Mon May 18 2026

Logo

રાજસ્થાનના રણુજા દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના પરિવારને અકસ્માત નડયો, ત્રણના મોત

2026-05-17 20:30:26
Author: Chandrakant Kanoja
Article Image

બાલોતરા: રાજસ્થાનના રણુજા દર્શન કરી પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની કાર પલટી મારી ગઈ હતી. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજસ્થાનના બાલોતરા જિલ્લાથી પસાર થતાં ભારતમાલા હાઈવે પર આસોતરા પાસે કાર સામે અચાનક જ નીલગાય આવી જતાં કાર ચાલકે તેને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ હ્રદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. આ  અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

ઘાયલોને સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા 

આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, મૃતકોની ઓળખ જમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.35), હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ.32), યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ.18) તરીકે થઈ છે. જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘાયલો અશોક ચૌધરી (ઉ.વ.26), કમલેશ ચૌધરી (ઉ.વ.30), આયુષ ચૌધરી, (ઉ.વ.8)ને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.