૩૮ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે ખુલ્લી મૂકવા માટે ‘પેડસ્ટ્રીયન ફર્સ્ટ’ ઝુંબેશ અમલમાં મૂકી છે, જે હેઠળ બુધવારે અંધેરી પશ્ર્ચિમમાં રેલ્વે સ્ટેશન બહારનો વિસ્તાર, વિલે પાર્લે (પશ્ર્ચિમ) રેલ્વે સ્ટેશન, જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ) રેલ્વે સ્ટેશન, વીરા દેસાઈ માર્ગ અને સ્વામી વિવેકાનંદ માર્ગ (એસ.વી.રોડ) પરથી કુલ ૩૮ અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા.
પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ હેઠળ રાહદારીઓ માટે સલામત, સરળ અને અવરોધમુક્ત માર્ગો પૂરા પાડવા માટે વિવિધ વિભાગો દ્વારા અતિક્રમણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના પહેલા તબક્કામાં સમગ્ર મુંબઈમાં ૨૦૦ ફૂટપાથ પરના અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ફૂટપાથ પરના અનધિકૃત ફેરિયાઓ અને અતિક્રમણોને તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથને અવરોધોથી મુક્ત કરવા માટે પાલિકાએ આ ઝુંબેશ અમલમાં મૂકી છે, જે હેઠળ વિલે પાર્લે વિસ્તારમાં ૨૭ રસ્તાઓ પરના અતિક્રમણો દૂર કરવામાં આવશે.

એસ.વી.રોડ પર મોટી સંખ્યામાં રાહદારીઓની અવરજવર હોય તેવા વિસ્તારમાં ફૂટપાથ અવરોધોથી મુક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં અંધેરી (પશ્ર્ચિમ) સ્ટેશન વિસ્તાર, વિલે પાર્લે (પશ્ર્ચિમ) સ્ટેશન વિસ્તાર, જોગેશ્ર્વરી સ્ટેશન વિસ્તાર, રામ ગણેશ ગડકરી માર્ગ, વીરા દેસાઈ માર્ગ અને એસવીરોડ પરના છ ફૂટપાથ પરના અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીને કારણે ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે અતિક્રમણ મુક્ત થઈ ગઈ છે. ઉપરાંત નાગરિકોને હવે એસ.વી.રોડ તરફ અવરોધમુક્ત ફૂટપાથ મળશે. એ સિવાય સેન્ડહર્સ્ટ રોડ વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. વાડી બંદર ખાતે ફૂટપાથ પરની અનધિકૃત દુકાનો અને સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.