હેમંત વાળા
કળાની ભૂમિકામાં બદલાવ દેખાય છે. કળાના ઉદ્દેશ પણ ક્યાંક બદલાતાં જણાય છે. કળાની અભિવ્યક્તિ માટે પ્રાપ્ય સાધનોની સંખ્યા તથા તેના પ્રકારમાં પણ બદલાવ આવ્યો છે. કળા પાછળનો મૂળ ભાવ પણ ક્યાંક ચોક્કસ સંજોગોમાં નવું રૂપ ધારણ કરે છે. આ પ્રકારના સાંપ્રત પ્રવાહોમાં સ્થાપત્ય અપવાદ ન હોઈ શકે. ખરેખર તો સ્થાપત્યમાં આ બદલાવ ઘણો ઉગ્રતાથી લાગુ પડતો હોય તેમ જણાય છે. આ પ્રકારના બદલાવને નવીનતાનું લોભામણું નામ અપાયું છે.
આ સમય નવીનતાનો છે. સાધનો, તેની ઉપયોગિતા અને તેના લાંબા ગાળાના પરિણામો, બધા પર નવીનતાનો પ્રભાવ છે. જીવનના મૂલ્યો, સામાજિક અને સંદર્ભિક ઉત્તરદાયિત્વ સમજવામાં પણ નવીન અભિગમ અપનાવાય છે. સુંદરતા તથા ઉપયોગિતાની પરિભાષા પણ બદલાતી દેખાય છે. પહેલાં જે પ્રકારનું ઉપકરણ પેઢી દર પેઢી ઉપયોગમાં લેવાતું તે આજે `યુઝ એન થ્રો' શ્રેણીમાં આવી ગયું છે. અહીં પણ નવીનતાનો પ્રભાવ છે.
નવીનતા જરૂરી છે. તેનાથી નવા વિચારો માટે તક સર્જાય છે. તે નવી નવી સંભાવનાઓ લાવે છે. વર્ષોથી ચાલ્યો આવતો ચિલો છોડીને નવી દિશા તરફ તેનાથી પગ મંડાય છે. નવીનતાથી એક પ્રકારની મોકળાશની અનુભૂતિ પણ થાય છે. નવીનતા વિકાસના નવા દ્વાર ખોલવા સક્ષમ છે. નવીનતા જરૂરી છે પણ નવીનતા માત્ર નવીનતા માટે નહીં-તેની સાથે યથાર્થતા પણ સંકળાયેલી હોવી જોઈએ.
નવીનતાના નામે પરંપરાની સદંતર અવગણના થાય, વર્ષોથી સિદ્ધ થયેલ બાબતોને નજર અંદાજ કરાય, સ્થાનિક બાબતો તથા સાંપ્રત સમાજના સ્થાપિત અગ્રતાક્રમની અવહેલના થાય, ગ્લેમરસ જણાતી બાબતોને પ્રાધાન્ય અપાય, જુના પ્રશ્નોની અવગણના કરાય, નવાં પ્રશ્નો સર્જાતા જાય, ક્યાંક વૈચારિક પરિપક્વતાનો અભાવ વર્તાય, અગત્યના નિર્ણયોમાં ગંભીરતાની માત્રા ઓછી થતી જણાય, પર્યાવરણની સંવેદનશીલ બાબતોની અવગણના થાય અને સામાજિક ઓળખ ગણાતી ઘણી બાબતો લુપ્ત થવાના આરે પહોંચે- તો પ્રશ્ન તો થાય.
જો કે આ ચિત્ર એટલું ખરાબ પણ નથી. એક પ્રકારે આ મંથનનો સમય છે. ઘણા નવીન પ્રયોગો જરૂરી છે, એ તૈયારી સાથે કે કેટલાક નિષ્ફળ પણ જઈ શકે. નવી નવી સંભાવનાઓ વિકસે તે ઇચ્છનીય છે. આજે નવા જ પ્રકારની તાજગી જરૂરી છે, તે માટે પ્રયત્નો તો કરવાં જ રહ્યાં. એકધારાપણાથી લોકો કંટાળી ગયા હોય તેમ લાગે છે. નવીનતા જરૂરી છે.
સમાજને આજે બદલાવ જોઈએ છે અને તે પણ ઝડપી. વ્યક્તિ લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવાના મૂડમાં નથી. આજે જ શરૂઆત કરીને જાણે આજે જ પરિણામ જોઈએ છે. આજના સમયમાં જાણે વ્યક્તિ પાસે સમય જ નથી. પરંપરાગત માળખાથી તેને જલ્દી મુક્ત થવું છે અને ઝડપથી નવા આવરણ ધારણ કરવા છે. આવી ઝડપી માંગથી ક્યારેક અનિચ્છનીય ઉતાવળ થઈ જવાની સંભાવના રહે અને ચાખ્યા વગર વાની પીરસી દેવાય. એક પ્રકારે આ જોખમી સ્થિતિ કહેવાય. છતાં પણ નવીનતા માટેના પ્રયોગો જરૂરી તો છે જ.
આ ઝડપ પામવા માટે ખોટી રીત કે ટૂંકા માર્ગ અપનાવવામાં ન આવે તે જરૂરી છે. વ્યક્તિ તથા સમાજની ચોક્કસ પ્રકારની સંવેદનાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે, ઇચ્છનીય છે. પ્રત્યેક નવીનતા જરૂરિયાતની વધુ પોષક હોવી જોઈએ, તે નવીનતા સ્થાનિક ગૌરવને અનુરૂપ હોવી જોઈએ. જૂનું બધું જ રદબાતલ કરવા જેવું નથી હોતું.
જૂની જે બાબતો આજની પરિસ્થિતિમાં પણ યથાર્થ હોય તેને ચાલુ રાખવી જોઈએ કાં તો તેને નવા પરિપ્રેક્ષ્યમાં પ્રસ્થાપિત કરવી જોઈએ કાં તો તે નવી શૈલીમાં આલેખાવી જોઈએ. આજે સાધનો પણ ભિન્ન છે જેની ચોક્કસ મર્યાદાઓ અને ક્ષમતા છે. આ સાધનનો સુયોગ્ય ઉપયોગ કરી એક નવા જ પ્રકારની ઓળખ સ્થાપવાની જરૂરિયાત છે- જેમાં પરંપરાને યોગ્ય સ્થાન મળેલું હોય અને આધુનિકતાને ચોક્કસ કામ સોંપાયું હોય.
આપણી સંસ્કૃતિ તેમજ વારસો રાતોરાત ઊગી નીકળેલી ઘટના નથી. તેની સાર્થકતા જળવાઈ તે જરૂરી છે. આધુનિકતાની દોડમાં સ્થાપત્યનો પરંપરાગત તેમજ સાંસ્કૃતિક વારસો ભુલાવો ન જોઈએ. ભારતની આઝાદી વખતે જે વસ્તી હતી તે આજે લગભગ ચાર ગણી થઈ ગઈ છે. આ વધારાની માંગને પહોંચી વળવા નવા પ્રકારના પ્રયત્નો જરૂરી છે જ, પણ આ પ્રયત્નમાં ક્યાંક ભારતીયતાનો ભોગ ન લેવાવો જોઈએ. નવીનતા સાથે વારસો જળવાઈ રહે તે ઇચ્છનીય છે. આજનો સમય, જવાબદારીપૂર્વક, ભવિષ્યની પેઢીને નવી દિશા બતાવે તે જરૂરી છે.
ડર એ વાતનો છે કે, એમ ન થવું જોઈએ કે નવીનતા માત્ર ફેશન બની જાય - ફેશન એટલે એવી ઘટના કે જે સ્વીકારવામાં બુદ્ધિનો કોઈપણ પ્રકારે ઉપયોગ ન થાય. આ અપરિપક્વતાની નિશાની ગણાય. કળાના અન્ય ક્ષેત્રની જેમ સ્થાપત્યમાં પણ પ્રચલિત ટ્રેન્ડ- વાદ હોય છે. આ પ્રકારનો ટ્રેન્ડ જલ્દી સ્વીકૃત બનતો હોય છે અને તેથી લોકો તેના પ્રત્યે ઢળે તે સ્વાભાવિક છે, પરંતુ અન્ય કળાની સરખામણીમાં સ્થાપત્ય એ ગંભીર ક્ષેત્ર હોવાથી તેમાં માત્ર ફેશનને આધારે નિર્ણય ન લેવાય તે ઇચ્છનીય નથી.
આવી ફેશનનો જન્મ મોટેભાગે પશ્ચિમી વિશ્વમાં થયો હોય છે જેમાં સ્થાનિક પરિબળો તેમજ મૂલ્યો લગભગ ગૌણ બની જતાં હોય છે. આ પ્રકારનું અનુકરણ અસંદર્ભિક બની રહે. વૈશ્વિકતા પામવાની હોડમાં ક્યાંક મૂળિયાં જ નજરઅંદાજ થઈ જાય છે.
નવીનતા માત્ર નવીનતા કે બદલાવ માટે ન હોવી જોઈએ. નવીનતા અન્યથી માત્ર જુદા પડવા માટે કરાયેલ પ્રયત્ન નથી. નવીનતા નવી હકારાત્મક સંભાવનાઓ વિકસાવવા માટે છે. નવીનતાને ઓળખ આપવી જરૂરી છે. નવીનતા અને વિચિત્રતામાં જે ભેદ છે તે સમજવો જરૂરી છે. નવીનતા અસ્વિકૃતિના ભાવથી નહીં પરંતુ સ્વીકૃતિની ભાવનાથી સ્થપાયેલી હોવી જોઈએ. સમયની માંગ એ છે કે નવીનતા માટેનો પ્રયત્ન પૂરેપૂરી સંવેદનશીલતા અને સર્જનાત્મકતાથી કરાવો જોઈએ. તે વૈશ્વિક અને સ્થાનિક ઓળખના સમન્વય સમાન હોય તે જરૂરી છે.