Sat Jun 20 2026

Logo

'બાંગ્લાદેશના 64 જિલ્લામાં બનશે રામ મંદિર', ભગવાન રામના અપમાન પર ભડક્યા બાંગ્લાદેશી હિંદૂ, જોરદાર પ્રદર્શન

Dhanka   2026-06-20 13:45:00
Author: Mumbai Samachar Team
Article Image

ઢાકા: બાંગ્લાદેશમાં ભગવાન રામની સૌથી ઊંચી મૂર્તિ બનાવવાનો વિરોધ કરી રહેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓ સામે ઢાકામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે. શુક્રવારે હજારો હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ (જુલૂસ) કાઢ્યું અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા. આ પ્રદર્શન ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા ભગવાન રામની તસવીરના કથિત અપમાન વિરુદ્ધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કથિત રીતે અપમાન કરનારા લોકોની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

ભગવાન રામની મૂર્તિને લઈને વિવાદ

બાંગ્લાદેશના ઉત્તરી ગાઈબાંધા જિલ્લાના પલાશબાડીમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી મૂર્તિને લઈને વિવાદ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા કટ્ટરપંથીઓના વિરોધ બાદ મૂર્તિનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ચલાવતી 'શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિ'નો દાવો છે કે અધિકારીઓને ઇસ્લામિક સંગઠનો તરફથી ધમકીઓ મળી હતી, જેના કારણે કામ રોકવામાં આવ્યું છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે.

શુક્રવારે રાજધાની ઢાકામાં હિન્દુ સંગઠનો અને વિદ્યાર્થીઓએ શાહબાગ ચોકથી નેશનલ પ્રેસ ક્લબ સુધી માર્ચ કાઢી હતી. 'હિન્દુ મહાજોત'ના બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભગવાન રામની તસવીરનું અપમાન કરનારાઓની ધરપકડ કરવાની અને લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ, રંગપુરમાં પોલીસે હિન્દુઓને પ્રદર્શન કરતા રોક્યા હતા, જેના કારણે ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી.

શું છે આખો વિવાદ?

આ મહિનાની શરૂઆતમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ગાઈબાંધામાં મૂર્તિ નિર્માણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભગવાન રામની તસવીર પર જૂતું મૂકીને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે કેસ નોંધી લેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

બાંગ્લાદેશના દરેક જિલ્લામાં બનશે રામ મંદિર

પ્રદર્શનકારીઓએ તારિક રહેમાનના નેતૃત્વવાળી સરકાર પર કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવતા ધરપકડ માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ, પ્રદર્શનનું આયોજન કરનાર સંગઠન 'હિન્દુ મહાજોત' જણાવ્યું છે કે જો ભગવાન રામની મૂર્તિનું નિર્માણ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં એક-એક રામ મંદિર બનાવશે. હિન્દુ સંગઠનોએ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.