Sun Sep 06 2026

Logo

ગુજરાતના કયા પૂર્વ IPS અધિકારીના પુત્રને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી? જાણો શું છે મામલો

2026-04-08 10:30:00
Author: Mayur Patel
ગુજરાતના કયા પૂર્વ IPS અધિકારીના પુત્રને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી? જાણો શું છે મામલો

અમદાવાદઃ રાજ્યના પૂર્વ IPS અધિકારી બી એસ જેબલિયાના પુત્ર નીરવ જેબલિયાને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે. ગુજરાત હાઈ કોર્ટના નામે નકલી સ્ટે ઓર્ડર બનાવી એક નાગરિક સાથે રૂપિયા 5,00,000ની છેતરપિંડી આચરવાના કેસમાં કોર્ટે નીરવ જેબલિયાને દોષિત જાહેર કરી 3 વર્ષ કેદની સજા ફટકારી હતી.

શું છે મામલો

કુબેરનગરમાં રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ રાણાના મિત્ર મેહુલભાઈ મેવાડા વિરુદ્ધ વર્ષ 2021માં ડીસા ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસની અટકાયતી કાર્યવાહીથી બચવા માટે હાઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવવો જરૂરી હતો. દિનેશભાઇના સંપર્કમાં રહેલા આરોપી નીરવ જેબલિયાએ પોતે લાયઝનિંગનું કામ કરતો હોવાનું જણાવી હાઈ કોર્ટમાંથી ઓર્ડર કરાવી આપવાની ખાતરી આપી હતી. 

 વકીલની ફી પેટે કુલ રૂપિયા 5 લાખની માગણી કરી હતી, આ પૈસા દિનેશભાઇએ ટુકડે-ટુકડે ચૂકવી દીધા હતા. ત્યારબાદ નીરવે વોટ્સએપ પર ગુજરાત હાઈ કોર્ટના લોગો અને સિક્કાવાળા નકલી ઓર્ડર મોકલ્યા હતા. જોકે, જ્યારે દિનેશભાઇએ હાઈ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરી, ત્યારે તેમને આપેલો નંબરનો કોઈ ઓર્ડર મળી આવ્યો નહોતો. છેતરપિંડીનો અહેસાસ થતા અને દિનેશભાઇએ નીરવનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે પોલીસમાં જશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ એવી ધમકી આપી હતી. આ મામલે હાઇ કોર્ટમાં દિનેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી.  

પોલીસે નીરવની 21 સપ્ટે. 2023ના રોજ ધરપકડ કરી હતી. આ કેસ ચાલવા પર આવતા ફરિયાદીના વકીલે 150 પાનાની લેખિત દલીલ રજૂ કરી હતી. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરતાં જણાવ્યું કે, આરોપી સામે આવા જ કેસો પડતર છે, તે ગુનો કરવાની ટેવવાળો છે, આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનું સાબિત થાય છે ત્યારે તેને યોગ્ય સજા કરવી જોઇએ. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે નીરવને 3 વર્ષ કેદની સજા ફટકારી હતી.