Thu Sep 03 2026

Logo

જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કૉંગ્રેસ આક્રમક: ખડગે અને રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

2026-08-25 16:06:27
Author: Mayur Patel
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કૉંગ્રેસ આક્રમક: ખડગે અને રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હી: જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ઉઠાવ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જાતિ ગણતરીની વર્તમાન પ્રક્રિયાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાતિ ગણતરી માટે અપનાવાયેલી ઓપન-એન્ડેડ પ્રશ્નાવલીને કૉંગ્રેસે ભ્રામક ગણાવી છે.

બંને નેતાઓએ જાતિઓની વિગતો નોંધવા માટે અપનાવવામાં આવેલી ઓપન-એન્ડેડ પ્રશ્ન પદ્ધતિ સામે ગંભીર વાંધો ઉઠાવતા કહ્યું કે તેનાથી દેશમાં જાતિઓની વાસ્તવિક સંખ્યાનું સાચું આકલન નહીં થઈ શકે. તેમનું કહેવું છે કે એક જ જાતિ અલગ-અલગ વિસ્તારોમાં જુદા જુદા નામો, પેટાજાતિઓ અને ભાષાઓ દ્વારા ઓળખાય છે. 

આવા સંજોગોમાં જો લોકો પોતાની જાતિ અલગ-અલગ નામોથી નોંધાવશે, તો એક જ સમુદાયના આંકડા અનેક ભાગોમાં વહેંચાઈ જશે અને સમગ્ર જાતિ ગણતરીનો ડેટા અવ્યવસ્થિત થઈ શકે છે. ખડગે અને રાહુલ ગાંધીએ માંગ કરી છે કે વર્તમાન પ્રશ્નાવલી રદ કરીને પ્રમાણિત જાતિ યાદીના આધારે નવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે અને આ માટે રાજકીય પક્ષો, નિષ્ણાતો તેમજ સામાન્ય લોકો સાથે વ્યાપક વિચાર-વિમર્શ કરવામાં આવે.

જનતા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત 

કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકાર યોગ્ય રીતે જાતિ ગણતરી કરાવવા માંગતી નથી અને આ પદ્ધતિને સામાજિક ન્યાય સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે સરકારના આ પગલાને જાતિ ગણતરી નહીં પરંતુ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત ગણાવ્યો છે. વસ્તી ગણતરીના ફોર્મમાં એસસી અને એસટી  માટે કોલમ આપવામાં આવી છે, પરંતુ અન્ય જાતિઓ માટે અલગ કોલમ ન રાખવામાં આવતા કૉંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે.

અનામત વ્યવસ્થા પર કૉંગ્રેસનું વલણ

જયરામ રમેશે જણાવ્યું હતું કે, જો તમે પ્રામાણિકપણે સામાજિક ન્યાયમાં માનતા હોવ, તો હાલની પ્રક્રિયા રદ કરો. બિહાર અને તેલંગાણામાં જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી, તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરો. નિષ્ણાતો સાથે ચર્ચા કરો અને સર્વપક્ષીય બેઠક બોલાવો. અનામતની જોગવાઈ વસ્તી સાથે જોડાયેલી છે; જો જાતિ ગણતરી યોગ્ય રીતે નહીં થાય, તો અનામત વ્યવસ્થા મજબૂતીથી ટકી શકશે નહીં. 
તેમણે ઉમેર્યું કે જાતિ ગણતરી માત્ર એક ઔપચારિક સવાલ પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ દેશના તમામ વર્ગોની સામાજિક-આર્થિક વાસ્તવિકતા સામે આવે તે માટે તેને વૈજ્ઞાનિક અને પારદર્શક રીતે હાથ ધરવી જરૂરી છે.

PMને લખેલા પત્રોનો જવાબ ન મળ્યો: જયરામ રમેશ

જયરામ રમેશે માહિતી આપી હતી કે 20 ઓગસ્ટે કૉંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 21 પાનાનો પત્ર લખ્યો હતો. જાતિ ગણતરી મુદ્દે કૉંગ્રેસ  તરફથી વડા પ્રધાનને લખાયેલો આ ત્રીજો પત્ર છે. આ અગાઉ 16 એપ્રિલ 2023 અને 5 મે 2025ના રોજ પણ પત્રો પાઠવીને રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સાચા આંકડા વિના સામાજિક ન્યાયની નીતિઓ સફળ ન થઈ શકે. સરકારે વસ્તી ગણતરીમાં જાતિની વિગતો માટે ઓપન-એન્ડેડ પદ્ધતિ પસંદ કરી છે, જે તદ્દન ભ્રામક છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી, જયપુર, લખનઊ અને પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી અનામતની વર્તમાન વ્યવસ્થા સામે પ્રદર્શનો થઈ રહ્યા છે અને કેટલાક નેતાઓએ પણ આ અંગે આકરો વિરોધ નોંધાવ્યો છે.

'ડ્રોપડાઉન' યાદી વ્યવહારુ ઉકેલ

કૉંગ્રેસ નેતાઓએ જાતિઓની ચોક્કસ ઓળખ માટે પૂર્વ-તૈયાર અને પ્રમાણિત યાદીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરીમાં પણ આવી જ પદ્ધતિ અપનાવવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની વર્તમાન સરકારી યાદીઓ તથા 'એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'ના આધારે એક સત્તાવાર ડ્રોપડાઉન યાદી તૈયાર કરી શકાય છે, જેના આધારે જ ગણતરીમાં જાતિ નોંધવાની વ્યવસ્થા હોવી જોઈએ.

તેલંગણા-બિહારના સર્વેક્ષણોનું ઉદાહરણ

ખડગે અને રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં તેલંગણા અને બિહારમાં હાથ ધરાયેલા જાતિ સર્વેક્ષણોનો હવાલો આપતા જણાવ્યું કે ત્યાં પૂર્વ-નિર્ધારિત યાદીઓના આધારે ડેટા એકત્રિત કરવાની સફળ પદ્ધતિ અપનાવાઈ હતી. બંને નેતાઓએ સંદર્ભ માટે આ યાદીઓ પણ પત્ર સાથે જોડી છે.

નવી પ્રશ્નાવલી તૈયાર કરવાની માંગ

કૉંગ્રેસના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલની પદ્ધતિને સ્વીકારતા નથી. કેન્દ્ર સરકાર વર્તમાન પ્રશ્નાવલી પાછી ખેંચે, તમામ રાજકીય પક્ષો, વિષય નિષ્ણાતો અને જનતા સાથે પરામર્શ કરે અને વ્યાપક સહમતિ સાધીને નવી પ્રશ્નાવલી તૈયાર કરે.