Thu Apr 30 2026

Logo

તમારે ઈન્સ્ટન્ટ નિર્વાણ જોઈએ છે?

2026-03-22 12:22:00
Author: Mumbai Samachar Team
Article Image

હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ

ભગવાન શ્રીકૃષ્ણે સદીઓ અગાઉ ગીતા દ્વારા પ્રજાને એવું પ્રૉમિસ આપ્યું હતું કે સંભવામિ યુગે યુગે. પૃથ્વી પર પાપનો અસહ્ય બોજ વધી જશે ત્યારે પૃથ્વી પરનું દબાણ ખસેડવા હું જન્મ લઈશ. અગાઉ તે અપ્રગટપણે મીરાંના ઝેરના પ્યાલાને અમૃતમાં પલટાવી નાખતા કે વગર બેલેન્સે નરસિંહ મહેતાની હૂંડી પાસ કરાવી દેતા (જોકે એમ તો નગરવાલા નામના એક સજ્જને પણ માત્ર ઈન્દિરાજીના અવાજની નકલ કરીને વગર બેલેન્સે બૅંકમાંથી રૂપિયા 60 લાખ સેરવી લીધા હતા. પણ એ વાત અહીં અપ્રસ્તુત છે) પણ આ કળિકાળમાં પણ ભગવાને, અલબત્ત, જુદા જુદા નામથી જન્મ ધારણ કરવા માંડ્યા છે એટલું જ નહીં, સ્વયં પ્રગટ થઈ ચમત્કારો દ્વારા પોતાના અસ્તિત્વના પુરાવા પ્રજાને આપવા માંડ્યા છે.

આપણે ત્યાં પહેલાં ઓરિજિનલ એટલે કે અસલી સાંઈબાબા હતા, શિરડીવાળા - તે બહુ ચમત્કારો નહોતા કરતા, તે દેવ થઈ ગયા, ત્યાર બાદ પુટ્ટપર્તીના બીજા સાંઈબાબા હાલ વિદ્યમાન છે જેમના નામથી આગળ સત્યનું વિશેષણ જડબેસલાક થઈ ગયું છે. આ સત્ય સાંઈબાબા હવામાંથી ભસ્મ જ નહીં જાપાન મેઈકની ઈમ્પોર્ટેડ ઘડિયાળ કાઢતા ને પોતાના એકાદ પરમ ભક્તને ચૂંટીને, પ્રસાદ રૂપે તે ઘડિયાળ આપતા. પણ આ ઘડિયાળ ઘણી કીમતી હોવાને કારણે રોજની ફક્ત એક જ ઘડિયાળ આપવાનો ક્વોટા તેમણે નક્કી કર્યો હતો.

 આ સત્ય સાંઈબાબાની ઝેરોક્ષ નકલ જેવા સદ્ગત બાલ સાંઈબાબા પણ ભગવાન તરીકે પ્રગટ થયા હતાં, જે સમયની માગ પ્રમાણે પોતાના ભક્તને, ઈન્સ્ટન્ટ કૉફીની જેમ ઈન્સ્ટન્ટ નિર્વાણ અપાવી શકતા હતાં. આ સાંઈબાબાના નામ આગળ બાલ છે, અર્થાત્ તે કંઈ સત્ય સાંઈબાબાની પૉકેટ એડિશન કે ચાઈલ્ડ એડિશન નથી, પૂર્ણ આવૃત્તિ છે. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રી શંકર વચ્ચે સ્પર્ધા નહોતી, શંકર તો અંદરથી રામને નમન કરતા એવો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં છે, પરંતુ સત્ય સાંઈબાબા અને બાલ સાંઈબાબા વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. સત્ય સાંઈબાબાના અસંતુષ્ટ ભક્તો બાલ સાંઈબાબાના શરણે જવા લાગ્યા હતા. 

ભગવાનનો કાયમી નિવાસ આમ તો તેના ભક્તના હૃદયમાં જ હોય છે, પણ આ બાલ સાંઈબાબા આંધ્ર પ્રદેશમાં કુર્નુલ નજીક તુંગભદ્રા નદીના કિનારે શ્રીનિલયમ નામક એક આશ્રમમાં કાયમી વસવાટ કરતા હતાં, આ તેમનું પોસ્ટલ એડ્રેસ હતું. લાંબી બાંયવાળો ઝભ્ભો તે પહેરતા હતાં ને ઝભ્ભાવાળો હાથ ઊંચો કરે ને હાથમાંથી ભભૂતિ ખરવા માંડે. જાપાનની સિકો કંપનીનું નામ તેમણે સાંભળ્યું નહીં હોવાને કારણે તેમજ જાપાનની ઘડિયાળ બનાવતી કોઈ કંપની સાથે તેમને કોલોબ્રેશન નહીં હોવાથી તેમણે પોતાની હથેળીમાંથી મેઈડ-ઈન-જાપાનનાં ઘડિયાળ કાઢવાની ચેષ્ટા નથી કરી. આ એક એવા ઈશ્ર્વર હતાં જેમનું નામ પોતાના દુર્ભાગ્યને કારણે પ્રજાએ હમણાં સુધી સાંભળ્યું નહોતું. પણ અચાનક જ લોકોમાં શ્રદ્ધા પ્રગટાવ્યા બાદ તે પ્રગટ થયા.

તે ભગવાન હોવાને લીધે બાળપણથી જ જાણી શક્યા હતા કે તે સ્વયં પરમાત્મા છે ને દુનિયાનાં દુ:ખ-દર્દ દૂર કરવા તેમણે દેહ ધર્યો છે. ઈશ્ર્વરની જેમ તેમને પણ ભૂતકાળ નથી ને હોય તો ભક્તોને તેની ખબર નથી.

હા, તેમને એક મા છે જેને પેટે તેમણે અવતાર લીધો છે... મેડિકલ કોર્સ કર્યા વગર, ડૉક્ટરની ડિગ્રી લીધા વિના, એક બાહોશ સર્જનની જેમ સ્પર્શ માત્રથી તે દર્દીને સાજો કરી દે. તબીબી જ્ઞાનનું પ્રમાણપત્ર મેળવ્યા વગર કોઈ માણસ દર્દીઓ પર આવા અખતરા કરે તો ભારતીય કાનૂન પ્રમાણે તેના પર ફોજદારી રાહે પગલાં ભરવામાં આવે છે, પણ એ તો ક્ષુદ્ર માણસની વાત થઈ, આ તો ઈશ્ર્વરનો અવતાર જ નહીં, ખુદ ઈશ્ર્વર છે એટલે કાયદાથી ઉપર છે, પર છે. સરકારનું ઔષધનિયમન ખાતું પણ આ ભગવાન સામે કામ ચલાવવામાં લાચાર છે. 

એક દંતકથા પ્રમાણે આ બાલ સાંઈબાબાના આશ્રમમાં એક સ્ત્રી પોતાની આંધળી માને લઈને આવી, મા આંધળી હતી ને પોતાના પગ પર ઊભી રહેવા અસમર્થ હતી. બાબાના આશીર્વાદ માત્રથી જ મા તત્કાળ દેખતી થઈ ગઈ ને ચાલવા પણ માંડી. ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને દેખતા નહોતા કરી શક્યા. આ સાંઈબાબાએ અંધ સ્ત્રીની આંખો પર હાથ ફેરવ્યો અને દેખતી થઈ ગઈ. આ વાત જાણી આંખના કોઈ પણ ડૉક્ટર - આઈ સ્પેશ્યાલિસ્ટની આંખે અંધારાં આવી જશે!

આ બાબાના પ્રભાવથી આકર્ષાઈને કેન્દ્ર તેમ જ રાજ્યના પ્રધાનો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુદ્ધાં તેમના દર્શન તથા તેમના આશીર્વાદ મેળવવા આવી જાય છે. ના, હજી સુધી વડા પ્રધાન તેમને મળવા નથી ગયા, માથે સંકટ આવશે ત્યારે તે પણ બાબા પાસે દોડી જશે એવી ખુદ બાબાને શ્રદ્ધા છે. વડા પ્રધાનને અત્યારે મોટા આશીર્વાદની જરૂર નથી એટલે તે દ્વારકાપીઠના શંકરાચાર્યથી ચલાવી લે છે. ધર્મનિરપેક્ષ વડા પ્રધાનને આશીર્વાદ પણ જોઈ વિચારીને લેવા પડે.

આ બાલ સાંઈબાબા પોતાને જ એક મોટા ચમત્કાર તરીકે ઓળખાવે છે. અને આમ પણ ચમત્કાર તો ભક્તો માટે જ હોય છે, ભગવાન માટે નહીં. ચમત્કારથી ભક્તમાં શ્રદ્ધા જન્મે છે, વિકસે છે... એ જ રીતે તે પ્રાર્થના પણ કરતા નથી, ભગવાન ક્યા ભગવાનની પ્રાર્થના કરે! પ્રાર્થના કે સ્તુતિ તો ભક્તે કરવાની હોય, ભગવાને ભક્ત પાસે ક્યાં કશું લેવાનું હોય કે પ્રાર્થના કરવી પડે!

પણ આ બાબા પ્રધાનોથી પ્રભાવિત હોય કે ગમે તે કારણ હોય, પોતાના આશ્રમનું ઉદ્ઘાટન તેમણે એક પ્રધાન પાસે કરાવ્યું હતું. માત્ર ટીવી પર પ્રસિદ્ધિ મેળવવાની ભાવનાથી ભગવાનને પ્રધાનનો ટેકો લેવો પડ્યો હતો. લોકપ્રિયતા મેળવવા કાજે ઈશ્ર્વરે પણ આધુનિક ટેક્નિકના શરણે જવું પડે છે. 

આ યુગ જાહેરાતનો છે. મંદિરમાં ઘંટ એ માટે રખાય છે. પ્રધાન ભગવાનને પ્રસિદ્ધિ અપાવે એ સામે ભગવાન તેમને ખુરશી ટકાઉ રહે તેવા આશીર્વાદ આપે છે. આદાન-પ્રદાન... બાલ સાંઈબાબા અત્યારે તો સત્ય સાંઈબાબાની જ નકલ કરી રહ્યા છે. હેરસ્ટાઈલ તેમ જ વસ્ત્રો એમના જેવાં ધારણ કરે છે. સિનિયર સાંઈબાબાથી અલગ તરી આવવા તે એક તદ્દન નવી ને મૌલિક પ્રકારની ડિઝાઈનવાળાં વસ્ત્રો તૈયાર કરાવવાનું વિચાર રહ્યા છે. 

સિનિયર સાંઈબાબા કરતાં બાલ સાંઈબાબા એક વાતે આગળ છે, તે છાતી ઠોકીને કહે છે કે હું મારા ભક્તને ઈન્સ્ટન્ટ નિર્વાણ આપી શકું છું, તત્કાળ મોક્ષ અપાવી શકું છું. આવી ઑફર મારા સિવાય કોઈ કરી શકે તેમ નથી...