તાજેતરમાં થયેલાં એક ચોંકાવનારા સંશોધને સિંગલ હોય એવા કે પછી લગ્ન ન કરવા માંગતા લોકોની ચિંતામાં વૃદ્ધિ કરી છે. અમેરિકાની ‘મિયામી યુનિવર્સિટી’ દ્વારા કરવામાં આવેલા આ સંશોધન અનુસાર પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું છે. આ રિસર્ચ ફેમસ મેગેઝીન ‘કેન્સર રિસર્ચ કોમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત થયું છે. ચાલો જાણીએ આખરે શું છે આખી સ્ટોરી અને લગ્નનો કેન્સર જેવી બીમારી સાથે શું સંબંધ છે એ...
રિસર્ચર્સ દ્વારા 2015થી 2022 સુધી અમેરિકાના 12 જેટલા રાજ્યોમાં જોવા મળેલાં 40 લાખથી વધુ કેન્સરના કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ડેટાના આધારે વૈજ્ઞાનિકોએ સામાજિક પરિસ્થિતિ અને કેન્સર વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને સામે જે આંકડાઓ આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા.
વાત કરીએ સંશોધનના મુખ્ય તારણોની તો રિસર્ચર્સના મતે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરની ઘટનાઓ 68 ટકા અને અપરિણીત મહિલાઓમાં 85 ટકા જેટલી વધારે જોવા મળી હતી. આ ઉપરાંત કુંવારા હોય એવા પુરુષોમાં એનલ કેન્સર થવાનું જોખમ પાંચ ગણું વધારે હતું, જ્યારે અપરિણીત મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા 3 ગણી વધારે હોવાનું સામે આવ્યું છે.
વૈજ્ઞાનિકોના મતે લગ્ન એ આપણને માત્ર કેન્સર જેવી બીમારીથી બચાવે છે એવું નથી, પરંતુ લગ્ન પછીની જીવનશૈલી, સામાજિક સપોર્ટ અને નિયમિત હેલ્થ ચેકઅપ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્મોકિંગ, લાંબા ગાળાનો માનસિક તણાવ અને પ્રજનન ઈતિહાસ જેવા રિસ્ક ફેક્ટર્સ ઘણીવાર મેરિડ લાઈફ સાથે સકારાત્મક રીતે જોડાયેલા હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
આ મામલે નિષ્ણાતોની સલાહ એવી છે કે જે લોકો અપરિણીત છે તેમણે કેન્સરના રિસ્ક ફેક્ટર્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ, નિયમિત સ્ક્રિનિંગ કરાવવું જોઈએ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ.