થાણે: મદદ કરવાને બહાને પરિણીતાને પોતાની ઓફિસમાં બોલાવ્યા બાદ તેને ભિવંડી તાલુકાના બાપગાવમાં આવેલા ફાર્મહાઉસમાં લઇ જઇ શસ્ત્રની ધાકે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપસર કલ્યાણ પશ્ર્ચિમ મતદારસંઘના ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય તેમ જ બરતરફ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પડઘા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાને શસ્ત્રની ધાક દાખવીને ધમકાવ્યા બાદ તેને દારૂ પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણ પશ્ર્ચિમમાં રહેનારી 22 વર્ષની પીડિતાનો તેના પતિ સાથે વિવાદ હોવાથી મધ્યસ્થી કરવા માટે ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર પવારે તેને પોતાની ઓફિસમાં બોલાવી હતી. બાદમાં પીડિતાને 13 સપ્ટેમ્બરે પવાર અને બરતરફ પોલીસ કર્મચારી શૈલેશ પાટીલ ભિવંડી તાલુકાના બાપગાવ ખાતેના ફાર્મહાઉસમાં લઇ ગયા હતા, જ્યાં તેની સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મોડી રાતના પવાર ત્યાંથી જતો રહ્યા બાદ મળસકે શૈલેશ પાટીલે પીડિતા સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પાટીલનો સાથીદાર પીડિતાને તેના ઘરે છોડી આવ્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
આ ઘટના બાદ ગભરાયેલી પીડિતાએ બુધવારે કૉંગ્રેસની નગરસેવિકા કંચન કુલકર્ણીનો સંપર્ક સાધ્યો હતો અને આપવીતી જણાવીને મદદ માગી હતી. તેણે વીડિયો ફૂટેજ અને વ્હૉટ્સઍપ ચેટ્સ સહિતના પુરાવા શૅર કર્યા હતા. પીડિતાને બાદમાં પડઘા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી, જ્યાં તેણે પવાર અને પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સદાનંદ દાતેના હસ્તક્ષેપ બાદ પડઘા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંકજ ગિરિએ વિગતોની ચકાસણી કરી હતી અને પવાર તથા પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગિરિએ પુષ્ટિ કરી હતી કે પવાર અને પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને બંનેની શોધ ચલાવવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર