અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે મિકેનિકલ-સિવિલમાં વધારે રસ રહ્યો તેમ નથી લાગતું. રાજ્યમાં છેલ્લા 10 વર્ષશમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને તેની સાથે જોડાયેલા કોર્સ જેવા કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ (AI-ML) તેમજ ડેટા સાયન્સ પ્રથમ પસંદગી બની રહ્યા છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) ના આંકડા મુજબ, વર્ષ 2015માં આ કોર્સમાં માત્ર 4560 બેઠકો હતી, જે વર્ષ 2025માં વધીને 41646 થઈ ગઈ છે. આમ, તેમાં 37086 બેઠકોનો આશ્ચર્યજનક વધારો અને 813 ટકાનો ઉછાળો નોંધાયો છે.
ACPC દ્વારા એન્જિનિયરિંગની આશરે 72,000 બેઠકો ભરવામાં આવે છે, જેમાં હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને તેને સંલગ્ન કોર્સનો હિસ્સો કુલ બેઠકોના 58% જેટલો છે. આ સાથે જ તે રાજ્યમાં એન્જિનિયરિંગ શિક્ષણનો સૌથી મોટો સિંગલ સેગમેન્ટ બની ગયો છે.
વર્ષ 2026-27 ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે, શિક્ષણશાસ્ત્રીઓ કોમ્પ્યુટર અને IT સંબંધિત બ્રાન્ચ માટેની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.ગુજરાતના સેમિકન્ડક્ટર પ્રોત્સાહનને કારણે તાજેતરના વર્ષોમાં E&C બ્રાન્ચ પ્રત્યે આકર્ષણ વધ્યું હોવા છતાં, હાઈ રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી કોમ્પ્યુટર સંબંધિત કોર્સ જ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે, ટોચના 500 વિદ્યાર્થીઓમાંથી આશરે 70 થી 80 ટકા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સંબંધિત બ્રાન્ચ પસંદ કરે છે.
આ ટ્રેન્ડ પાછળ કુશળ વ્યાવસાયિકોની સતત માંગ, AI-ML જેવી ઊભરતી ટેકનોલોજીનો વિકાસ, ઊંચા પગારના પેકેજ અને વિદેશમાં કામ કરવાની તકોને મુખ્ય પરિબળો છે. કેમ્પસ પ્લેસમેન્ટના પગારમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સતત ટોચની બ્રાન્ચમાં રહી છે.
તેમજ સૂત્રોએ જણાવ્યું કે, નવી સ્પેશિયલાઇઝેશન્સે માંગને વધુ વેગ આપ્યો છે. તેમણે કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં આવેલા નવા ઉછાળા માટે AI-ML અને અન્ય ઊભરતા ક્ષેત્રો તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું, આગામી થોડા વર્ષોમાં કોમ્પ્યુટર સાયન્સના નવા લેન્ડસ્કેપ અને નવી એપ્લિકેશન્સથી વાકેફ હોય તેવા ટેક એક્સપર્ટ્સની જરૂર પડશે. આ બ્રાન્ચનો ગ્રોથ હજુ પણ ચાલુ રહેવાની સંભાવના છે.