Wed Jun 10 2026

Logo

પ્લેટફોર્મ પરથી કચરો ઊંચકીને પાટા પર ફેંક્યો, સફાઈ કર્મચારીનો વીડિયો વાયરલ...

2026-03-03 21:12:44
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ભારતીય રેલવે પરિસરની સફાઈ બાબત જાગૃતિ ફેલાવવા જાહેરાતો અને અવનવી એનાઉન્સમેન્ટનો મારો ચલાવે છે પણ મુંબઈના એક સ્ટેશન પર રેલ કર્મચારી જાણી જોઈને સ્વચ્છતાની અવગણના કરતા જોવા મળ્યો હતો. તાજેતરમાં દાદર સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો હતો, જે દીવા નીચે અંધારું કહેવતને સાર્થક કરનારો છે.

તાજેતરમાં X પર એક નાગરિક દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં સફાઈ કર્મચારી સ્ટેશન પરથી ભેગી કરેલી પ્લાસ્ટિકની બોટલ રેલવે ટ્રેક પર ફેંકતો જોવા મળ્યો હતો, જેનાથી કર્મચારી અને સ્ટેશનની સ્વચ્છતા પર પ્રશ્નો ઊભા થયા છે.

સિંહ વરુણ નામના યુઝરે આ વીડિયો અપલોડ કર્યો છે. તેમાં દાદર રેલવે સ્ટેશન પર એક સફાઈ કર્મચારી દેખાય છે. તેની બાજુમાં એક કચરાપેટી પણ છે, પરંતુ કર્મચારી આ કચરાપેટીમાંથી પ્લાસ્ટિકની બોટલો ઉપાડીને રેલવે પાટા પર ફેંકી દેતો જોવા મળે છે. વીડિયોમાં સ્ટેશન વિસ્તાર સાફ કરવાને બદલે તે વધુ કચરો ફેલાવતો જોવા મળે છે.

એના પછી યૂઝરે બીજો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં ઉપરોક્ત ઘટનાની થોડી મિનિટો પછી, એક માણસ રેલવે ટ્રેક પરથી આ બોટલ ઉપાડતો જોવા મળ્યો હતો. આ ઘટના પછી નાગરિકોએ કોન્ટ્રાક્ટ કામદારોના કામ પર સવાલ ઉઠાવ્યા છે.

થોડા દિવસો પહેલા, એક વિદેશી વ્લોગરે મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન વિસ્તારની અસ્વચ્છતા દર્શાવતો એક વીડિયો બનાવ્યો હતો. તે આ વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ગયો અને કચરાની તુલના ડમ્પિંગ ગ્રાઉન્ડ સાથે કરી. 

બાદમાં, તેમણે આ વીડિયોમાં મીઠી નદીનું દ્રશ્ય બતાવ્યું. તેણે મીઠી નદીમાં કાદવ અને કચરો બતાવ્યો અને સરકાર નદીની સફાઈ કેમ નથી કરી રહી તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો. આનાથી મુંબઈમાં રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોની સ્વચ્છતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા.