Mon Aug 24 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સની કમાણી એશિયન ગેમ્સમાં નફામાં ફેરવાય તો જ ખરું કહેવાય!

2026-08-08 08:28:00
Author: Mumbai Samachar Team
Article Image

 

બ્રિટિશરોએ જે દેશો પર ભૂતકાળમાં રાજ કર્યું હોય એવા દેશો સહિત કુલ 74 રાષ્ટ્રોના ઍથ્લીટો અને ખેલાડીઓ વચ્ચેની આ વખતની (ગ્લાસગોની) કૉમનવેલ્થ ગેમ્સ (જૂનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ)માં ભારતીય મુક્કાબાજોએ જે પર્ફોર્મ કર્યું એવું અગાઉ ક્યારેય કોઈ કૉમનવેલ્થમાં નહોતું કર્યું અને તેમની ચારેકોર વાહ-વાહ થઈ રહી છે. 

વિશ્વના બીજા નંબરના મોટા રમતોત્સવ બાદ મહિલા બૉક્સરો માટે હવે આનંદોત્સવ ચાલી રહ્યો છે. તેમનું પાટનગર દિલ્હીમાં શાનદાર સ્વાગત થયું છે, કરોડો ભારતવાસીઓ તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે અને તેમના પર લાખો રૂપિયાના ઇનામોની વર્ષા થઈ રહી છે. જોકે આ મુક્કાબાજો આનંદના અતિરેકનો શિકાર ન થઈ જાય એ માટે ભૂતપૂર્વ મેડલ-વિજેતા બૉક્સર સરિતા દેવીએ તેમના માટે એક ઇન્ટરવ્યૂ મારફત સલાહ-સૂચનો આપ્યા છે.

સૌથી પહેલાં થોડું બૅઝિક જાણી લઈએ. આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત 13 ગોલ્ડ, 17 સિલ્વર અને નવ બ્રૉન્ઝ સહિત કુલ 39 મેડલ જીતીને ચોથા નંબર પર રહ્યું. 13માંથી આઠ ગોલ્ડ મેડલ મહિલાઓએ અપાવ્યા અને આઠમાંથી (વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુ, ઍથ્લીટ શર્મિલા ધનખડ અને જૂડોની ઍથ્લીટ અસ્મિતા ડેને બાદ કરતાં) પાંચ સુવર્ણચંદ્રક મુક્કાબાજીમાં મળ્યા હતા. 

આ પાંચ `ગોલ્ડન ગર્લ' મુક્કાબાજ (54 કિલો વર્ગમાં પ્રીતિ પવાર, 57 કિલો વર્ગમાં જૈસ્મિન લમ્બોરિયા, 51 કલો વર્ગમાં સાક્ષી ચૌધરી, 60 કિલો વર્ગમાં પ્રિયા ઘંઘસ, 70 કિલો વર્ગમાં અરુંધતી ચૌધરી)નો સમાવેશ હતો. 75 કિલો વર્ગની સિલ્વર મેડલિસ્ટ બૉક્સર લવલીના બોર્ગોહેઇનને પણ ગણીએ તો મુક્કાબાજીમાં ભારતને મહિલાઓએ છ મોટા મેડલ અપાવ્યા. 

આ બધુ જોત જોતામાં બની ગયું હતું. ગયા અઠવાડિયે કૉમનવેલ્થ ગેમ્સ પૂરી થવાને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે બૉક્સિંગની ફાઇનલ્સમાં આ ભારતીય મુક્કાબાજોએ પરચો બતાવીને ભારતને છેક છઠ્ઠા-આઠમા નંબર પરથી (2022ની ગઈ કૉમનવેલ્થ ગેમ્સની જેમ) ચોથા નંબર પર લાવી દીધું હતું.

હવે મુદ્દાની વાત પર આવીએ તો આ બૉક્સરોએ આગામી 19મી સપ્ટેમ્બરે જાપાનના એઇચી પ્રીફેક્ચર તથા નાગોયામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં કૉમનવેલ્થ ગેમ્સ જેવી જ કમાલ કરી દેખાડવી પડશે. આવું કહેવા પાછળનું કારણ એ છે કે કૉમનવેલ્થ ગેમ્સમાં ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાન જેવા બૉક્સિંગના ચૅમ્પિયન દેશો નહોતા, પરંતુ એશિયન ગેમ્સમાં એમના બૉક્સરો ભાગ લેશે જે ભારતીયો માટે સૌથી મોટા પડકાર બનશે. 

કૉમનવેલ્થમાં પંચાવન કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર જાદુમણી સિંહને કોચિંગ આપનાર સરિતા દેવીનું કહેવું છે કે `કૉમનવેલ્થ ગેમ્સની બૉક્સિંગમાં અમુક એવા દેશો નાના હતા અને કેટલાક સવા નવા હતા. બીજી રીતે કહીએ તો આવા દેશોની બૉક્સરો ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની મુક્કાબાજો જેવી પડકારરૂપ નહોતી. માત્ર ઇંગ્લૅન્ડની બૉક્સરો સામે ભારતીયોની આકરી કસોટી થઈ હતી.'

સરિતા દેવીની ભારતીય મહિલા બૉક્સરોને સૌથી મહત્ત્વની સલાહ એ છે કે `તેમણે રિકવરી પર ખાસ ધ્યાન આપવું પડશે. કૉમનવેલ્થમાં ભાગ લઈને તેમના શરીર પર જે કંઈ નાની-મોટી ઈજા થઈ હોય એમાંથી વહેલાસર મુક્ત થવું પડશે અને પછી તરત જ સઘન પ્રૅક્ટિસ શરૂ કરવી પડશે. ભારતીય મહિલા મુક્કાબાજોને મારે એટલું જ કહેવું છે કે તેમણે કૉમનવેલ્થનું સેલિબ્રેશન ટૂંકાવીને પાંચ-છ દિવસ પૂરો આરામ કરવો જોઈએ. 

એશિયન ગેમ્સ નજીકમાં હોવાથી (બૅક-ટૂ-બૅક સ્પર્ધા યોજાઈ હોવાથી) મુક્કાબાજોએ ખૂબ સતર્ક રહેવું પડશે. મુક્કાબાજીમાં જીતીએ કે હારીએ, મુક્કાબાજના શરીર પર હરીફના પંચ તો લાગ્યા જ હોય એટલે આરામ અને રિકવરી અત્યંત જરૂરી છે. આપણો દેશ ખૂબ મોટો છે. મુક્કાબાજો પોતાના રાજ્યમાં, જિલ્લામાં કે ગામમાં સેલિબ્રેશન કરી રહી હશે, પણ એનો અતિરેક ન થવો જોઈએ. 

પૅરિસ ઑલિમ્પિક્સ બાદ આપણી મુક્કાબાજોમાં નવા જોમ, જુસ્સો અને તાકાત જોવા મળ્યા છે. એનું પ્રતિબિંબ કૉમનવેલ્થમાં જોવા મળ્યું, પણ હવે એશિયન ગેમ્સમાં વધુ આકરી પરીક્ષા આપવી પડશે. મને વિશ્વાસ છે કે ગ્લાસગોની કૉમનવેલ્થમાં આપણી બૉક્સર્સમાં જે ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળ્યો અને તેઓ ગોલ્ડ મેડલ્સ જીતી એ જ આત્મવિશ્વાસને તેઓ હવે એશિયન ગેમ્સ માટે જાપાન લઈ જશે અને એમાં પણ ભારતનું નામ રોશન કરશે.'