Thu Aug 20 2026

Logo

આજે ભારત પર ચંદ્રકોનો વરસાદ થશે એ નક્કી, જાણો કઈ રીતે...

Glasgow   2026-07-31 19:29:59
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં શુક્રવારનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો હોવા પાછળનું કારણ એ છે કે ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ ભારતની ઝોળીમાં અનેક નવા ચંદ્રકો (MEDALS)નો ઉમેરો કરી શકે એવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતીયોને મેડલ જીતવાની અનેક તક મળતાં મેડલ-ટેબલ કે જેમાં શુક્રવાર સાંજ સુધી ભારતના કુલ મેડલની સંખ્યા ત્રણ ગોલ્ડ સહિત 17 હતી એમાં વધારો થવાની પાક્કી સંભાવના હતી.

11 દિવસના આ રમતોત્સવમાં શુક્રવારના નવમા દિવસની શરૂઆતમાં 100 મીટરની વિઘ્ન દોડમાં તેજસ્વિન શંકરે બીજા સ્થાન પર રહીને ડેકથલૉનમાં મેડલ અપાવવાની શક્યતા વધારી છે. ભાલાફેંકમાં નીરજ ચોપડા તેમ જ રોહિત યાદવ અને યશવીર સિંહ ભારતને શુક્રવારની મોડી રાતની ફાઇનલમાં મેડલ અપાવવા તત્પર હતા એ પહેલાં મુક્કાબાજીમાં પણ ભારત માટે શુક્રવાર મોટો દિવસ બની ગયો હતો.

ઑલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોર્ગેહેઇન સહિત ભારતના 10 બૉક્સર રિંગમાં ઊતરવાના હોવાથી ભારતની મેડલની સંખ્યા ઘણી વધવાની સંભાવના હતી. બીજી રીતે કહીએ તો માત્ર બૉક્સિંગમાં જ ભારતીયો કેટલાક ગોલ્ડ મેડલ સહિત મોટી સંખ્યામાં ચંદ્રકો જીતી શકે એવી સ્થિતિ સર્જાઈ હતી.

મુક્કાબાજીમાં ભારતની એશિયન ગેમ્સ બ્રૉન્ઝ મેડલિસ્ટ પ્રીતિ પવાર 54 કિલો વર્ગની અને અંકુશ પંઘાલ 80 કિલો વર્ગની ફાઇનલમાં પહોંચી જતાં બૉક્સિંગમાં ભારતના પ્રભુત્વની શરૂઆત થઈ ચૂકી હતી. ફાઇનલમાં પહોંચવા પ્રીતિ પવારે ઝામ્બિયાની કૅથરિન ઍમ્વાપેને 5-0થી હરાવી હતી અને એટલા જ માર્જિનથી અંકુશે કૅનેડાના હરીફ ખેલાડી જોશુઆ ઑફોરી પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો હતો અને 5-0થી હરાવી દીધો હતો.

લૉન બૉવ્લ્સમાં મેન્સ પેર્સ સેક્શન-બીના ચોથા રાઉન્ડમાં ભારતના નવનીત સિંહ અને દિનેશ કુમારની જોડીએ ફૉકલૅન્ડ આઇલૅન્ડના ઇયાન બાર્નેસ અને ઑલિવિયર થૉમ્પ્સનની જોડીને 2-0થી પરાજિત કરી હતી. જૂડોમાં 48 કિલો વર્ગમાં ભારતની અસ્મિતા ડે સેમિ ફાઇનલમાં યજમાન સ્કૉટલૅન્ડની સમર શૉને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. જૂડોમાં ભારતને ત્રણ ગોલ્ડ મળી શકે એવી સંજોગો સર્જાયા હતા. અસ્મિતા ઉપરાંત યામિની મૌર્ય તેમ જ પુરુષોમાં હર્ષ સિંહ સુવર્ણચંદ્રક અથવા રજતચંદ્રક જીતે એવી પાક્કી આશા જાગી હતી. ટૂંકમાં, જૂડોની આ ત્રણેય સ્પર્ધામાં ભારતીયોના મેડલ પાક્કા થઈ ગયા હતા. જૂડોમાં જ 66 કિલો વર્ગમાં રોહિત બાસિર પર તેમ જ મહિલાઓમાં બાવન કિલો વર્ગમાં શ્રદ્ધા ચોપડે પાસે પણ ખૂબ આશા હતી.