નવી દિલ્હી: તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને આયાત અને વિદેશ પ્રવાસ ઘટાડવા સહિતની અપીલો કરવામાં આવી હતી. જેનો આજે અનેક નેતાઓથી માંડીને સામાન્ય લોકોએ અમલ કરતાં થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલોમાં પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ, સોનાની ખરીદી પર પ્રતિબંધ, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા સહિતની ભલામણો કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં એક ફોટો અને મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં એક ફોટો અને મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ પોસ્ટમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશવાસીઓને ચેતવણી આપી છે કે 'ભારે સંકટ આવવાનું છે, બની શકે તો એક સમયનું જમવાનું છોડી દો.' જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ ચેક ટીમે આ દાવાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસ બાદ તેને સંપૂર્ણપણે ફેક અને ખોટો ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ આવું કોઈ જ નિવેદન આપ્યું નથી.
🚨सोशल मीडिया पर एक तस्वीर शेयर कर यह दावा किया जा रहा है कि केंद्रीय गृह मंत्री @AmitShah ने कहा है कि “भारी संकट आने वाला है, हो सके तो एक टाइम का खाना छोड़ दीजिए”।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) May 18, 2026
❌यह दावा #फर्जी है
✅ केंद्रीय मंत्री अमित शाह ने ऐसा कोई बयान नहीं दिया है
⚠️ सत्यापित… pic.twitter.com/6awVvsKaOa
PIB ની ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે એક સત્તાવાર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે નિવેદનને અમિત શાહના નામે વાયરલ કરવામાં આવી રહ્યું છે, તે સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણું છે. PIB એ દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી ખોટી અફવાઓ પર જરા પણ ધ્યાન ન આપે અને તેને આગળ શેર કરવાથી પણ બચે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અવારનવાર સરકાર અથવા મંત્રીઓના નામે ખોટા નિવેદનો અને તથ્યોને તોડી-મરડીને રજૂ કરવામાં આવે છે, પરંતુ PIB ની ટીમ સતત આવા દાવાઓની સત્યતા ચકાસીને લોકો સમક્ષ સાચી માહિતી લાવવાનું કામ કરે છે.
બીજી તરફ, એ વાત સાચી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભૌગોલિક રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે ચોક્કસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને ડીઝલ અને પેટ્રોલના બિનજરૂરી ઉપયોગથી બચવા અને ઈલેક્ટ્રિક વાહનો (EV) નો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, ઈંધણની બચત માટે કાર-પૂલિંગ અને શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ અપનાવવાની પણ સલાહ આપી છે.