Tue Aug 25 2026

Logo

ટૂંકુ ને ટચઃ હાર્ટઅટેકની જેમ વધી રહ્યું છે બ્રેન સ્ટ્રોકનું જોખમ

2026-04-07 10:01:00
Author: Rashmi Shukla
ટૂંકુ ને ટચઃ હાર્ટઅટેકની જેમ વધી રહ્યું છે બ્રેન સ્ટ્રોકનું જોખમ

રશ્મિ શુકલ

આજકાલ અનિયમિત ખાણીપીણી અને લાઇફસ્ટાઇલને કારણે હાર્ટઅટેકનો ભોગ નાની ઉંમરનાં લોકો થઈ રહ્યાં છે. હૃદયને બચાવવામાં આપણે દિમાગની અવગણના કરવા લાગ્યા છીએ. ભારતમાં દર એક મિનિટે એકનું જીવન આજીવન વિકલાંગતા તરફ ધકેલાઈ રહ્યું છે. એનું કારણ છે બ્રેન સ્ટ્રોક.

આપણા દેશમાં જ્યારે પણ કોઈને હૃદયમાં દુખાવો ઊપડે તો આખો પરિવાર તેને લઈને હૉસ્પિટલમાં દોડે છે. જોકે જ્યારે કોઈનો ચહેરો વાંકો થઈ જાય, અવાજ ગબડવા મંડે, હાથ-પગ સૂન્ન થઈ જાય, તો એને લકવા સમજીને માલિશ અથવા ઘરગુથ્થી ઉપાયો અજમાવીને સમયની બરબાદી કરવામાં આવે છે. આને કારણે દર્દીને આખી જિંદગી કુટુંબ પર નિર્ભર બનીને રહેવું પડે છે. ભારતમાં બ્રેન સ્ટ્રોક ખૂબ મોટું સંકટ બની ગયું છે. 

હાર્ટ અટેક વર્સીસ બ્રેન સ્ટ્રોક

આ બન્ને બીમારીઓ ખૂબ ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવે છે. ભારતમાં દર વર્ષે 15 થી 25 લાખ લોકો બ્રેન સ્ટ્રોકનો ભોગ બને છે. તો હાર્ટ અટેક 15 થી 30 લાખ લોકોને આવે છે. બન્ને સ્થિતિમાં લોહીનો પુરવઠો હૃદય અને દિમાગ સુધી પહોંચતો નથી. 

મોતથી પણ બદતર અપંગતાનો ભાર

ડૉ.નું કહેવું છે કે હાર્ટ અટેકમાં વ્યક્તિનો જીવ જાય તો એનું દુ:ખ તો થાય જ છે, પરંતુ બ્રેન સ્ટ્રોકમાં વ્યક્તિ બચી જાય તો તે એક ગંભીર પંગુતાથી પીડાય છે. એટલું જ નહીં જો ઘરનો મુખ્ય કમાઉ સદસ્ય જ બ્રેન સ્ટ્રોકનો શિકાર બને તો પરિવાર પર મુસીબત આવી પડે. કુટુંબ ગરીબીમાં સપડાઈ જાય છે અને વર્ષોનાં વર્ષો સુધી દર્દીની સારસંભાળ રાખવાની જવાબદારી પરિવારને તોડી નાખે છે.

આપણાં દેશમાં એમ્બ્યુલન્સ, ઇસીજી અને લૈબ અસંખ્ય છે, પરંતુ બ્રેન સ્ટ્રોક માટેની સુવિધાઓ નગણ્ય છે. લોકો હાર્ટ અટેકને ઇમર્જન્સી માને છે, પરંતુ સ્ટ્રોકને ધીરે-ધીરે થનારી બીમારી ગણે છે. એવામાં સારવારમાં મોડું કરવું એટલે આજીવન બોલવા-ચાલવાની શક્તિ ગુમાવી બેસવી.