Sun Jul 26 2026

Logo

કાળા સમુદ્રમાં ભારતીયોના મોત બાદ એલર્ટ, કેન્દ્ર સરકારે જારી કરી એડવાઇઝરી

2026-07-26 15:18:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ સંઘર્ષગ્રસ્ત દરિયાઈ વિસ્તારો, ખાસ કરીને કાળા સમુદ્ર (બ્લેક સી) ક્ષેત્રમાં નોકરી કરતા પહેલાં સુરક્ષાની સ્થિતિનું સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરે. વિદેશ મંત્રાલયે બ્લેક સી અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા જોખમો અંગે એક એડવાઈઝરી જારી કરી છે.

એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, "જે ભારતીય નાગરિકો સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં અથવા ત્યાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર નોકરી કરવા ઈચ્છે છે, તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી નોકરી સ્વીકારતા પહેલાં ત્યાં રહેલા સુરક્ષા જોખમોનું સારી રીતે મૂલ્યાંકન કરી લે."

'ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી'

સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકો આવી નોકરીની ઓફર સ્વીકારે છે તેમણે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. આ એડવાઈઝરી ગત અઠવાડિયે બ્લેક સી વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર થયેલા બે હુમલાઓમાં પાંચ ભારતીયોના મૃત્યુ પછી જારી કરવામાં આવી છે. ગઈકાલે થયેલા તાજા હુમલામાં એક ભારતીયનું મૃત્યુ થયું હતું, જ્યારે 19 જુલાઈએ આ પ્રકારના હુમલામાં અન્ય ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

'પરિસ્થિતિ અત્યંત અસ્થિર'

સરકારે અગાઉ કોમર્શિયલ શિપિંગ પર થયેલા તે હુમલાઓની નિંદા કરી હતી, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવન પર જોખમ ઊભું થયું હતું. સરકારે પોતાની તાજેતરની એડવાઈઝરીમાં કહ્યું છે કે હાલના સંઘર્ષને કારણે બ્લેક સી અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર બનેલી છે.

સરકારે જણાવ્યું છે કે, "આ વિસ્તારોમાં ચાલતા કે અહીંથી પસાર થતા કોમર્શિયલ જહાજોને સુરક્ષાના મોટા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ પણ સામેલ છે. એપ્રિલ 2026 થી કોમર્શિયલ જહાજો પર આવી ઘટનાઓની સંખ્યામાં વધારો થયો છે અને આ ઘટનાઓમાં પાંચ ભારતીયોના દુઃખદ મૃત્યુ પણ થયા છે."

સરકારે બીજું શું કહ્યું?

સરકારે કહ્યું કે છે કે જે લોકો સંઘર્ષવાળા વિસ્તારોમાં નોકરી કરવા માંગે છે તેમણે જહાજના નક્કી કરેલા રૂટ, જે બંદરો પર જહાજ રોકાશે, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇન્શ્યોરન્સ કવરેજ અને કટોકટી (ઇમરજન્સી) સમયની કાર્યવાહીની પદ્ધતિઓ વિશે માલિકો અને જહાજ ઓપરેટરો પાસેથી પૂરી માહિતી મેળવી લેવી જોઈએ.

એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, "એ બાબત સુનિશ્ચિત કરો કે રોજગારની શરતો લાગુ પડતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ ધોરણો મુજબની હોય અને કટોકટીની સ્થિતિમાં તબીબી સારવાર, બહાર કાઢવાની વ્યવસ્થા (ઇવેક્યુએશન), સ્વદેશ વાપસી અને વળતર માટે યોગ્ય જોગવાઈઓ હોય."

સરકારે ભારતીય નાવિકોને એ પણ કહ્યું છે કે તેઓ પોતાના પરિવારના સભ્યોને પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા રહે અને તેમની સાથે નિયમિત સંપર્ક જાળવી રાખે. જે લોકોને કોન્સ્યુલર સહાયની જરૂર છે તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ તે ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ)નો સંપર્ક કરે.