Tue May 26 2026

Logo

કવર સ્ટોરીઃ ક્રૂડ ઓઇલના લાલચોળ ઉછાળા સામે ભારત કેટલું સુરક્ષિત?

2026-03-04 14:39:02
Author: Nilesh Vaghela
Article Image

નિલેશ વાઘેલા

અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર કરેલા લશ્કરી હુમલા અને તેના વળતા જવાબમાં ઇરાને આવરી લીધેલા તમામ અખાતી દેશને કારણે એક વૈશ્વિક અને વિકરાળ સમસ્યા ખડી થઇ ગઇ છે. મધ્યપૂર્વમાં વધતી ભૂરાજકીય તણાવની પરિસ્થિતિએ સમગ્ર વેશ્વિક અર્થતંત્ર માટે નવી ચિંતાઓ ઉભી કરી રહી છે. આ તણાવનો કેન્દ્રબિંદુ હોર્મુઝ સ્ટ્રેઇટનો માર્ગ છે, જે વિશ્વના લગભગ 20 ટકા ખનીજ તેલના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

અહીં પ્રશ્ર્ન એ છે કે વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક ભારત આ સંજોગોનો સામનો કરવા માટે કેટલો સજ્જ છે? ભારત તેની ક્રૂડ ઓઇલની કુલ આવશ્કયતામાંથી લગભગ 85થી 90 ટકા ખનીજ તેલ માટે આયાત પર નિર્ભર છે. આ આયાતનો મોટો હિસ્સો, ઇરાક, ઇરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત, કતાર અને કુવૈત જેવા ગલ્ફ દેશોમાંથી આવે છે અને આમાંનો મોટાભાગનો લગભગ 20 ટકા જથ્થો હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થાય છે. જો આ માર્ગ અવરોધાય, તો તેની સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પડશે.

ટૂંકા ગાળાની સુરક્ષા, લાંબા ગાળાની નબળાઈ
સરકારનો દાવો છે કે ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ) અને વ્યાપારી જથ્થો ઉપલબ્ધ છે, જે ટૂંકા ગાળાના વિક્ષેપ સામે સુરક્ષા પૂરી પાડે છે. કેટલાક અહેવાલો મુજબ, દેશ પાસે કેટલાક અઠવાડિયાં માટે પૂરતો જથ્થો છે. પરંતુ જો સંઘર્ષ લાંબો ચાલે અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડે, તો પરિસ્થિતિ કઠિન બની શકે છે.

નોંધવું રહ્યું કે હાલ પરિસ્થિતિ વર્લ્ડ વોર જેવી સર્જાઇ છે અને તેમાં હાલ 11થી વધુ દેશ સીધી રીતે સંડોવાઇ ગયા છે. ઇરાન ચારે તરફ અખાતી દેશ પર મિસાઇલો ચલાવી રહ્યું છે અને આ લખાઇ રહ્યું હતું ત્યારે બોમ્બમારો પણ કરી રહ્યું છે. આ પરિસ્થિતિ થાળે પડતા મહિનાઓ પણ લાગી શકે છે! 

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સતત વધારો થતો રહે અને જો તે પ્રતિ બેરલ 75 ડોલરથી ઉપર જળવાઈ રહે તો ભારતના આયાત બિલમાં ભારે વધારો થઈ શકે છે. ઐતિહાસિક અંદાજ મુજબ, ક્રીડ ઓઇલના ભાવમાં બેરલદીઠ દરેક 10 ડોલરના વધારાથી ભારતના વાર્ષિક આયાત બિલમાં અબજો ડોલરનો વધારો થાય છે. તેની સીધી આડઅસર ચલણી ખાતા ખાધ (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ), રૂપિયાની કિંમત અને મોંઘવારી પર પડે છે.

ક્રૂડ ઓઇલ ઉપરાંતનું બીજું સંકટ: એલએનજી અને એલપીજી પર વધારાનું દબાણ

મુદ્દો માત્ર કાચા તેલ પૂરતો મર્યાદિત નથી. ભારતની લિક્વિડ નેચરલ ગેસ (એલએનજી) આયાતનો મોટો હિસ્સો અને એલપીજી સપ્લાયનો નોંધપાત્ર ભાગ પણ હોર્મુઝની સામુદ્રધૂનીના માર્ગ પરથી આવે છે. 

ચિંતાની વાત એ છે કે, આ લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) માટે ભારત પાસે વ્યાપક વ્યૂહાત્મક ભંડાર નથી અને તેથી સ્થાનિક વપરાશ અને ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની અછતની તાત્કાલિક અસર થઈ શકે છે.

જો એલએનજીની સપ્લાય ખોરવાઇ જાય, તો વીજળી ઉત્પાદન અને ખાતર ઉદ્યોગ જેવા ક્ષેત્રો પર તેની ગંભીર અસર પડે છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટે તો આર્થિક વૃદ્ધિ પર સીધી અસર પડે છે.

જો કટોકટી લંબાય છે, તો કિંમતો વધુ વધી શકે છે. વિશ્ર્વનો લગભગ 20 ટકા એલએનજી  કતારથી આવે છે અને અન્ય કોઈ સરળ વૈકલ્પિક માર્ગ નથી. જો કતારથી ગેસ પુરવઠો ખોરવાઈ જાય, તો યુરોપ અને એશિયામાં પાવર પ્લાન્ટ ગેસને બદલે ડીઝલ અને ઇંધણ તેલનો ઉપયોગ વધારી શકે છે. પરિણામે, ડીઝલની માગ વધશે અને તેના ભાવ ક્રૂડ ઓઇલ કરતા પણ વધુ ઝડપથી વધી શકે છે.

વૈવિધ્યીકરણ અને નીતિ પ્રતિસાદ
ભારતે પાછલા કેટલાક વર્ષોમાં આયાતના સ્રોતોમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને રશિયા પાસેથી વધતી ખરીદી દ્વારા ભારતે હોર્મુઝ માર્ગ પરની નિર્ભરતા થોડી ઓછું કરી છે. સાથે જ અમેરિકા અને આફ્રિકી દેશોમાંથી પણ ખરીદી વધારવામાં આવી છે.

તાજેતરમાં અમેરિકાની ધાકધમકી અને બ્લેકમેઇલિંગને વશ થઇને ભારતે રશિયા તરફની આયાત ઘટાડીને વેનેઝુએલા તરફથી આયાત શરૂ કરી છે. જોકે, હાલના સંજોગોમાં ભારતે ફરી રશિયા તરપ વળવું પડશે અને એની પણ શરૂઆત થઇ ગિ હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સરકાર પાસે અન્ય વિકલ્પો પણ છે, જેમ કે ઈંધણ નિકાસ પર નિયંત્રણ, રિફાઇનરીઓને ઘરેલુ માગ પ્રાથમિકતા આપવા સૂચના, અને વ્યૂહાત્મક ભંડારમાંથી જથ્થો બહાર પાડવો. સરકાર આ વિકલ્પો અજમાવી પણ રહી છે, પરંતુ લાંબા ગાળાની વ્યૂહરચના માટે ઊર્જા સ્રોતોમાં વૈવિધ્ય, નવીનીકરણીય ઊર્જા અપનાવવાની ઝડપમાં વધારો અને સંગ્રહ ક્ષમતાનો વિસ્તાર અતિઆવશ્કય છે.

મેક્રો ઇકોનોમિકલ અસર
ક્રૂડ ઓઇલના પુરવઠામાં લાંબા સમય સુધી વિક્ષેપ ચાલુ રહે તો ભારતના ચલણી ખાતા ખાધમાં વધારો થશે, જેના કારણે રૂપિયો દબાણમાં આવી શકે છે. આ રીતે બીજી આયાત પણ મોંધી થશે. ઈંધણના ભાવમાં વધારો મોંઘવારી નોતરશે. અનાજ, કઠોળ, શાકભાજી બધું જ મોંધું થશે. આને પરિણામે રિઝર્વ બેંક પર વ્યાજદર અંગે દબાણ વધી શકે છે. શેરબજારમાં અને વિશેષ કરીને એવિએશન, લોજિસ્ટિક્સ અને ક્ધઝ્યુમર સેક્ટરમાં ઉથલપાથલ વધશે.

મહત્વની બાબત એ છે કે દેશની ઉર્જા જરૂરિયાત સામે જોખમ ઊભું થયું છે. સરકારના મતે, દેશમાં લગભગ 74 દિવસ માટે પૂરતો ક્રૂડ ઓઇલ ભંડાર છે, જેમાં વ્યૂહાત્મક ભંડાર, રિફાઇનરીઓ અને ઓફશોર સ્ટોકનો સમાવેશ થાય છે. જો તણાવ લંબાશે, તો આ ભંડાર પણ દબાણ હેઠળ આવી શકે છે. ઘણા મોટા ટેન્કર માલિકો અને ક્રૂડ તેલ કંપનીઓ સાવચેતી તરીકે ગલ્ફ ક્ષેત્રમાં તેમના જહાજો મોકલવાનું ટાળી રહ્યા છે. 

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઓપેક પ્લસ પાસે દરરોજ 5ાંચ થી છ મિલિયન બેરલ વધારાનું ક્રૂડ તેલ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, જે કોઈપણ કટોકટીમાં ઉપયોગી થઈ શકે છે. જો કે, અહેવાલો સૂચવે છે કે આ આંકડો એટલો મોટો નથી જેટલો દેખાય છે. 

નિષ્કર્ષ: ટૂંકા ગાળે તૈયાર, લાંબા ગાળે પડકાર
સારાંશરૂપે, ભારત ટૂંકા ગાળાના વિક્ષેપ સામે કેટલીક હદ સુધી તૈયાર છે. પરંતુ જો મધ્યપૂર્વમાં સંઘર્ષ લાંબો ચાલે અને હોર્મુઝ માર્ગ લાંબા સમય માટે અવરોધાય, તો ભારત માટે ઊર્જા અને આર્થિક પડકારો ઊભા થશે.

આ સંકટ ભારત માટે ચેતવણી સાથે એવા બોધપાઠ સમાન છે, કે ઊર્જા સુરક્ષા માત્ર ભંડાર ક્ષમતા પર નહીં, પરંતુ વ્યૂહાત્મક વૈવિધ્ય, નવીનીકરણીય ઊર્જા અને વૈશ્ર્વિક રાજનૈતિક સંતુલન પર આધારિત હોવી જોઈએ. પ્રશ્ર્ન એ નથી કે ભારત આંચકો સહન કરી શકે છે કે નહીં; પ્રશ્ર્ન એ છે કે શું તે લાંબા ગાળાના ઊર્જા સંકટ માટે પર્યાપ્ત મજબૂતી ધરાવે છે?