મુંબઈ/ભિવંડી: ભિવંડીના ગંગારામવાડી વિસ્તારમાં આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટના આ વિંગમાં સમારકામ દરમિયાન બનેલી ગોઝારી દુર્ઘટના બાદ પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં માર્યા જનારાની સંખ્યામાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જયારે 3 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા.
હવે આ ઇમારતને સોમવારે એટલે કે આવતીકાલે તોડી પાડવામાં આવશે. દુર્ઘટના બાદ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં બિલ્ડિંગના માલિક બિલાલ અહેમદ અબુબકર ખાન અને કોન્ટ્રાક્ટર અશોક પાસવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર અશોક પાસવાનનું મૃત્યુ થયું હતું. આમ છતાં પોલીસે તપાસના આધારે તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
દુર્ઘટનાની તપાસ દરમિયાન પોલીસે બિલ્ડિંગના રહેવાસી અમૃતલાલ નિશાદની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમૃતલાલ નિશાદે અન્ય રહેવાસીઓ પાસેથી સમારકામ માટે રૂપિયા પડાવ્યા હતા. તેના દ્વારા કોન્ટ્રાક્ટર અશોક પાસવાનને આ કાર્ય સોંપવામાં આવ્યું હતું. પોલીસ પૂછપરછ બાદ તપાસના આધારે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાશે તેવી શક્યતાઓ છે.
બીજી તરફ ભીવંડી પાલિકાએ સલામતીના પગલે કોહિનૂર એપાર્ટમેન્ટની બંને વિંગને ખાલી કરાવી હતી. જેમાં એ-વિંગમાં 38 અને બી-વિંગમાંમાં 60 એમ મળીને કુલ 98 જેટલા ફ્લેટ હતા. દરેક પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, લોકોએ પોતાનો સામાન પણ ઇમારતથી હટાવી લીધો છે.