(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે રવિવારે પુણે જિલ્લામાં બે સગીરો પર થયેલા બળાત્કાર અને હત્યાનો ઉલ્લેખ કરીને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારમાં ‘કાયદાનો ડર’ અસ્તિત્વમાં છે કે કેમ એવો સવાલ ઉઠાવતાં શક્તિ કાયદાના તાત્કાલિક અમલની હાકલ કરી હતી. મુંબઈમાં પત્રકારોને સંબોધતાં, દેશમુખે મહાયુતિ સરકાર અને કેન્દ્ર સરકાર પર આવા જઘન્ય કેસોમાં મૃત્યુદંડની જોગવાઈ ધરાવતા કાયદા પર ‘જવાબદારીમાંથી છટકી’ જવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર અને હત્યા અને પુણે જ જિલ્લાના ચાકણ વિસ્તારમાં એક સગીર પર આવા જ પ્રકારના ગુનાને ‘ખૂબ જ ચિંતાજનક’ ગણાવ્યું.‘મહારાષ્ટ્ર દિવસે આવી શરમજનક ઘટના બની તે અત્યંત પીડાદાયક છે. આ ઘટનાઓ રાજ્યમાં કાયદાનો ડર હજુ પણ અસ્તિત્વમાં છે કે નહીં તે અંગે ગંભીર સવાલ ઉઠાવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
પહેલી મેના રોજ નરસાપુરમાં 65 વર્ષીય વ્યક્તિ દ્વારા બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી ભારે આક્રોશ ફેલાયો હતો, જેમાં સેંકડો ગ્રામજનો સ્થાનિક પોલીસ ચોકી પર દોડી આવ્યા હતા અને આરોપીઓ સામે કાર્યવાહીની માગણી કરી હતી. વિરોધ પ્રદર્શન બાદ, વહીવટીતંત્રે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની ખાતરી આપી છે.દેશમુખે ધ્યાન દોર્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકાર હેઠળ ગૃહ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય વિધાનસભાના બંને ગૃહો દ્વારા આવા કેસમાં અત્યંત કડક સજા આપવાની જોગવાઈ ધરાવતો શક્તિ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
આ કાયદામાં આવા જઘન્ય ગુનાઓ માટે 21 દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ છે. જોકે, તે હજુ પણ કેન્દ્ર પાસે અંતિમ મંજૂરી માટે પેન્ડિંગ છે, એમ તેમણે જણાવ્યું હતું.મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ છતાં, કેન્દ્ર અને રાજ્ય સરકાર એકબીજાને જવાબદાર ઠેરવી રહી છે. જો શક્તિ કાયદો લાગુ કરવામાં આવ્યો હોત, તો નરસાપુર કેસના આરોપીઓને 15થી 21 દિવસમાં ફાંસી આપવામાં આવી હોત, અને તે બીજા લોકો માટે બોધપાઠરૂપ સાબિત થયો હોત,’ એમ દેશમુખે ઉમેર્યું હતું.
તેમણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની વધુ ટીકા કરી હતી.‘આવા વિકૃતોને રોકવા માટે કોઈ નક્કર કાર્યપદ્ધતિ નથી, જ્યાં 65 વર્ષના પુરુષો પણ નાના બાળકોને નિશાન બનાવી રહ્યા છે. વર્તમાન સરકાર મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું. નસરાપુર અને ચાકણના કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ અને આરોપીઓને વહેલી તકે મૃત્યુદંડની સજા ફટકારવી જોઈએ, એમ એનસીપી (એસપી)ના નેતાએ કહ્યું હતું, રાજકીય મતભેદોને બાજુ પર રાખવા જોઈએ અને આવા ગુનાઓને રોકવા માટે શક્તિ કાયદાનો અમલ વિલંબ વિના કરવો જોઈએ.