નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલની રેસની બહાર રવિવાર, પહેલી માર્ચ પહેલાં જ થઈ ગયા હતા, પરંતુ પહેલાં તો તેમણે રવિવારે દિલ્હીમાં સાઉથ આફ્રિકા સામેની અંતિમ સુપર-એઇટ મૅચ રમવાની હોવાથી એ રમ્યા અને હવે ઇઝરાયલ-અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાનના દુબઈ પર હુમલા થઈ રહ્યા હોવાથી દુબઈ જઈ શકે એમ નથી એટલે ભારતમાં વધુ રોકાઈ ગયા છે.
સિકંદર રઝાના સુકાનમાં ઝિમ્બાબ્વેની ટીમે આ વર્લ્ડ કપમાં પ્રશંસનીય પર્ફોર્મ કર્યું અને ઑસ્ટ્રેલિયા તથા શ્રીલંકા જેવી મોટી ટીમોને હરાવ્યા બાદ રવિવારે સાઉથ આફ્રિકાને આસાનીથી નહોતું જીતવા દીધું. સાઉથ આફ્રિકાની ટીમ પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 154નો લક્ષ્યાંક મેળવી શકી હતી.
ઝિમ્બાબ્વે (Zimbabwe)ના ખેલાડીઓ સોમવારથી ત્રણ જૂથમાં દુબઈ થઈને હરારે પહોંચવાના હતા, પણ યુદ્ધ ચાલુ હોવાથી અને ઍર સ્પેસ બંધ હોવાથી તેમણે પ્લાન બદલવો પડ્યો છે.
આઇસીસી ઝિમ્બાબ્વેના પ્લેયર્સ સહિત કેટલાક ખેલાડીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટના પ્લાન વિચારે છે, કારણકે યુદ્ધ (War) હજી કેટલા દિવસ ચાલશે એ નિશ્ચિત ન હોવાથી આ નિર્ણય લેવા પડી રહ્યા છે.