Mon Oct 05 2026

Logo

ચિંતનઃ અપસ્માર - એક પ્રતીક

2026-10-05 08:17:00
Author: Hemu Bhikhu
ચિંતનઃ અપસ્માર - એક પ્રતીક

 

હેમુ ભીખુ

મહાદેવનાં એક સ્વરૂપ નટરાજની મૂર્તિમાં શિવજીના જમણા પગ નીચે દબાયેલ વ્યક્તિ અપસ્માર નામનો બૌનો-ઠીંગણો અસુર છે. પૌરાણિક ઇતિહાસ મુજબ પ્રાચીન સમયે દારૂકવનમાં કેટલાક મહાન ઋષિઓ અત્યંત કઠિન કહી શકાય તેવું તપ કરતા હતા. તેઓ મહાન સાધક ઉપરાંત પ્રખર જ્ઞાની અને ઉચ્ચકક્ષાના ક્રિયાકાંડી પણ હતા. તેમનાં આ તપ, જ્ઞાન અને ક્રિયાકાંડને કારણે તેઓનું સામર્થ્ય વધતું ગયું. 

એક સમયે એવો આવ્યો જ્યારે અહંકારયુક્ત થઈને તેઓ પોતાને સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધુ શક્તિશાળી માનવાં લાગ્યા અને તેમનો વ્યવહાર પણ ધીમે ધીમે તે પ્રમાણેનો થતો ગયો. દેવતાઓ કરતા પણ વધુ સામર્થ્ય તેમનું છે એમ માની બ્રહ્માંડમાં હવે દેવતાઓની આવશ્યકતા વિશે તેઓ પ્રશ્ન ઉઠાવતા થયાં. યજ્ઞ-શક્તિ અને પ્રખર જ્ઞાનથી બધું જ પોતાનાં નિયંત્રણમાં રાખવાનાં તેમણે પ્રયત્નો શરૂ કર્યા. સૃષ્ટિના સંતુલન માટે તેમની આ પ્રકારની અહંકારથી વ્યાપ માનસિકતા યોગ્ય ન હતી. બ્રહ્માંડના તટસ્થ નિયમન માટે આ પ્રકારનો અભિગમ ઇચ્છનીય ન હતો.

સૃષ્ટિના રક્ષક મહાદેવને આ યોગ્ય ન લાગ્યું. તેમણે જોયું કે વિનમ્રતા, વિવેક, સત્યનિષ્ઠા અને જાગ્રતતા નષ્ટ થવાથી જ્ઞાન અને યજ્ઞ-શક્તિનો દુરુપયોગ શરૂ થયો હતો. આવી નકારાત્મક પરિસ્થિતિના વિધ્વંશ માટે એક અજ્ઞાત યોગી સ્વરૂપમાં તેઓ દારુકવનમાં આવ્યાં અને શાંતિથી ઋષિઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઋષિઓએ સાવ વિપરીત પ્રતિભાવ આપ્યો. ઋષિઓએ પોતાના સામર્થ્યથી વિવિધ પ્રકારની શક્તિઓ ઉત્પન્ન કરી; 

જેમાં વિકરાળ વાઘ, ભયાનક અગ્નિ, ડરામણા વિશાળ સર્પ વગેરેનો સમાવેશ થયો હતો. તેમણે અજ્ઞાત યોગીના સ્વરૂપમાં આવેલ મહાદેવને ડરાવવા-પરાસ્ત કરવા અપસ્માર નામના એક ઠીંગણા અસુરને પણ ઉત્પન્ન કર્યો. પરિસ્થિતિ નિયંત્રણની બહાર જણાતાં મહાદેવે નટરાજ સ્વરૂપ ધારણ કરી તાંડવ શરૂ કર્યું. ઋષિઓ દ્વારા સર્જાયેલી પ્રત્યેક નકારાત્મક શક્તિનો નાશ કરી ભગવાન શિવે અપસ્મારને પોતાના પગ નીચે દબાવીને તાંડવ ચાલુ રાખ્યું. આ રીતે તેમણે અપસ્મારનો વધ ન કર્યો, પરંતુ તેનાં પર નિયંત્રણ સ્થાપિત કર્યું.

અપસ્મારના નિયંત્રણ માટે શિવજીએ ‘નટરાજ’નું - ‘નૃત્યના રાજા’નું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું. મહાદેવના આ સ્વરૂપની પ્રતીકાત્મક રજૂઆત ભવ્ય અને અદભુત છે. અહીં પ્રત્યેક અંગનો એક ગહન આધ્યાત્મિક અર્થ છે. સર્જન અને વિનાશના શાશ્વત-ચક્ર સમાન શિવજીની આસપાસ દેખાતું અગ્નિનું ચક્ર બ્રહ્માંડનું પ્રતીક છે. તેમનાં ડાબા હાથમાં રહેલો અગ્નિ આસુરીવૃત્તિના સંહાર તેમ જ બ્રહ્માંડમાં જરૂરી પરિવર્તનનું પ્રતીક છે. તેમનાં જમણા હાથમાં રહેલા ડમરુનો પવિત્ર ‘નાદ’ સૃષ્ટિના સર્જનનું સાક્ષી પણ છે અને પ્રતીક પણ છે. 

સનાતની વિચારધારા પ્રમાણે બ્રહ્માંડના સર્જન વખતનો નાદ ‘ૐ’ ડમરુમાંથી જ પ્રગટ થયો હતો. આશીર્વાદ સમાન શિવજીની અભય-મુદ્રા ભક્તજનોને અભય વરદાન આપે છે. તેમનો ઉપર ઊંચકાયેલો પગ આધ્યાત્મિક સંતુલન વ્યક્ત કરે છે તો તેમના વિખરાયેલા વાળ અનંત-શક્તિ તેમ જ ગંગાના પ્રવાહના પ્રતીક સમાન છે. મહાદેવનું આ એટલે કે નટરાજ સ્વરૂપ સર્જન પાલન અને સંહારના સમન્વય સમાન છે. ગીતામાં જણાવાયેલ દુષ્ટોના વિનાશની અને સાધુજનની રક્ષાની સંભાવના અહીં પ્રત્યક્ષ થાય છે. સનાતનની વિચારધારા પ્રમાણે સમગ્ર બ્રહ્માંડ સતત ગતિમાં છે, ઊર્જાવાન છે અને તેનાં પ્રતીક સમાન આ નટરાજ છે.

અપસ્મારના નિયંત્રણ માટે શિવજીએ તાંડવ કર્યું હતું. તાંડવ એ મહાદેવની પ્રકૃતિનું એક અવિભાજ્ય અંગ છે. તાંડવ સાથે સૃષ્ટિનું સર્જન, પાલન, સંહાર, અજ્ઞાનનો નાશ અને મુક્તિની દૈવી સંભાવનાઓ જોડાયેલી હોય છે. એમ કહેવાય છે કે બ્રહ્માંડમાં જ્યારે અસંતુલન વધે ત્યારે શિવજી તાંડવ દ્વારા વ્યવસ્થાની પુન: સ્થાપના કરે. તાંડવનો મૂળ હેતુ તેમ જ અર્થ વિનાશ છે જ નહીં; તે તો સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, સંભવિત પ્રલય, તિરોભાવ અને અનુગ્રહનો દૈવી સમન્વય છે. તાંડવના પણ વિવિધ સ્વરૂપો છે. 

આનંદ અને ઉત્સાહ સમાન આનંદ-તાંડવ, દિવસ અને રાતના સંધિકાળ સમાન સંધ્યા-તાંડવ, સાત્ત્વિક ક્રોધ થકી સૃષ્ટિનું સંતુલન સ્થાપવા સારું કાલિકા કે રુદ્ર-તાંડવ, ત્રિપુરાસુરના સંહાર પછી કરાયેલાં વિજય-નૃત્ય એટલે કે ત્રિપુરા-તાંડવ, શિવ અને શક્તિના સંતુલન માટે માતા પાર્વતી સાથેનું ગૌરી કે ઉમા-તાંડવ, તથા પ્રલય અને વિનાશના પ્રતીક સમાન સંહાર-તાંડવ. કેટલાંક શૈવ-ગ્રંથોમાં સોળ પ્રકારનાં તાંડવનું વર્ણન જોવાં મળે છે. 

અપસ્મારને નિયંત્રિત કરવા શિવજીએ રુદ્ર-તાંડવ કર્યું હશે. એમ માની શકાય કે તાંડવ પાછળનો મુખ્ય હેતુ નિજાનંદ મસ્તીની અભિવ્યક્તિ હોવો જોઈએ. મહાદેવ અપસ્મારનો વધ નથી કરતાં, પણ તાંડવ કરતાં કરતાં તેને પગ નીચે દબાયેલો રાખે છે. મહાદેવની આ ચેષ્ટાથી કેટલીક વાતો સ્પષ્ટ થાય છે. અહંકાર અને અજ્ઞાન પર નિયંત્રણ જરૂરી છે, તેનો નાશ શક્ય નથી. અજ્ઞાન અને અહંકાર પરનું નિયંત્રણ દિવ્યતાની સાથે કલાત્મક પણ હોઈ શકે. અજ્ઞાન અને અહંકારનું પરિણામ પણ સતત નજર સમક્ષ રહેવું જોઈએ.

અહીં એ તો શીખવા મળે જ છે કે જ્ઞાન કે ક્રિયાકાંડ કે ભક્તિ કે સાધના થકી પ્રાપ્ત થયેલાં સામર્થ્ય પછી પણ વિનમ્રતા જાળવી રાખવી જરૂરી છે. કોઈપણ સ્વરૂપનો કે કોઈપણ પ્રકારનો અહંકારી વ્યવહાર આધ્યાત્મિકતામાં માન્ય ન હોય. વિશેષ સામર્થ્ય પ્રાપ્ત થતાં, તેનાંથી સૃષ્ટિનું સંતુલન બગાડવાનો પ્રયત્ન પરમ-સત્તા માન્ય ન રાખે. આ પૌરાણિક કથામાં અપસ્માર શબ્દની સમજ પણ જરૂરી છે. 

આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં અપસ્માર એટલે અજ્ઞાન, અહંકાર, ચંચળતા, અસ્થિરતા, સંસ્કારી સ્મૃતિનો નાશ, સાત્ત્વિકતાનો અભાવ, ચૈતન્યની પવિત્રતાની અસ્વીકૃતિ અને આધ્યાત્મિક અણગમો ધરાવતી માનસિકતા. એમ કહી શકાય કે અપસ્માર એ એવી શક્તિ છે જે મનુષ્યને સત્યથી, પ્રકાશથી, ધર્મથી, નૈતિકતાથી, સાત્ત્વિકતાથી, આધ્યાત્મિકતાથી દૂર લઈ જાય છે. 

સ્વાભાવિક છે કે અપસ્માર અસુર ખૂબ ચંચળ, અહંકારી, અજ્ઞાની, અધર્મી, અસત્ય બોલનાર, અનૈતિક આચરણ કરનાર, ચંચળ, અસ્થિર તેમ જ નકારાત્મક સંભાવના ધરાવનાર હોય. અપસ્માર નાનો, બૌનો-ઠીંગણો, વિકૃત શરીરવાળો, અશાંત, અસ્થિર તેમ જ ભયાનક હશે. અહીં એ સમજી લેવું જોઈએ કે નાનાં જણાતાં નકારાત્મક વ્યક્તિત્વ પર પણ નિયંત્રણ જરૂરી છે.