Sun Aug 23 2026

Logo

ભુજમાં ટંકારાના મામલતદારના બંધ મકાનમાં ચોરી કરનાર સગા ભાઈઓ સહિત ૩ આરોપીઓ ઝડપાયા: ફેરીના બહાને કરી હતી રેકી

2026-08-21 11:54:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ભુજ શહેરની જૂની રાવલવાડી સ્થિત આશાપુરા સોસાયટીમાં આવેલા અને ટંકારાના મામલતદારના બંધ રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને સ્થાનિક ગુનાશોધક શાખાએ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા ૧.૩૫ લાખની કિંમતનો સોનાના દાગીનાનો સેટ,ચાંદીના દાગીના ઓગાળીને બનાવાયેલી રૂ.૪૨ હજારની લગડી તેમજ ચોરીના કામમાં વપરાયેલા ઓજારો કબજે કરવામાં આવ્યા છે.

ટંકારાના મામલતદાર પી.એન. ગોરે પાંચ દિવસ અગાઉ ભુજ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બંધ મકાનમાંથી રૂ.૨૫ હજારની રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૨.૫૩ લાખની ચોરી થઈ છે.

દરમિયાન, એલસીબીને ચોરીના ચાંદીના ઘરેણાં ઓગાળીને લગડી બનાવવા માટે એક શખ્સ સોનીની દુકાને પહોંચ્યો હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી ટોળકીને ઝડપી લીધી હતી.

એલસીબી પીઆઈ અશોક એમ. મકવાણાએ જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ રાહુલ મુકેશ દેવીપૂજક અને તેનો સગો ભાઈ આનંદ ભુજમાં ભંગારની ફેરીનું કામ કરે છે. દસેક દિવસ પહેલાં વડોદરાથી આનંદનો કૌટુંબિક સાળો રાહુલ પટણી રાખડી વેચવાના બહાને ભુજ આવ્યો હતો. ફેરી કરતી વખતે આ ટોળકીએ મામલતદારના બંધ મકાનની રેકી કરી ચોરીનું પ્લાનિંગ કર્યું હતું, જેમાં તેમણે પડોશમાં રહેતા સુનીલ કૈલાસ પટણીને પણ સામેલ કર્યો હતો.

હાલમાં વડોદરાનો રાહુલ પટણી ફરાર હોઈ તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને રાહુલ સામે અગાઉ પણ ભુજ અને વડોદરા ખાતે ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.

ઉત્સવ વૈદ્ય