વિશેષ - લોકમિત્ર ગૌતમ
ભારતમાં છૂટાછેડાના કેસોની સંખ્યા દિન- પ્રતિદિન વધી રહ્યા છે, અને તેની સાથે, એક એવું સામાજિક સંકટ પણ ઊભરીને સામે આવ્યું છે, જે સામાજિક કરતાં કાનૂની સંકટ વધુ છે. તે પિતા-બાળક વચ્ચેના સંબંધોનું તૂટવું છે. તાજેતરમાં, એકમ ન્યાય ફાઉન્ડેશન નામની એક એનજીઓએ આવા કેસોનું સર્વેક્ષણ કર્યું છે અને જાણવા મળ્યું કે છૂટાછેડા પછી ફક્ત 25 ટકા પિતા જ તેના બાળકના મળવાના અધિકારનો લાભ ઉઠાવી શકે છે. જ્યારે મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેમને આ અધિકાર મળે છે, છતાં તેઓ વ્યવહારિક રીતે તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. દિલ્હી યુનિવર્સિટીના એક પૂર્વ શિક્ષકની વાર્તા આનો જીવતો જાગતો પુરાવો છે.
48 વર્ષીય આ વ્યક્તિ તેની પત્ની સાથે 2024માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી તે પોતાના 11 વર્ષના દીકરાથી હંમેશ માટે અલગ થઈ ગયા. જોકે અદાલતે તેને પોતાના બાળકને મળવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ આ અધિકાર ક્યારેય કાગળ પરથી વાસ્તવિકતામાં આવી શક્યો નહીં. પીડિત વ્યક્તિનું કહેવું હતું કે, `હું અદાલતમાં જતો રહ્યો, વિનંતી કરતો રહ્યો, પણ અંતે મારે હાર માનવી પડી, કારણ કે ન્યાયની કોઈ આશા જ બચી નહોતી.' આ વાર્તા કોઈ એક પીડિત વ્યક્તિની નથી, પરંતુ દેશભરના મોટાભાગના છૂટાછેડા લીધેલા યુગલોની છે.
એકમ ન્યાય ફાઉન્ડેશન દ્વારા આ બાબતે કરવામાં આવેલા એક સર્વેક્ષણ `એક્સપ્લોરિગ ધ ઈમ્પેક્ટ ઓફ પેરેન્ટલ એલિયનેશન ઇન ઇન્ડિયા' પરથી જાણવા મળે છે કે માત્ર 25 ટકા પિતા જ અદાલતમાંથી બાળકોને મળવાનો અધિકાર મેળવી શકે છે. જ્યારે 46.2 ટકા પિતા છૂટાછેડા પછી પોતાના બાળકને મળવાનો હક મેળવવા માટે અદાલતમાં જાય છે. બીજી તરફ, 51.9 ટકા પિતા આવી કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરતા નથી, કારણ કે તેઓ આ કાર્યવાહીની લાંબી પ્રક્રિયા, આર્થિક બોજ અને માનસિક થાકથી હારી ગયા હોય છે. અભ્યાસમાં એ પણ ખુલાસો થયો છે કે કાયદા હોવા છતાં, ન્યાય સુધી પહોંચવું દરેક માટે શક્ય હોતું નથી. `પેરેન્ટલ એલિયનેશન' એ એક ઘાતક પ્રક્રિયા છે. આ અભ્યાસનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે માતા-પિતામાંથી કોઈ એક દ્વારા બાળકને બીજા વાલીથી ભાવનાત્મક રીતે અલગ કરી દેવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે છે. આનાથી બાળકના મનમાં ડર, નફરત અને અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થાય છે.
દિલ્હીમાં થયેલો આ સર્વે સ્પષ્ટ કરે છે કે આવા કિસ્સાઓમાં તફાવત સમજવો જરૂરી છે. પ્રથમ છે `જસ્ટિફાઈડ ડિસ્ટે્રન્જમેન્ટ', એટલે કે જ્યારે બાળક ખરેખર શોષણ કે હિંસાને કારણે કોઈથી પોતાને દૂર રાખે છે; અને બીજો કિસ્સો `એલિયનેશન' નો છે, જ્યારે કોઈ બાળક માતા-પિતામાંથી કોઈ એક દ્વારા જાણીજોઈને મગજમાં ભરાયેલી વાતોને કારણે બીજાથી દૂર થાય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ બીજી સ્થિતિમાં જો સૌથી વધુ નુકસાન કોઈનું થતું હોય, તો તે ખુદ બાળકનું જ છે.
એવું નથી કે ભારતમાં આ મુદ્દાને સંબોધતા કાયદા નથી.
કાયદા તો છે, પણ સવાલ એ છે કે ખરેખર તેનો અમલ ક્યાં થાય છે? ભારતમાં વાલીપણું અને મુલાકાત સાથે જોડાયેલા જે કાયદાઓ અસ્તિત્વમાં છે, તેમાં પહેલો છે `હિન્દુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ'. બીજો કાયદો છે 'ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ', પરંતુ પાયાના સ્તરે સમસ્યાઓ આજે પણ એવી ને એવી જ છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે આદેશ અને તેના પાલન વચ્ચે બહુ મોટી ખાઈ છે. અદાલત બાળકને મળવાનો અધિકાર તો આપે છે, પરંતુ જો બીજો પક્ષ બાળકને ન મળાવે, તો તે આદેશનો અમલ કરાવવા માટે ફરી અદાલતમાં જવું પડે છે અને આ એક ધ્રુજારી લાવી દે તેવી અનંત કાયદાકીય પ્રક્રિયા હોય છે. આના કારણે બાવન ટકા થી વધુ પુરુષો બાળકને મળવાની આશા જ છોડી દે છે, કારણ કે ભારતીય સમાજમાં આજે પણ બાળકોના ઉછેરને મુખ્યત્વે માતા સાથે જોડીને જોવામાં આવે છે.
છૂટાછેડાના કિસ્સાઓમાં આ સામાજિક વિચારધારા અવારનવાર અદાલતો અને વહીવટી પ્રક્રિયાને પણ પ્રભાવિત કરે છે. પિતાને માત્ર આર્થિક જવાબદારીઓ સુધી મર્યાદિત કરી દેવામાં આવે છે અને તેમની ભાવનાત્મક દુનિયાને સહેજ પણ મહત્ત્વ આપવામાં આવતું નથી. આ માન્યતા માત્ર પિતા માટે જ અન્યાયી નથી, પરંતુ છૂટાછેડા લીધેલા યુગલોના બાળકો માટે વધુ જોખમી સાબિત થાય છે. આ સમગ્ર સંઘર્ષમાં, બાળકના અભિપ્રાય અથવા લાગણીઓને ઓછામાં ઓછું માન આપવામાં આવે છે. ઘણીવાર તેમને સાંભળવામાં પણ નથી આવતા. મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકો પરિણીત યુગલોની ઇચ્છાઓનો સૌથી મોટો ભોગ બને છે. તેમ છતાં, કોર્ટ સમગ્ર કાનૂની લડાઈ દરમિયાન સામાન્ય રીતે બાળકોના મંતવ્યો મેળવવા અથવા સાંભળવા માટે બહુ ઓછા પ્રયાસ કરે છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકો પોતાના જીવનમાં સંબંધો પરથી વિશ્વાસ ગુમાવી શકે છે. આના કારણે તેઓ હતાશા અને ગુસ્સાની સમસ્યાનો સામનો કરી શકે છે તથા જીવનમાં પોતાની વાસ્તવિક ઓળખને લઈને મૂંઝવણ અનુભવી શકે છે. આ તમામ પાસાઓને કારણે આ અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે કે બાળકને મળવાના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે નહીં, પરંતુ બાળકના મૌલિક અને ભાવનાત્મક આધાર તરીકે જોવો જોઈએ. ઝડપી સુનાવણી, કડક અમલીકરણ તંત્ર, કાઉન્સેલિંગ અને અદાલતની દેખરેખ હેઠળના અધિકાર મોડલ દ્વારા જ તમામ સંભવિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. કારણ કે આ મુદ્દો કોઈ એક વાલીની હાર કે જીતનો નથી, પરંતુ આખી પેઢીના ભાવનાત્મક ભવિષ્યનો સવાલ છે. આવી સ્થિતિમાં, એ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ નથી કે માતા-પિતાનો વિવાદ વાસ્તવમાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે.
પેરેંટલ એલિયનેશન શું છે?
પેરેન્ટલ એલિયનેશન એ એક એવી પ્રક્રિયા છે, જેમાં છૂટાછેડા અથવા અલગ થયા પછી એક વાલી બાળકને બીજા વાલીથી માનસિક અને ભાવનાત્મક રીતે દૂર કરી દે છે. આ અંતર અવારનવાર કોઈ પણ વાસ્તવિક હિંસા કે શોષણ વિના ઊભું કરવામાં આવે છે. જોકેુ સવાલ એ છે કે આને કેવી રીતે સમજવું? તેના કેટલાક મહત્ત્વના સંકેતો આ મુજબ છે...
* બાળક કોઈ પણ નક્કર કારણ વિના માતા કે પિતામાંથી કોઈ એકને નાપસંદ કરવા લાગે છે, કારણ કે બીજા વાલીએ તેને એ જ રીતે શીખવ્યું અને ભણાવ્યું હોય છે. પરિણામ એ આવે છે કે બાળક પોતે જ બીજા વાલીને મળવાનો ઇનકાર કરી દે છે અને સામેવાળા વાલી એ સમજી જ નથી શકતા કે આખરે એવું તો શું થયું કે બાળક હવે તેમને નફરત કરવા લાગ્યું છે.
* આ પ્રક્રિયાનું પરિણામ એ આવે છે કે બાળકમાં આત્મવિશ્વાસની ઊણપ સર્જાય છે, જેના કારણે સંબંધોમાં ભાવનાત્મક અસ્થિરતા અને ડરનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં, જે વાલીને `વિલન' બનાવવામાં આવ્યા હોય છે, તેઓ પણ ભાવનાત્મક રીતે તૂટી જાય છે અને એકલતા તથા સામાજિક વિમુખતાનો અનુભવ કરવા લાગે છે. આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી મોટો ભોગ બાળક બને છે, જેની માતા પિતા વચ્ચેના સંઘર્ષમાં કોઈ ભૂમિકા હોતી નથી. તેમ છતાં, તેને ભાવનાત્મક અસ્થિરતાનો સામનો કરવો પડે છે.
આ જ કારણ છે કે ભારતમાં `પેરેન્ટલ એલિયનેશન' સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. પરંતુ આનું એકમાત્ર કારણ આ આખા મુદ્દા પર કોઈ એકની નકારાત્મક વિચારસરણી અને તેના કારણે લેવાયેલો નિર્ણય જ નથી હોતો, પરંતુ આ સમસ્યાનું એક મોટું કારણ અત્યંત લાંબી કાનૂની પ્રક્રિયા અને આદેશોના પાલન માટેની નબળી વ્યવસ્થા પણ છે. પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી સામાજિક સમસ્યાઓ આવા કિસ્સાઓમાં ત્યારે વધુ ઘાતક બની જાય છે.
આ જ કારણ છે કે ભારતમાં માતા પિતાથી દૂર રહેવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. જોકે, તે ફક્ત નકારાત્મક વિચારસરણી અને વ્યક્તિઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે નથી. આ સમસ્યામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ લાંબી કાનૂની પ્રક્રિયા, નબળી અમલીકરણ પદ્ધતિ અને હાલની સામાજિક સમસ્યાઓ છે. આ સમસ્યાઓ વધુ ગંભીર બને છે જ્યારે કાનૂની પ્રક્રિયા લાંબી બને છે, અને માતાપિતા કાનૂની આદેશોનું પાલન કરવામાં ઉદાસીન બની જાય છે, અને જો તેમાંથી કોઈ નિર્ણયનો અનાદર કરે છે તો તાત્કાલિક પગલાં લેવામાં અસમર્થ બને છે. આ પ્રકારે `પેરેન્ટલ એલિયનેશન' એ માત્ર માતા-પિતાનો વિવાદ નથી, પરંતુ બાળકના માનસિક અધિકારોનું ઉલ્લંઘન છે.