હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તી - સંજય છેલ
જે દિવસે ભગતજીનું અવસાન થયેલું ત્યારે અમને એમ હતું કે- ‘ભગતજી તો ખરેખર સ્વર્ગવાસી થઈ ગયા.’
-પણ હવે મોડી મોડી ખબર પડી છે કે ભગતજી સ્વર્ગવાસી નહીં, નર્કવાસી થયા છે. જોકે હું આવું કાઈને કહીશ તો કોઈ કરતાં કોઈ માનશે નહીં, પણ એ સત્ય છે કે ભગતજીને રૌરવ નર્કમાં નાખવામાં આવ્યા છે ને એમના પર એવાં એવાં ઘોર પાપોના આરોપો મૂકવામાં આવ્યા છે કે નજીકના ભવિષ્યમાં એમની નરકમાંથી મુક્ત થવાની કોઈ આશા જ નથી. મોટામાં મોટી ભજનકીર્તનવાળી શોકસભા પણ એમને નરકમાંથી બહાર નહીં જ કાઢી શકે.
જોકે હજુ પણ આખો મહોલ્લો ભગતને યાદ કરે છે. દર બે-ત્રણ દિવસે તેઓ કોઈ માલદાર ભક્ત પાસેથી મંદિરમાં લાઉડસ્પીકર લગાવડાવતા ને મોડી રાત સુધી એમની મંડળી સાથે ભજનો ગાતા. તહેવારોમાં તો 24 કલાક લાઉડસ્પીકર પર સતત ભજન-કીર્તન ચાલ્યા કરતું. એક-બે વાર મહોલ્લાના લોકોએ વિરોધ પણ કર્યો, તો ભગતજીએ ભક્તોની ભીડ ભેગી કરી અને સામે મારામારી કરવા પરઊતરી આવ્યા. ભગતજી ભગવાનના લાઉડસ્પીકર માટે જીવ આપવા ને લેવા માટે તૈયાર થઈ ગયા હતા.
આવા પ્રભુના પરમ ભક્ત, જેમણે અબજો વખત ભગવાનનું નામ લીધું હશે, એમને નરકમાં મોકલવામાં આવ્યા ને પુરાણોમાં કાઈ અજામિલ નામનો એક તુચ્છ માણસ, જેણે એક વખત ભૂલથી ભગવાનનું નામ લઈ લીધેલું, એ આજે પણ સ્વર્ગના સુખ ભોગવી રહ્યો છે!
પણ શું થાય? અન્યાય તો બધે જ છે. ઉપર હોય કે નીચે!
ભગતજી ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉપરવાળાની દુનિયામાં પહોંચ્યા. બિચારા ઘણીવાર સુધી અહીંયા-ત્યાં ભટકતા રહ્યા. પછી એક દરવાજા પાસે જઈને ચોકીદારને પૂછ્યું,
‘સ્વર્ગનું પ્રવેશદ્વાર આ જ છે?’
‘હા’ ચોકીદારે કહ્યું.
ભગતજી, સ્વર્ગમાં જવા બે પગલાં આગળ વધ્યા એટલામાં ચોકીદારે એમને રોક્યા ને કહ્યું, ‘પહેલાં મને તમારી ટિકિટ દેખાડો.’
ભગતજી ગુસ્સે થયા. એમણે કહ્યું, ‘શું મારે પણ ટિકિટની જરૂર પડશે? મેં મારા આખા જીવનમાં ક્યારેય ટિકિટ નથી લીધી. હું ટિકિટ વગર ફિલ્મો જોતો ને ટિકિટ વગર જ ટ્રેનમાં પણ મુસાફરી કરતો. નીચે તો કોઈ મારી પાસે ટિકિટ માગતું નહીં ને હવે તમે અહીં છેક ઉપર સ્વર્ગમાં ટિકિટ માગી રહ્યા છો? તમે મને ઓળખો છો? હું ‘ભગતજી’ છું, ભગતજી!’
ચોકીદારે શાંતિથી કહ્યું, ‘તમે ભગતજી હશો, પણ હું તમને ટિકિટ વગર નહીં જવા દઉં. તમે પહેલાં સામેની ઑફિસમાં જાઓ. ત્યાં તમારાં પાપ ને પુણ્યનો હિસાબ થશે ને પછી જ તમને ટિકિટ આપવામાં આવશે.’
ભગતજી ચોકીદારને ધક્કો મારીને આગળ જતા હતા ત્યાં તો ચોકીદાર પહાડ જેવો મોટો થઈ ગયો અને એમને ઉપાડીને સામે એકાઉંટ્સ ઑફિસનાં પગથિયાં પર મૂકી દીધા. ધૂંઆફૂઆ ભગતજી ઑફિસમાં અંદર ગયા. ત્યાં કોઈ મોટા દેવતા જેવા લાગતા યક્ષ ફાઇલો લઈને બેઠા હતા. ભગતજીએ હાથ જોડીને કહ્યું, ‘ આહા, મેં તમને ઓળખી લીધા. સામે સાક્ષાત ભગવાન કાર્તિકેય બેઠા છે.
ફાઇલમાંથી માથું ઊંચું કરીને દેવતાએ કહ્યું, ‘હું કાર્તિકેય નથી. મારી ખોટી ખુશામત ના કરો. તમે આખી જિંદગી ધરતી પર પાપ કરતા આવ્યા છો અને અહીં આવીને ‘હેં... હેં...’ કરો છો. તમારું નામ બોલો.’
ભગતજીએ એમનું નામ-સરનામું જણાવ્યું.
પેલાએ કહ્યું, ‘તમારો કેસ ખૂબ જ જટિલ છે. અમે નક્કી નથી કરી શકતા કે તમને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં? તમારો નિર્ણય સ્વયં ભગવાન પોતે જ લેશે.’
ભગતજીએ કહ્યું, ‘મારો કેસ ખૂબ જ સરળ છે. હું સંપૂર્ણપણે ધાર્મિક માણસ છું. હું દરરોજ નિયમિતપણે ભગવાનની પૂજા કરતો, ક્યારેય જૂઠું બોલ્યો નથી ને ચોરી તો કદી કરી જ નથી. મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી. તમે મને આંખો બંધ કરીને સ્વર્ગમાં મોકલી શકો છો.’
પેલાએ કહ્યું, ‘જુઓ ભગતજી, તમારો કેસ એટલો સરળ નથી જેટલો તમે વિચારો છો. ભગવાન પોતે એક પટાવાળો ભગતજીને ભગવાનના દરબારમાં લઈ ગયો. જેવા ભગતજી ભગવાનની સામે પહોંચ્યા એટલે મોટે મોટેથી ભજનો ગાવા લાગ્યા-
‘હમ ભગતન કે ભગત હમારે,
સુન અર્જુન પરતિજ્ઞા મેરી, યહ વ્રત ટરૈ ન ટારે.’
ભજન પૂરું થયા પછી ભગતજીએ ગદ્ગદ્ અવાજે કહ્યું, ‘ઓ હોહોહોહો... કેટકેટલા જન્મોની અધૂરી ઇચ્છા આજે પૂરી થઈ છે. હે પ્રભુ, તમારું સ્વરૂપ અનોખું છે. નીચે પૃથ્વી પર તમારા જેટલા ફોટો મળે છે એમાંથી કોઈની પણ સાથે તમારો મેળ ખાતો નથી.’
ભગવાનને ભગતજીની પ્રાર્થનાઓથી કંટાળો આવી રહ્યો હતો. એમણે કંટાળીને કહ્યું, ‘સારું, સારું. હવે તમે શું ઇચ્છો છો? બોલો, ફટાફટ!’
ભગતજીએ વિનંતી કરી, ‘ભગવાન, તમારાથી તો કશું છૂપું નથી! તમે બધાની ઇચ્છા જાણો છો. કહેવાય છે - ‘રામ, ઝરોખા બૈઠકે સબકા મુજરા લેય, જાકી જૈસી ચાકરી, તાકો તૈસા દેય. પ્રભુ, મને સ્વર્ગમાં કોઈ સારી જગ્યા આપોને!’
ભગવાને પૂછ્યું, તેં એવું શું કામ કર્યું છે કે તમને સ્વર્ગ મળે?
આ સવાલથી ભગતજીનો ઊડી ગયેલો આત્મા ખૂબ દુભાયો. સાલું, જેમના માટે આટલું બધું કર્યું એ પોતે જ પૂછે છે: ‘મેં એવું તે શું કામ કર્યું છે?’ પણ હવે ‘ભગવાન પર ગુસ્સે થવાનો શું ફાયદો?’ એમ વિચારીને ભગતજીએ પોતાનો ગુસ્સો દબાવી દીધો.
એમણે નમ્રતાથી કહ્યું, ‘ભગવાન... હું દરરોજ તમારાં ભજન ગાતો.’
ભગવાને પૂછ્યું, ‘પણ તમે લાઉડસ્પીકર કેમ લગાડતા હતા?’
ભગતજીએ નમ્રતાથી કહ્યું, ‘પૃથ્વી પર વોટ માગનારાઓ, ગીતસંગીતવાળાઓ, વસ્તુઓ વેચનારાઓ બધા જ લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે, એટલે મેં પણ કર્યો.’
’એ લોકો એમની વસ્તુઓની જાહેરાત કરે છે. તું શું મારી જાહેરાત કરતો હતો? શું હું વેચવાલાયક વસ્તુ છું?’ ભગવાને પૂછ્યું.
ભગતજી વિચારમાં પડી ગયા કે ભગવાન થઈને કેવી વાતો કરે છે?
ભગવાને પૂછ્યું, ‘તું મને અંતર્યામી માને છેને?’
‘જી પ્રભુજી’ ભગતજીએ હાથ જોડી કહ્યું.
‘તો પછી તમે અંતર્યામીને સંભળાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કેમ કર્યો? શું હું બહેરો છું? અહીંના બધા દેવતાઓ મારી મજાક ઉડાવે છે. મારી પત્ની પણ મજાક કરે છે કે આ ભક્ત તમને બહેરો માને છે’ ભગવાને ગુસ્સામાં કહ્યું.
ભગતજી પાસે આનો કોઈ જવાબ નહોતો. ભગવાન વધુ ક્રોધે ભરાયા ને કહ્યું, ‘તેં ઘણાં વર્ષોથી આખા વિસ્તારના લોકોને પરેશાન કર્યા છે. તારા અવાજને કારણે તે લોકો ના તો કામ કરી શક્યા, ના શાંતિથી બેસી શક્યા અને ના તો શાંતિથી સૂઈ શક્યા.
એમાંથી અડધા તો મને કારણ વિના નફરત કરવા માંડ્યા છે. એ લોકો વિચારે છે કે જો ભગવાન જ ના હોત, તો આ સાલા ભગતડાએ આટલો બધો ઘોંઘાટ જ ન કર્યો હોત. તેં મને કેટલો બદનામ કરી મૂક્યો છે, ખબર છે?’
ભગતજીએ હિંમત એકઠી કરીને કહ્યું, ‘હે પરમ કૃપાળુ, તમારુંં નામ લોકોના કાન સુધી પહોંચતું હતું, એ તો એમના માટે સારું જ હતું. એમને અનાયસે જ પુણ્ય મળી જતું હતું.’
ભગવાન હસ્યા ને કહેવા લાગ્યા, ‘તને કોઈએ ખાસ આવીને કાનમાં કહ્યું કે મને ખુશામત ગમે છે? તને શું લાગે છે કે જો તું મારી પ્રશંસા કરીશ તો હું મૂર્ખ કોઈ સરકારી અધિકારીની જેમ ખુશ થઈ જઈશ? અને ઓ ભગતજી, હું એટલો તો બેવકૂફ નથી કે તારા જેવા મૂર્ખ મને ફોસલાવી શકે. હું ખુશામતથી ખુશ નથી થતો, હું કેવળ ને કેવળ કર્મો જ જોઉં છું. ભગત, તમે લોકોને મારી નાખ્યા છે. નીચેની કોર્ટમાં બચી ગયા છો, પણ અહીંની અદાલતથી નહીં છટકી શકો!’
હવે ભગતજી ધીરજ ગુમાવી બેઠા. ભગતજીએ થોડા ગુસ્સામાં કહ્યું, ‘સૉરી, પણ હરિ થઈને હળહળતું જૂઠું બોલો એ તમને શોભતું નથી. મેં કોઈની હત્યા નથી કરી. અત્યાર સુધી મેં જીવનમાં ઘણું સહન કર્યું છે, પણ મર્યા બાદ હું આ ખોટો આરોપ સહન નહીં કરી શકું. સર્વશક્તિમાન, સાબિત કરો તમારી શક્તિથી કે મેં કોઇની હત્યા કરી છે!’
ભગવાને એક આધેડ વયના માણસને બોલાવ્યો ને ભગતને પૂછ્યું, ‘બોલો, આને ઓળખો છો?’
‘હા, એ મારા મહોલ્લાના રમાનાથ માસ્ટર છે. ગયા વર્ષે જ બીમારીથી એમનું મૃત્યુ થયું હતું’ ભગતે આત્મવિશ્વાસથી કહ્યું.
ભગવાને કહ્યું, ‘એ બીમારીથી નહીં, પણ તારા ભજનના ત્રાસથી ને લાઉડસ્પીકરના ઉપાડાને લીધે ઉકલી ગયો છે. બોલ રમાનાથ, તારું મોત કેવી રીતે થયું?’
રમાનાથે કહ્યું, ‘પ્રભુ, હું સખત બીમાર હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તમારે સંપૂર્ણ ઊંઘ ને આરામ કરવો જોઈએ, પરંતુ ભગતજીના લાઉડસ્પીકર પરનાં સતત ભજનકીર્તનને કારણે હું ન તો ઊંઘી શક્યો કે ન તો આરામ કરી શક્યો. બીજા દિવસે મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને ચોથા દિવસે હું મૃત્યુ પામ્યો.’
ભગત આ સાંભળીને ડરી ગયા.
એટલામાં એક 21-22 વર્ષના છોકરાને બોલાવવામાં આવ્યો. એને પૂછવામાં આવ્યું, ‘સુરેન્દ્ર, તું કેવી રીતે મૃત્યુ પામ્યો?’
‘મેં આત્મહત્યા કરી હતી.’
‘તેં આત્મહત્યા શા માટે કરી?’ ભગવાને પૂછ્યું.
‘મારું ઘર મંદિરની પાસે જ છે. ભગતજીના લાઉડસ્પીકરને કારણે હું ભણી શક્યો નહીં ને પરીક્ષામાં નાપાસ થયો એટલે’ સુરેન્દ્રનાથે કહ્યું
ભગતજીને યાદ આવ્યું કે આ છોકરાએ અનેકવાર વિનંતી કરી હતી કે ઓછામાં ઓછું પરીક્ષાના દિવસોમાં તો લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરો.
ભગવાને કડક શબ્દોમાં કહ્યું, ‘તારાં આવાં પાપોને ધ્યાનમાં રાખીને હું તને નર્કમાં જવાનો આદેશ આપું છું.’
ભગતજીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પણ નરકના ખૂનખાર દૂતોએ એમને પકડી લીધા.
અને આપણા આ ભોળા ભગતજી, જેમને આપણે અત્યાર સુધી ધર્માત્મા સમજતા હતા તેઓ હવે નરકવાસ ભોગવી રહ્યા છે.