Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સઃ 19 મેડલ સાથે શૂટિંગમાં જબરદસ્ત પ્રદર્શન, જાણો કયા ખેલાડીએ જીત્યો કયો મેડલ?

Tokyo   2026-09-25 20:33:52
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સઃ 19 મેડલ સાથે શૂટિંગમાં જબરદસ્ત પ્રદર્શન, જાણો કયા ખેલાડીએ જીત્યો કયો મેડલ?

નવી દિલ્હી/ટોકિયો: એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 25 સપ્ટેમ્બર સુધી ભારતના ખાતામાં કુલ 19 મેડલ આવી ચૂક્યા છે, જેમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે શૂટિંગ સૌથી સફળ રમત સાબિત થઈ છે, જેમાં અત્યાર સુધી 9 મેડલ મળ્યા છે.

ભારત માટે બે ગોલ્ડ મેડલ આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા T20માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ શૂટિંગમાં કમલજીત અને સુરુચી સિંહની જોડીએ 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતીને ભારતના ખાતામાં બીજો સુવર્ણ ચંદ્રક ઉમેર્યો. બંનેએ ફાઈનલમાં 484.6 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.

સિલ્વર મેડલની વાત કરીએ તો શૂટિંગમાં એલાવેનિલ વાલારિવન, સોનમ માસ્કર અને વિદરસા વિનોદે મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. એલાવેનિલે વ્યક્તિગત 10 મીટર એર રાઈફલમાં પણ સિલ્વર મેળવ્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં રુદ્રાંક્ષ પાટીલ, પાર્થ માણે અને હિમાંશુ ધિલ્લોને સિલ્વર જીત્યો, જ્યારે હિમાંશુએ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ સિલ્વર મેળવ્યો.

વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. વુશુમાં નાઓરેમ રોશિબીના દેવીએ મહિલાઓની 60 કિલોગ્રામ સાંડા ઈવેન્ટમાં સિલ્વર મેળવીને સતત ત્રીજી એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. એથ્લેટિક્સમાં મિક્સ્ડ 4x400 મીટર રિલે ટીમે પણ સિલ્વર જીત્યો છે. આ ઉપરાંત શૂટિંગમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને નીરજ કુમારે પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો છે.

ભારતના 9 બ્રોન્ઝ મેડલમાં પણ અનેક રમતોનો સમાવેશ થાય છે. રુદ્રાંક્ષ પાટીલે પુરુષોની 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો છે. શૂટિંગમાં મહિલા સ્કીટ ટીમ અને પુરુષ સ્કીટ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા, જ્યારે અનંતજીત સિંહ નારુકા અને પરિનાઝ ધાલીવાળાએ મિક્સ્ડ ટીમ સ્કીટમાં બ્રોન્ઝ જીત્યો છે. 

સોફ્ટ ટેનિસમાં જય મીનાએ પુરુષ સિંગલ્સમાં અને બેડમિન્ટનની ભારતીય પુરુષ ટીમે ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેળવ્યો છે. ભારતીય એથ્લેટ ગુલવીર સિંહે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોની 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. નાગોયામાં યોજાયેલી ફાઇનલમાં ગુલવીરે 28:29.38 મિનિટનો સમય નોંધાવીને બીજું સ્થાન મેળવ્યું હતું.

રોવિંગમાં સતનામ સિંહ અને સલમાન ખાને પુરુષોની ડબલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તારિયાલે મહિલાઓની 60 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો છે, જ્યારે એથ્લેટિક્સમાં સીમા કુમારીએ મહિલાઓની 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો છે. આ રીતે ભારતે અત્યાર સુધી કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે.

ભારતના 19 મેડલમાં સૌથી મોટો ફાળો શૂટિંગનો છે. શૂટિંગમાંથી કુલ 9 મેડલ મળ્યા છે, જેમાં 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સમાં ભારતની મેડલ માટેની સફર હજુ ચાલુ છે અને આગામી ઈવેન્ટ્સમાં મેડલની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે.