Thu Apr 30 2026

Logo

આપણે આજુબાજુની વ્યક્તિઓ વિશે પણ વિચારવું જોઈએ...

2026-03-22 10:42:00
Author: Ashu Patel
Article Image

 

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

 થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે એક પરિચિત યુવાનને મળવાનું થયું. તે પત્ની સાથે મળવા આવ્યો હતો. એ દરમિયાન તેણે બે વખત પોતાના મોંમાં ગુટખા નાખ્યા. તેના દાંત સડી ચૂક્યા હતા. એ જોઈને  તેને કહ્યું કે ‘તારે ગુટખા ખાવાનું બંધ કરવું જોઈએ નહીં તો ભવિષ્યમાં બહુ હેરાન થવું પડશે.’

એ જ વખતે તે યુવાનની પત્નીએ વ્યથિત સ્વરે મને વિનંતી કરી કે ‘તમે આમને સમજાવો કે ગુટખા ખાવાનું બંધ કરે. થોડા મહિનાઓ અગાઉ જ તેમના પિતરાઈ ભાઈનું ગુટખાના વ્યસનને કારણે મૃત્યુ થયું. તેને કેન્સર થયું હતું અને તેની સારવાર પાછળ બેફામ પૈસા ખર્ચવા છતાં તે બચી શક્યો નહીં. અમારા ઘરમાં બધાને આમની પણ બહુ ચિંતા થાય છે, પણ તે કોઈનું સાંભળતા નથી.’ 

આ સાંભળીને પેલા યુવાને હસતાંહસતાં કહ્યું કે ‘હું તો વર્ષોથી ગુટખા ખાઉં છું. મને કોઈ તકલીફ થઈ નથી. ઊલટું, મેં ઘરના દબાણથી બે વાર ગુટખા છોડવાની કોશિશ કરી ત્યારે મને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થયો હતો. મારા જે મિત્રોએ ગુટખા છોડી દીધા તેમને પછી કેન્સર થયું. મારા પિતરાઈ ભાઈ પણ ગુટખા છોડ્યા પછી જ કેન્સરમાં મૃત્યુ પામ્યો.’

મને તેના પર દયા પણ ઊપજી અને તેના પર હસવું પણ આવ્યું. મેં તેને કહ્યું કે ‘ગુટખા છોડવાને કારણે નહીં, પણ વર્ષોથી ગુટખા ખાવાને કારણે તેને કેન્સર થયું હોય છે.’

તે યુવાને દલીલ કરી કે ‘તો તો ગુટખા ખાતા હોય એ બધાને કેન્સર થાય ને! બધા માણસોનાં શરીર અલગઅલગ હોય. મારા એક દૂરના કાકાને કોઈ જ વ્યસન નહોતું છતાં તેમને કેન્સર થયું હતું , જયારે અમારા ઘણા વડીલોએ આખી જિંદગી તમાકુ ખાધું છતાં તેમને કોઈ તકલીફ ન થઈ!’

મેં તેને સમજાવવાની કોશિશ કરી જોઈ કે તમાકુ ન ખાતા હોય તેમને બીજાં કારણોસર કેન્સર થઈ શકે, પણ તમાકુ ખાતા હોય તેમને કેન્સર થવાની શક્યતા તો ખૂબ જ વધી જાય.’

જવાબમાં પેલો કહે : ‘અમારા પર કેટલું ટેન્શન છે એની તમને ખબર નથી! તમારા પર આટલું ટેન્શન હોય તો તમને પણ વ્યસન થઈ જાય! અને એક વાર વ્યસન લાગે પછી એ છોડવાનું સહેલું નથી. હું હવે વ્યસન છોડી શકું એમ નથી. નાનો હતો ત્યારથી આ વ્યસન થઈ ગયું છે અને સાચું કહું તો કોરોનાના સમયમાં મને આર્થિક ફટકો પડ્યો એ પછી એના આધારે જ ટકી શક્યો છું. બાકી મેં આત્મહત્યા કરી લીધી હોત.’

 મેં તે યુવાનને ગઈ સદીના મહાન સમાજસેવક રવિશંકર મહારાજના જીવનનો એક કિસ્સો કહ્યો... રવિશંકર મહારાજ ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં ફરતા રહેતા અને કુરિવાજો, વ્યસનો તથા અંધશ્રદ્ધાગ્રસ્ત લોકોને એ બદીઓમાંથી બહાર લાવવાની કોશિશ કરતા રહેતા. એક વાર તે એક ગામમાં ગયા. નાનકડી સભા ભરીને લોકોને સમજાવવા લાગ્યા કે ‘વ્યસન તમારા જીવનને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. તમારે વ્યસનો છોડી દેવા જોઈએ.’

રવિશંકર મહારાજની વાત સાંભળીને ગામલોકો ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં. બધાએ વ્યસન ન છોડવા માટે જાતજાતનાં બહાનાં આગળ ધર્યા. જો કે એ બધાનો સૂર એક જ હતો કે આ વ્યસન અમને એવું વળગ્યું છે કે લાખ કોશિશ કરવા છતાં એ અમને છોડતું જ નથી...! 

રવિશંકર મહારાજ એ વખતે એક ફળિયામાં બેઠા હતા. એ ફળિયાના છેડે ઘર હતું. એ ઘરની બહાર ઓસરી હતી અને એ ઓસરીના બંને છેડે વૃક્ષના થડમાંથી બનાવેલા લાકડાના થાંભલાથી ટેકો ઊભો કરાયો હતો. તેઓ અચાનક ઊભા થઈ ગયા અને દોડીને એક થાંભલા પાસે જઈને એને વળગી પડ્યા.

ગામ લોકોને કંઈ સમજાયું નહીં. તેમને બહુ નવાઈ લાગી, પરંતુ તેમને વધુ નવાઈ ત્યારે લાગી જ્યારે રવિશંકર મહારાજ મોટા સાદે બૂમો પાડવા લાગ્યા કે ‘મને કોઈ આ થાંભલાથી છોડાવો. આ થાંભલાએ મને પકડી લીધો છે અને મને છોડતો નથી!’

બધા આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, ‘અરે, મહારાજ! થાંભલાએ તમને ક્યાં પકડ્યા છે? તમે એ થાંભલાને પકડ્યો છે. તમે થાંભલો છોડી દો એટલે તમે છૂટા જ છો!’

રવિશંકર મહારાજે થાંભલાને છોડતા કહ્યું, ‘હું પણ તમને એ જ સમજાવવા માગું છું. વ્યસને તમને નથી પકડ્યા, તમે વ્યસનને પકડયું છે. વ્યસન તમને નથી છોડતું એવું નથી, તમે ખુદ વ્યસનને નથી છોડતા!’

રવિશંકર મહારાજની વાત ગામ લોકોને સમજાઈ અને મોટા ભાગના ગામલોકોએ ત્યારે ને ત્યારે વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લીધી.

આ કિસ્સો સાંભળીને પેલો ગુટખાગ્રસ્ત યુવાન હસ્યો : ‘વાત તો સાચી છે, પણ મને આ વ્યસનથી સાઇકોલોજીકલ સપોર્ટ મળે છે એટલે હું આ વ્યસન છોડવાનો વિચાર પણ કરી શકતો નથી.’
*
આવા યુવાનોને જોઉં ત્યારે તેમનાથી વધુ દયા તેમના કુટુંબના સભ્યોની આવે છે. આવા લોકો પોતાના વ્યસનને પોતાના જીવનથી અને પોતાના કુટુંબથી પણ વધુ મહત્ત્વ આપે છે. અને પછી કેન્સરનો ભોગ બને ત્યારે તેમના કુટુંબ માટે દુ:ખના પાસવર્ડ સમા બની જાય છે.

દરેક માણસે પોતાની આજુબાજુની વ્યક્તિઓ વિશે વિચારીને જીવવું જોઈએ. પોતાની આજુબાજુની વ્યક્તિઓને સુખ ન આપી શકીએ તો વાંધો નહીં, પણ દુ:ખ તો ન જ પહોંચાડવું જોઈએ.