- નરેન્દ્ર કુમાર
માનવીની મૂળભૂત જરૂરિયાતો સિવાય ફરવાનો શોખ એ આધુનિક જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. ટૂરિઝમ (પ્રવાસન) એટલે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ફરવા જવાની સુવિધા પૂરી પાડવી, જ્યારે હૉસ્પિટાલિટી (આતિથ્ય) એટલે પ્રવાસીઓનું ઉષ્માભેર સ્વાગત કરવું અને તેમનાં રોકાણ, ભોજન તથા અન્ય સુવિધાઓનું ઉત્તમ આયોજન કરવું. આ બન્ને ક્ષેત્રો એક સિક્કાની બે બાજુ સમાન છે અને એ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે જે રાષ્ટ્રીય આવક, વિદેશી હૂંડિયામણ અને રોેજગારીની તકો પૂરી પાડે છે. આ ક્ષેત્ર આજે વૈશ્ર્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનું એક છે જે હોટેલ, રેસ્ટોરાં, પરિવહન અને સ્થાનિક કલાકારોને સીધી આવક અપાવે છે.
જો તમે નવી-નવી જગ્યાએ જવાનું, અલગ-અલગ સંસ્કૃતિના લોકોને મળીને તેમની સાથે સંવાદ કરવાનું અને ગતિશીલ વાતાવરણમાં કામ કરવાનું સપનું જોતા હોય તો ટૂરિઝમ અને હૉસ્પિટાલિટી એ તમારા માટે એક ઉત્તમ કારકિર્દી બની શકે છે. આ ઉદ્યોગ સમગ્ર વિશ્ર્વમાં ખૂબ જ વિશાળ બની ગયો છે. લોકો ફરવાના શોખીન હોય છે અને નવી નવી જગ્યાઓ અને સંસ્કૃતિઓ જાણવા માગે છે. આ કારણોસર આ ક્ષેત્રમાં કુશળ યુવાનો માટે રોજગારીની અસંખ્ય તકો ઊભી થઈ છે.
આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે સ્નાતક અને ડિપ્લોમાં જેવા વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. જેમાંના કેટલાક આ પ્રમાણે છે-
હોટેલ મૅનેજમેન્ટ- હોટેલ અથવા રિસોર્ટમાં વિવિધ વિભાગો જેમ કે ફ્રન્ટ ઑફિસ (રિસેપ્શન), ફૂડ ઍન્ડ બેવરેજ, હાઉસકીપિંગ અને ફૂડ પ્રોડક્શન (શેફ)માં મૅનેજર અથવા સુપરવાઇઝર તરીકે કામ કરવાની ઉત્તમ તક છે.
ટૂર ઑપરેટર અને ટ્રાવેલ એજન્ટ - પ્રવાસીઓ માટે હોટેલ બુકિંગ, ટિકિટિંગ અને આખા પ્રવાસનું આયોજન કરવું.
ટૂર ગાઇડ - સ્થાકિ ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી ધરાવતા લોકોને રોજગારી આપે છે. પ્રવાસીઓને વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ સમજાવવી એમનું મુખ્ય કામ છે.
ઇવેન્ટ મૅનેજર - લગ્ન સમારોહ, કૉર્પોરેટ મીટિંગ્સ અને કૉન્સર્ટ જેવા મોટા કાર્યક્રમોનું આયોજન કરવું.
આ ઉપરાંત પોતાનું ટ્રાવેલ સ્ટાર્ટઅપ, હોમ સ્ટે, ટ્રાવેલ બ્લૉગ, ડિજિટલ ટ્રાવેલ એજન્સી ટૂર ઑપરેશનનો વ્યવસાય પણ શરૂ કરી શકાય છે.