Tue Aug 25 2026

Logo

ઝિમ્બાબ્વે મુંબઈમાં પહેલી વખત ટી-20 રમશેઃ સોમવારે કૅરિબિયનોની આકરી કસોટી...

2026-02-22 22:30:07
Author: Ajay Motiwala
ઝિમ્બાબ્વે મુંબઈમાં પહેલી વખત ટી-20 રમશેઃ સોમવારે કૅરિબિયનોની આકરી કસોટી...

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે (સાંજે 7.00 વાગ્યાથી) `અન્ડરડૉગ' ઝિમ્બાબ્વે પહેલી જ વખત ટી-20 મૅચ રમશે અને એમાં એણે એવી ટીમને નમાવવાની છે જે આ વખતનો વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે. અગાઉ બે વખત ચૅમ્પિયન બનેલા વેસ્ટ ઇન્ડિઝે એવી ટીમ સામે ટકરાવાનું છે જેણે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવીને સુપર-એઇટમાં પ્રવેશ મેળવ્યો છે.

લીગ રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે પોતપોતાના ગ્રૂપમાં મોખરે રહીને લાસ્ટ-એઇટમાં પહોંચ્યા છે. બે વર્ષ પહેલાંના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે ક્વૉલિફાય પણ નહોતું થયું જ્યારે હવે એણે વર્લ્ડ કપની દરેક ટીમને સાવધ કરી દીધી છે. યાદ રહે, ગુરુવારે ચેન્નઈમાં ભારતે અને રવિવારે દિલ્હીમાં સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેનો પડકાર ઝીલવાનો છે.

PTI

સિંકદર રઝાના સુકાનમાં બ્રાયન બેનેટ અને બ્લેસિંગ મુઝરબાની જેવા ખેલાડીઓ આખા વર્લ્ડ કપમાં છવાઈ ગયા છે. ગ્રેમ ક્રીમર, રાયન બર્લ, વેલિંગ્ટન માસાકાદ્ઝા, બ્રાડ ઇવાન્સ વગેરે ખેલાડીઓથી ઝિમ્બાબ્વેની ટીમ મજબૂત બની છે અને સેમિ ફાઇનલમાં જવા માટે ફેવરિટ ગણાય છે.

PTI

જોકે શાઇ હોપની કૅરિબિયન ટીમમાં આઇપીએલનો બહોળો અનુભવ ધરાવતા ખેલાડીઓ (શેરફેન રુધરફર્ડ, શિમરૉન હેટમાયર, જેસન હોલ્ડર વગેરે) સામેલ છે અને તેઓ વાનખેડેમાં ઘણું રમી ચૂક્યા છે એટલે ઝિમ્બાબ્વેને તેમની સામે જીતવાનું મુશ્કેલ તો છે જ. ભારત-અમેરિકા વચ્ચે સાતમી ફેબ્રુઆરીની મૅચ વાનખેડેની લાલ માટીવાળી પિચ પર રમાઈ હતી અને સોમવારની મૅચ પણ એવી જ પિચ પર રમાશે.