Mon Aug 17 2026

Logo

નાની પણ અત્યંત ઘાતક! DRDO બનાવી રહ્યું છે ડ્રોનથી લોન્ચ થતી મિસાઇલ, દુશ્મનોના ઘરમાં ઘૂસીને મચાવશે તબાહી

2026-08-04 22:49:54
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારત માટે તેના પાડોશી દેશો સાથેના તણાવ ભરેલા સંબંધને કારણે સતત જાગૃત રહેવું પડે છે. આ માટે ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત પોતાની તાકાત વધારી રહ્યું છે અને સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. દેશ પાસે અત્યાધુનિક મિસાઇલો અને ફાઇટર જેટ્સ પહેલેથી જ ઉપલબ્ધ છે, ત્યારે હવે ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એક અત્યંત સસ્તી અને નાની મિસાઇલ પર કામ કરી રહ્યું છે. આ મિસાઇલને ડ્રોનથી દુશ્મન પર ફેકી શકાશે અને તેનું કદ ભલે નાનું હોય, પરંતુ તે દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને ટાર્ગેટને સંપૂર્ણપણે તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. 

આ કોમ્પેક્ટ એર-ટુ-ગ્રાઉન્ડ (A2G) હથિયાર ખાસ કરીને મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યોરન્સ (MALE), હાઇ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યોરન્સ (HALE) ડ્રોન અને ભવિષ્યમાં આવનારા અનમેન્ડ કોમ્બેટ એરિયલ વ્હીકલ (UCAV) માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ નવી મિસાઇલની સૌથી મોટી વિશેષતા તેનું કોમ્પેક્ટ કદ અને ઓછું વજન છે. તેનું વજન માત્ર 10 થી 15 કિલોગ્રામની આસપાસ હશે, જ્યારે તાજેતરમાં લોન્ચ થયેલા ULPGM વેરિઅન્ટનું વજન આશરે 12.5 કિલોગ્રામ છે. લગભગ 2 મીટર લાંબી આ મિસાઇલ 1 થી 2 કિલોગ્રામના વોરહેડ સાથે કામ કરશે. 

આ ઓછા વજનનો સીધો ફાયદો ડ્રોનની હુમલાખોર ક્ષમતા વધારવામાં થશે. વજન ઉપાડવાની મર્યાદિત ક્ષમતા ધરાવતા TAPAS, Archer-NG અને ભવિષ્યના ડ્રોન એક મોટી મિસાઇલના બદલે આવી અનેક નાની મિસાઇલો સાથે ઉડાન ભરી શકશે, જેનાથી એક જ મિશનમાં અલગ-અલગ લક્ષ્યો પર સચોટ હુમલો કરી શકાશે અને સેનાને સતત હવાઈ સહાય મળતી રહેશે.

આધુનિક યુદ્ધમાં ઇલેક્ટ્રોનિક હુમલા અને GPS જામિંગનો ખતરો સતત રહેતો હોય છે, ત્યારે આ મિસાઇલને અત્યાધુનિક સિલેક્ટિવ અવેલેબિલિટી એન્ટી-સ્પૂફિંગ મોડ્યુલ (SAASM) અને ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (INS) ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. આ એડવાન્સ રિસીવર નકલી સિગ્નલોને ઓળખીને મિસાઇલને સાચા માર્ગે રાખે છે. જો દુશ્મન દેશમાં બહારના GPS સિગ્નલ સંપૂર્ણપણે ખોરવાઈ જાય કે જામ થઈ જાય, તો પણ મિસાઇલની INS સિસ્ટમ બેકઅપ તરીકે કાર્ય કરી તેના આંતરિક સેન્સર અને એક્સેલરોમીટરની મદદથી સ્પૂફિંગનો સામનો કરીને લક્ષ્ય તરફ સચોટ નિશાન લગાવે છે.

દુશ્મનોની છાવણીમાં તબાહી મચાવવા માટે આ મિસાઇલ અચૂક સાબિત થશે. તે ખાસ કરીને દુશ્મનના રડાર સિસ્ટમ, સપ્લાય કાફલા, ઇંધણના ભંડાર, તોપખાના, સંચાર કેન્દ્રો, પાર્ક કરેલા વિમાનો અને ઇન્ફન્ટ્રી ફાઇટિંગ વ્હીકલ્સનો નાશ કરવા માટે સક્ષમ છે. DRDO આ મિસાઇલને વિવિધ પ્રકારના વોરહેડ્સ જેવા કે થર્મોબેરિક, પ્રી-ફ્રેગમેન્ટેડ અને બ્લાસ્ટ વોરહેડ્સથી સજ્જ કરવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. આનાથી મિસાઇલનો ઉપયોગ બંકરો અને દુશ્મન સૈનિકોના છુપાવાના સ્થળોને નેસ્તનાબૂદ કરવા માટે વધુ અસરકારક રીતે કરી શકાશે.

DRDO આ પ્રોજેક્ટમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેના અનેક સફળ પરીક્ષણો પણ થઈ ચૂક્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે ULPGM-V3 ના સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાં આ મિસાઇલની દિવસ અને રાત બંને સમયે સચોટ ઓપરેશન પાર પાડવાની અદભુત ક્ષમતા સાબિત થઈ છે. નાના અને મધ્યમ કદના ભારતીય ડ્રોન માટે ખાસ ડિઝાઇન કરાયેલી આ હળવી મિસાઇલના મોટા પાયે ઉત્પાદન માટે હવે અદાણી ડિફેન્સ અને ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) જેવા અગ્રણી ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરશે.