Mon Oct 05 2026

Logo

આવતીકાલથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી; કળશ સ્થાપના માટે આ છે સૌથી સચોટ શુભ મુહૂર્ત

2026-03-18 14:04:00
Author: Darshana Visaria
આવતીકાલથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી; કળશ સ્થાપના માટે આ છે સૌથી સચોટ શુભ મુહૂર્ત

આવતીકાલ એટલે કે 19મી માર્ચ, ગુરુવારથી વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે અને એ સાથે સાથે જ આ દિવસે જ ગૂડી પડવા એટલે કે હિન્દુ નવવર્ષ (વિક્રમ સંવત 2083) પણ ઉજવાશે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે મા દુર્ગાનું આગમન નૌકા પર થઈ રહ્યું છે, જે જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત શુભ અને સુખ-સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. ચાલો ત્યારે જાણીએ કે નવરાત્રી પર ઘટ સ્થાપનાના કયા મૂહુર્ત છે અને પૂજાવિધિ વિશે... 

કળશ સ્થાપના માટે આ છે મૂહુર્ત
વાત કરીએ આવતીકાલથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રીના કળશ સ્થાપનાના મૂહુર્તની તો મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 19મી માર્ચ, 2026ના ઘટસ્થાપના માટે બે વિશેષ શુભ સમય ઉપલબ્ધ છે. જેમાંથી પહેલું મૂહુર્ત વહેલી સવારે 06.11 વાગ્યાથી લઈને સવારે 07.41 વાગ્યા સુધી રહેશે. જ્યારે બીજું મૂહુર્ત બપોરે 12.04 વાગ્યાથી બપોરે 12.51 વાગ્યા સુધીનું રહેશે. 

અભિજિત મૂહુર્ત છે સ્થાપના  માટે બેસ્ટ
જ્યોતિષીઓના મતે, આમ તો ઘટસ્થાપના માટે બંને મૂહુર્ત સારા છે, પરંતુ અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી સૌથી ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. ઘટસ્થાપના માટે માટીનો કળશ, જવાર વાવવા માટે માટીનું પાત્ર, ગંગાજળ, કલાવો, અક્ષત, સોપારી અને નાળિયેરની જરૂર પડે છે. 

મંત્ર-જાપ કરાવશે લાભ
પૂજાવિધિ શરૂ કરતાં પહેલાં હંમેશા 'ૐ ગં ગણપતયે નમઃ' થી ગણેશજીનું આહવાન કરો. આ દિવસે કળશ સ્થાપના સમયે 'ઓમ આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ' અને મા દુર્ગાના બીજ મંત્ર 'ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે' નો જાપ કરવો લાભદાયક છે. આ મંત્રોચ્ચારથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.