ભુજ:કચ્છમાં લુપ્તતાના આરે પહોંચેલા અતિ દુર્લભ પક્ષી ઘોરાડ-ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડની વસ્તીને પુનઃજીવિત કરવા માટે ગુજરાત વન વિભાગ દ્વારા અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આકાર પામી રહેલું 'સોફ્ટ-રિલીઝ સેન્ટર' હવે આખરી તબક્કામાં પહોંચી ગયું છે. વન વિભાગની યોજના મુજબ ચાલુ ઓક્ટોબર સુધી ચાલતી પ્રજનન સિઝન દરમિયાન રાજસ્થાનથી ઘોરાડના બચ્ચાઓને અહીં લાવીને ઉછેરવામાં આવશે. જો બચ્ચા લાવવાનું શક્ય નહીં બને, તો રાજસ્થાનથી ફળદ્રુપ ઈંડા લાવીને આ કેન્દ્ર ખાતે જ કૃત્રિમ રીતે સેવવામાં આવે તેવી સંભાવના છે.
એક સમયગાળામાં ઘોરાડનું મુખ્ય કુદરતી નિવાસસ્થાન ગણાતા નલિયાના અર્ધ-શુષ્ક ઘાસિયા વિસ્તારમાં હાલ માત્ર ત્રણ માદા ઘોરાડ જ બચી હોવાનું માનવામાં આવે છે. પક્ષીઓની સંખ્યા આટલી ઝડપથી ઘટી રહી હોવાના કારણે કુદરતી રીતે વસ્તીવૃદ્ધિ થવી અત્યંત કઠિન બની ગઈ છે. આ સંજોગોમાં ગુજરાતમાં આ પ્રજાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આસિસ્ટિડ બ્રીડિંગ એટલે કે,સહાયક પ્રજનન અને સોફ્ટ-રિલીઝ અભિગમ અત્યંત નિર્ણાયક સાબિત થશે.
તાજેતરમાં હાથ ધરાયેલા 'જમ્પસ્ટાર્ટ' પ્રયોગથી સંરક્ષણ પ્રયાસોને મોટું બળ મળ્યું હતું. આ પ્રયોગ અંતર્ગત રાજસ્થાનથી ઘોરાડનું એક ફળદ્રુપ ઈંડું કચ્છ લાવીને અહીની વન્ય માદા ઘોરાડના માળામાં મૂકવામાં આવ્યું હતું. આ ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું હતું અને તે આશરે પાંચ મહિના સુધી જીવંત રહ્યું હતું. જોકે બાદમાં તેનું મૃત્યુ થયું હતું, પરંતુ આ પ્રયોગે પ્રોજેક્ટની સફળતાની શક્યતાઓ અને પડકારો બંને સ્પષ્ટ કરી દીધા હતા. આ બચ્ચાને માનવીય હસ્તક્ષેપ વગર ઉછેરવામાં આવ્યું હતું અને ધીમે ધીમે કુદરતી વાતાવરણમાં અનુકૂળ થવા દેવાયું હતું. વન વિભાગના કર્મચારીઓએ શિયાળ તથા સરિસૃપો જેવા શિકારી પ્રાણીઓથી તેનું રક્ષણ કરવાની સાથે તે માનવીઓ પર નિર્ભર ન બની જાય તે રીતે દૂરથી તેના પર સતત નજર રાખી હતી.
નવું આકાર પામી રહેલું સોફ્ટ-રિલીઝ સેન્ટર આ સંરક્ષણ ઝુંબેશને એક ડગલું આગળ લઈ જશે. અહીં એવું નિયંત્રિત વાતાવરણ ઊભું કરાશે જ્યાં ઘોરાડના બચ્ચાં ખુલ્લા જંગલમાં છોડતાં પહેલાં કુદરતી રીતે જીવતા શીખી શકશે. પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક એચ. જે. ઠક્કરે જણાવ્યું હતું કે, "આ સેન્ટર વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નિર્ધારિત ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. કામગીરી પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ આ સેન્ટર પૂર્ણપણે કાર્યરત થઈ જશે. ઘોરાડ ઓક્ટોબર સુધી ઈંડા મૂકે છે, તેથી જો બધું યોજના મુજબ રહેશે તો વર્તમાન બ્રીડિંગ સિઝનમાં જ આપણને સેન્ટર માટે ઈંડું અથવા બચ્ચું મળી જવાની પૂર્ણ આશા છે.
ઉલ્લેખનીય છે કે, સોફ્ટ-રિલીઝ પદ્ધતિના રાજસ્થાનમાં પ્રોત્સાહક પરિણામો મળ્યા છે, જેને હવે કચ્છમાં ઘોરાડની વસ્તી પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે ગુજરાતમાં અપનાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ (આઈયુસીએન) ની રેડ લિસ્ટમાં ઘોરાડને 'અતિ સંકટગ્રસ્ત' શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં હવે આ પ્રજાતિના માત્ર ૧૫૦ જેટલાં જ પક્ષીઓ બચ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)