Thu Jun 18 2026

Logo

‘અમારે ઈરાનનું પેટ્રોલિયમ જોઈએ છે’ આખરે ટ્રમ્પે ઈરાદો સ્પષ્ટ કર્યો

Wasington D.C.   2026-03-30 11:26:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: એક મહિના પહેલા યુએસ અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલો કરીને સશસ્ત્ર સંઘર્ષ છેડ્યો હતો, એ સમયે યુએસ-ઇઝરાયલે જણાવ્યું હતું કે ઈરાનને પરમાણું હથિયાર બાનાવતા રોકવા માટે આ હુમલા કરવામાં આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો એવું કહ્યું હતું કે તેઓ ઈરાનના લોકોને સરમુખત્યારશાહીથી મુક્ત કરાવવા ઈચ્છે છે, પરંતુ હવે ટ્રમ્પે તેના ઈરાદા સ્પષ્ટ કર્યા છે.

યુએસનાં એક પ્રમુખ અખબાર સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ઈરાનનું પેટ્રોલિયમ કબજે કરવા ઈચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેના યુદ્ધમાં તેમની "મનપસંદ કામ" ઈરાનનું પેટ્રોલિયમ કબજે કરવાનું રહેશે. 

ઈન્ટરવ્યુંમાં ટ્રમ્પે કહ્યું, "સાચું કહું તો, મને સૌથી વધુ ગમતું કામ ઈરાન પાસેથી ઓઈલ લેવાનું છે, પરંતુ અમેરિકામાં કેટલાક મૂર્ખ લોકો કહે છે: 'તમે આવું કેમ કરી રહ્યા છો?' પણ તેઓ મૂર્ખ લોકો છે."

ખાર્ગ ટાપુ પર કબજાની યોજના:
યુએસએ મધ્યપૂર્વના દેશોમાં સૈન્ય જમાવડો વધાર્યો છે, અહેવાલો મુજબ યુએસ સેના પર્શિયન ગલ્ફમાં આવેલા ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરવા ઓપરશન હાથ ધરી શકે છે. આ ટાપુ પરથી ઈરાનનું મોટાભાગનું પેટ્રોલિયમ નિકાસ થાય છે.

ઈન્ટરવ્યું દરમિયાન ટ્રમ્પે કહ્યું, "કદાચ અમે ખાર્ગ ટાપુ પર કબજો કરી લઈએ, કદાચ ન પણ કરીએ. અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.”

ખાર્ગ ટાપુ પર ઈરાનની સેના પણ તૈનાત હોવા અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું: "મને નથી લાગતું કે તેમની પાસે કોઈ સંરક્ષણ છે. અમે ટાપુ ખૂબ જ સરળતાથી કબજે શકીએ છીએ."

વેનેઝુએલા સાથે પણ આવું જ થયું!
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં યુએસએ વેનેઝુએલા પર પર હુમલો કરીને, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ યુએસ ઓઈલ કંપનીઓને વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારોનો કબજો સોંપવામાં આવ્યો હતો.

યુએસ લાભ ખાટી રહ્યું છે!
નોંધનીય છે કે પશ્ચિમ એશિયામાં કટોકટીને કારણે પેટ્રોલિયમના ભાવ આસમાને પહોંચ્યા છે, સોમવારે સવારે એશિયામાં બ્રેન્ટ ક્રૂડના ભાવ $116 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતાં. યુએસએ રશિયન પેટ્રોલિયમ પર પ્રતિબંધ લાદ્યો છે. રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો સામે યુએસ કડક પગલા ભરી રહ્યું છે અને એ દેશોને યુએસનું પેટ્રોલિયમ ખરીદવા દબાણ કરવમાં આવી રહ્યું છે;