Mon Aug 17 2026

Logo

રાજકોટ અટલ સરોવરમાં 42 નવી દુકાનનું 'ઈ-ઓક્શન': મનપાએ કરી જાહેરાત, જાણો અરજી કરવાની અંતિમ તારીખ

2026-08-16 17:27:16
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના નજરાણા સમાન નવા રાજકોટ એટલે કે અટલ સરોવરમાં નવી 42 દુકાનો શરૂ થવા જઈ રહી છે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (RSCDL) અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કમર્શિયલ સ્પેસને પ્રારંભિક 3 વર્ષના સમયગાળા માટે લીઝ પર (ભાડે) આપવા ઈ-ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે. 

આ દુકાનો અટલ સ્માર્ટ સિટીમાં સેકન્ડ રિંગ રોડ પર આવેલી ટીપી સ્કીમ નં. 32 ખાતેના અટલ સરોવર સંકુલની અંદર આવેલી છે. જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આ હરાજીમાં પ્રતિ દુકાન 3 વર્ષનું અંદાજિત ભાડું રૂ. 4,48,734 (આશરે 4.48 લાખ) નક્કી કરવામાં આવ્યું છે.

આ ઈ-ઓક્શન પ્રક્રિયા માટેની ઓનલાઈન ટેન્ડર ડાઉનલોડ કરવાની પ્રક્રિયાનો 14 ઓગસ્ટના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દુકાન ભાડે રાખવા ઈચ્છુક વેપારીઓ અને નાગરિકો 21 સપ્ટેમ્બર 2026ના સાંજે 4:00 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 

આ ઉપરાંત, ટેન્ડર પ્રક્રિયા અંગેની વધુ માહિતી આપવા અને શંકાઓના સમાધાન માટે 9 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે પ્રી-બિડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગ 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાછળ આવેલી રાજકોટ મનપાની વેસ્ટ ઝોન ઓફિસ ખાતે યોજાશે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઈ-ઓક્શન 29 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે. આ સમગ્ર હરાજી પ્રક્રિયા (n)Procure પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા અરજદારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ  પરથી પણ આ અંગેની વધુ માહિતી મેળવી શકે છે. 

હરાજીમાં ભાગ લેવા માટે અરજદારોએ પ્રતિ દુકાન રૂ. 1,49,578ની EMD (અર્નેસ્ટ મની ડિપોઝિટ) રકમ ભરવાની રહેશે. અટલ સરોવરમાં આ 42 દુકાન શરૂ થવાથી સહેલાણીઓ માટે નવી સુવિધાઓ ઊભી થશે અને સાથે જ કમર્શિયલ ગતિવિધિઓને વેગ મળશે.