15 દિવસમાં તે આ ફૉર્મેટની છેલ્લી પાંચ મૅચમાં બે વખત મૅન ઑફ ધ મૅચ બન્યો છે.
બૅન્ટનની ત્રણ મહત્ત્વની ભાગીદારી
ટૉમ બૅન્ટને સ્કૉટિશ કૅપ્ટન રિચી બેરિંગ્ટન (49 રન, 32 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની ઇનિંગ્સને નિષ્ફળ બનાવી દીધી હતી. બૅન્ટને જેકબ બેથેલ (32 રન, 28 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 45 બૉલમાં 66 રનની ભાગીદારી, સૅમ કરૅન (28 રન, 20 બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે 33 બૉલમાં 46 રનની ભાગીદારી અને છેલ્લે વિલ જૅક્સ (16 અણનમ, 10 બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 13 બૉલમાં 23 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
સૉલ્ટ-બટલર સસ્તામાં આઉટ
ઇંગ્લૅન્ડની માત્ર 13 રનમાં પહેલી બે વિકેટ પડી ગઈ હતી. ફિલ સૉલ્ટ અને જૉસ બટલર જેવા નામાંકિત ઓપનર અનુક્રમે બે અને ત્રણ રન બનાવીને પૅવિલિયન ભેગા થઈ ગયા હતા. જોકે ત્યાર બાદ ટૉમ બૅન્ટને વારાફરતી ત્રણ સાથી બૅટ્સમૅન સાથે પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડની નૌકા પાર કરાવી હતી. સ્કૉટલૅન્ડના પાંચ બોલરને એક-એક વિકેટ મળી હતી.
આદિલની 12 બૉલમાં ત્રણ વિકેટ
એ પહેલાં, સ્કૉટલૅન્ડની ટીમ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ વર્લ્ડ-ક્લાસ બોલિંગ આક્રમણ સામે 20 ઓવર સુધી ટકીને 152 રન બનાવી શકી હતી. બ્રિટિશ ટીમ વતી સ્પિનર આદિલ રાશીદે સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી. તેણે આ ત્રણ વિકેટ બે ઓવર દરમ્યાન 12 બૉલમાં મેળવી હતી.