Fri Sep 04 2026

Logo

ક્રેનનો ઉપયોગ કરી ચાર જણ બીએસએનએલના કેબલ ચોરવા આવ્યા હતા, ગાર્ડની સુઝબુઝથી પોલીસે પકડ્યા

2026-08-17 18:38:38
Author: Pooja Shah
ક્રેનનો ઉપયોગ કરી ચાર જણ બીએસએનએલના કેબલ ચોરવા આવ્યા હતા, ગાર્ડની સુઝબુઝથી પોલીસે પકડ્યા

અમદાવાદઃ કોપરનો ભાવ ઘણો જ ઊંચો હોવાથી કોપરના કેબલની ચોરી થતી હોય છે. આવી જ એક ચોરીનો પ્રયાસ અમદાવાદના વાસણા વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડની સતર્કતાથી પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. 

આ અંગે મળતી વિગતો અનુસાર શનિવારે વહેલી સવારે વાસણા નજીક મનપાના કર્મચારીઓ તરીકે પોતાને ઓળખાવી ચાર શખ્સે  ક્રેનનો ઉપયોગ કરીને બીએસએનએલ ડક્ટમાંથી કોપર કેબલ ચોરી લીધા હતા. શંકાસ્પદ લાગતા બીએસએનએલના એક સુરક્ષા ગાર્ડે કંપનીને ફોન કરી સતર્ક કરી હતી. કંપનીએ પોલીસને જણાવતા પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ. 7 લાખની કિંમતનો લગભગ 220 મીટર કેબલ મળી આવ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બીજા અમુક લોકો ભાગી ગયા હતા. 

વાસણા પોલીસમાં બીએસએનલના એક અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે રાત્રે 2 વાગ્યાની આસપાસ ગાર્ડે જીબી શાહ કોલેજની સામેના સ્થળે ક્રેન જોઈ હતી.  તે માણસોએ કથિત રીતે તેમને કહ્યું કે તેઓ મનપાના અધિકારીઓ છે અને  ડક્ટ ખોલતી વખતે તેમને બાજુમાં બેસવાનું કહ્યું અને કોપર કેબલ કાપવાનું શરૂ કર્યું હતું. જોકે ગાર્ડને વિસ્વાસ ન બેસતા તેમણે તેમના અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ પોલીસને જણાવતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે તેમને કાપેલી હાલતમાં 1,200 જોડી કોપર કેબલનો લગભગ 220 મીટરનો જથ્થો, ગુજરાતના નોંધણી નંબરવાળી ક્રેન ઉપરાંત પાંચ હેલ્મેટ, ચાર મેટલની સાંકળો, છ લોખંડની કરવત, એક દંડૂકો, એક હથોડી અને એક ટોર્ચ મળી આવી છે. આરોપીઓના ભાગી છૂટેલા અજાણ્યા સાથીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.