Tue Oct 06 2026

Logo

ટેબલ ટેનિસમાં ભારતની મહિલાઓ જીતી, પુરુષો બહારઃ બૅડમિન્ટનમાં પુરુષો જીત્યા, મહિલાઓ આઉટ

Nagoya   2026-09-22 18:00:10
Author: Ajay Motiwala
ટેબલ ટેનિસમાં ભારતની મહિલાઓ જીતી, પુરુષો બહારઃ બૅડમિન્ટનમાં પુરુષો જીત્યા, મહિલાઓ આઉટ

નાગોયાઃ ભારતને જાપાનની એશિયન ગેમ્સમાં ચંદ્રકો મળવાની જે બે રમતના ખેલાડીઓ પાસે મોટી અપેક્ષા છે એની મૅચોમાં મંગળવારે ભારત માટે મિશ્ર પરિણામો જોવા મળ્યા હતા. ટેબલ ટેનિસમાં ભારતની મહિલાઓની ટીમ થાઇલૅન્ડ સામે જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી, પરંતુ પુરુષોની ટીમ સાઉથ કોરિયા સામે પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. બીજી તરફ, બૅડમિન્ટનમાં ભારતના પુરુષોની ટીમે યજમાન જાપાનને હરાવી દીધું હતું, પરંતુ ભારતની મહિલાઓની ટીમ જાપાન સામે હારી જતાં ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.

ટેબલ ટેનિસ (TT)ના મુકાબલાની વાત કરીએ તો ટૉયોટા શહેરના સ્કાય હૉલમાં ભારતની મહિલા ટીમે થાઇલૅન્ડને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીજા અકુલાનો થાઇલૅન્ડની ઑરાવાન પૅરાનન્ગ સામે 2-3 (11-7, 11-1, 9-11, 6-11, 10-12)થી પરાજય થયો હતો. પાંચ ગેમવાળી બીજી મૅચમાં યશસ્વિની ઘોરપડેએ સુથાસિની સૉવેટાબટને 3-2 (11-5, 5-11, 7-11, 11-9, 11-9)થી હરાવીને ભારતને 1-1ની બરાબરી કરાવી આપી હતી. દિયા ચિતલેએ જિન્નીપા સૉવેટાબટ સામે 2-3 (7-11, 11-5, 11-7, 7-11, 11-13)થી હાર જોવી પડી હતી. ચોથી મૅચમાં ઘોરપડેનો પૅરાનન્ગ સામે 3-0 (11-5, 11-8, 11-9)થી વિજય થયો હતો અને ત્યાર બાદ શ્રીજા અકુલાએ જબરદસ્ત કમબૅક કરીને સુથાસિનીને 3-1 (9-11, 11-6, 12-10, 11-8)થી હરાવીને ભારતને એકંદરે 3-2થી જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.

પુરુષોની ટેબલ ટેનિસમાં સાઉથ કોરિયા સામે ભારતનો 0-3થી પરાજય થયો હતો. ભારતના ત્રણ ગુજરાતી ખેલાડીઓ હરમીત દેસાઈ, માનુષ શાહ તેમ જ માનવ ઠક્કરમાંથી એક પણ ખેલાડી તેની મૅચ જીતી નહોતો શક્યો. હરમીત અને માનવ ઠક્કર તેમના હરીફ સામે 1-3થી હાર્યા હતા, જ્યારે માનુષનો 2-3થી પરાજય થયો હતો.

બૅડમિન્ટન (BADMINTON)માં ભારતના પુરુષો જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી જતાં એક મેડલ પાક્કું કર્યું હતું. લક્ષ્ય સેને વિશ્વના સાતમા ક્રમના અને વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે સિલ્વર મેડલ જીતી ચૂકેલા જાપાનના કોડાઇ નારાઓકાને સંઘર્ષભર્યા મુકાબલામાં 11-21, 21-5, 21-19થી હરાવી દીધો હતો. ડબલ્સમાં આ વર્ષે બે ટ્રોફી જીતનાર સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન હોકી તાકુરો અને કૉબાયાશી યુગોને 21-18, 24-22થી હરાવીને ભારતની સરસાઈ વધારીને 2-0ની કરી હતી. આયુષ શેટ્ટીએ દર્શનીય પર્ફોર્મન્સથી જાપાનના કૉકી વાતાનાબેને 21-10, 21-19થી પરાજિત કરીને ભારત માટે મેડલ પાક્કું કર્યું હતું.

મહિલાઓની બૅડમિન્ટનમાં ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે પોતાની ડબલ્સ મૅચ જીતી લીધી હતી, પરંતુ પી. વી. સિંધુ સહિતની સિંગલ્સની ખેલાડીઓ ત્રણ મૅચ હારી જતાં જાપાન સામે ભારતનો 1-3થી પરાભવ થયો હતો.