દેશમાં અનેક ક્ષેત્રે મહિલાઓ પુરુષોની સમોવડી છે તો અમુક ક્ષેત્રોમાં તેમનાથી આગળ નીકળી ગઈ છે
ફોકસ - લોકમિત્ર ગૌતમ
કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાંડર વ્યોમિકા સિંહ, મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સુનીતા વિલયમ્સ (અવકાશયાત્રી)
પરોઢિયે ચાર વાગ્યા છે અને આ છે હરિયાણાનું એક નાનું ગામ જેમાં 19 વર્ષની એક છોકરી પોતાના શૂઝ સાફ કરી રહી હતી અને એની દોરી કસીને સરખી કરી રહી છે. તેની આ પ્રવૃત્તિ જોવા માટે સામે ન તો કોઈ દર્શક છે અને કોઈ કૅમેરા. બસ, ફક્ત એક લાંબો રનિંગ ટ્રૅક છે અને તેના દિલોદિમાગમાં છે એક મસ્તમજાનું સપનું. આ સપનું છે દોડવાની હરીફાઈમાં કંઈક કરી બતાડવાનું. આ સપનું માત્ર કોઈ એક હરિયાણવી છોકરીનું નહીં, પરંતુ ભારતની લાખો યુવા મહિલાઓનું છે એવું જ માની લો.
આપણા મહાન દેશની લાખો યુવાન મહિલાઓની આંખોમાં ખેલકૂદથી લઈને સંરક્ષણ ક્ષેત્ર તથા વિજ્ઞાન જેવા ક્ષેત્રે યોગદાન આપવાનું સપનું છે અને આપણે એ જ વાત અહીં પેલી હરિયાણવી છોરીનું ઉદાહરણ લઈને કરી રહ્યા છીએ. આ તમામ જટિલ ક્ષેત્રે એક સમયે પુરુષોનું વર્ચસ્વ હતું જેમાં હવે મહિલાઓ પણ પોતાની ક્ષમતા અને કૌશલ્ય બતાવી રહી છે.
આ સંબંધમાં વર્ષ 2026નું ભારત ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, કારણકે આજે એવું એકેય ક્ષેત્ર નથી જેમાં યુવા મહિલાઓએ પડકાર ન ફેંક્યો હોય. દેશમાં હવે એવું એક પણ ક્ષેત્ર નથી જેને એક્સક્લૂઝીવલી પુરુષોના પ્રભુત્વવાળું ક્ષેત્ર ગણાવી શકાય. આજે તમામ ક્ષેત્રે ભારતીય પુરુષો સાથે દેશની મહિલાઓ ખભેખભા મિલાવીને ઊભી છે. તો ચાલો, કેટલાક ક્ષેત્રે યુવા મહિલાઓએ કેવી રીતે સફળતાની પરિભાષા જ બદલી નાખી છે.
રમતગમત
આ એવું ક્ષેત્ર છે જેમાં દાયકાઓ સુધી પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું. વધુ સારા શબ્દોમાં કહીએ તો એવું જ મનાતું હતું કે આ ક્ષેત્ર તો પુરુષોનું જ કહેવાય, પરંતુ (આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિને ખાસ કહેવાનું કે) થોડા દશકાઓમાં યુવા મહિલાઓએ એ ધારણા બદલી નાખી છે.
હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત વગેરે રાજ્યોની યુવા મહિલા ઍથ્લીટોએ ઑલિમ્પિક્સ, એશિયન, કૉમનવેલ્થ સ્પર્ધાઓ તેમ જ વિશ્ર્વ સ્પર્ધાઓમાં સફળતાનો ડંકો વગાડ્યો છે. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની મહિલા ખેલાડીઓએ અમુક ચંદ્રકો જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને એ અગાઉ કેટલીક વિશ્ર્વ સ્પર્ધાઓ એવી થઈ ગઈ જેમાં ભારતને મહિલાઓએ જ સફળતા અપાવી હતી.
આજે બૅડમિન્ટન, શૂટિંગ, ક્રિકેટ, હૉકી, મુક્કાબાજી, વેઇટલિફ્ટિંગ વગેરે ક્ષેત્રે ભારતની છોકરીઓનું શાસન છે. હવે તો દેશને ગામડાંઓ યુવા મહિલા પહેલવાન અને મુક્કાબાજો આપી રહી છે. રમતગમતમાં વધુને વધુ મહિલાઓ ભાગ લઈ રહી છે અને પોતાની અનોખી ટૅલન્ટ બતાવી રહી છે એનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે.
રમતોમાં હવે જે અનેક સંગીન સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે એનાથી મહિલા સમુદાયને અને ભારતીય રમતગમત ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે. એમાં મુખ્ય યોજના છે, ખેલો ઇન્ડિયા. આ યોજનામાં વધુ સારા પ્રશિક્ષણને લીધે ભારતીય છોકરીઓ દુનિયામાં ઠેર-ઠેર પોતાની ટૅલન્ટ બતાવી રહી છે અને કારકિર્દીને સફળ બનાવી રહી છે. 2025ના અંતમાં અને 2026ના આરંભ સુધીના ગણતરીના મહિનાઓમાં ભારતની મહિલાઓ બબ્બે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી. પહેલાં તો હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતે પહેલી જ વખત વન-ડેનો વિશ્ર્વ કપ જીતી લીધો હતો અને ત્યાર બાદ જોઈ ન શક્તી મહિલાઓ માટેના બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતે પહેલી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો.
છોકરીઓ તો પોતાની ક્ષમતા અને કૌશલ્ય બતાવી જ રહી છે, સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે આવી છોકરીઓના પરિવારની માનસિકતામાં બદલાવ જોવા મળ્યો છે. હવે તો ગામડાંઓમાં પણ દીકરીઓને તેમના મમ્મી-પપ્પા ખેલનાં મેદાનોમાં ખુશીથી મોકલી રહ્યા છે. એક સમય હતો જ્યારે તેમને માત્ર લગ્ન માટે જ ઉછેરવામાં આવતી હતી. હવે છોકરીઓ ખેલકૂદ ક્ષેત્રમાં કુશળતા બતાવીને અને એમાં બે પૈસા કમાઈને તેમના પરિવારોને મદદરૂપ થઈ રહી છે. ગામડાંઓમાં તેમ જ નાનાં શહેરોમાં છોકરીઓની સફળતા જોઈને તેમના પરિવારોને લોકો કહી રહ્યા છે, ‘તોરી છોરી મેં તો ગજબ કી ટૅલન્ટ હૈ’.
લશ્કર સહિતનું સંરક્ષણ ક્ષેત્ર
ઘણા દાયકાઓ સુધી આ ક્ષેત્રે ભારતીય મહિલાઓનું નહીં જેવું યોગદાન હતું, પણ થોડા દાયકાઓથી સ્થિતિમાં ઝડપથી ફેરફાર આવ્યો છે. હવે તો યુવા મહિલાઓ સંરક્ષણ ક્ષેત્રે જોડાયા બાદ બહુ ઝડપથી (ગણતરીનાં વર્ષોમાં) સૈન્યની અધિકારી બની રહી છે. એટલું જ નહીં, ફાઇટર પ્લેન પણ ઉડાવી રહી છે. ભારતના હવાઈ ક્ષેત્રે મહિલા ફાઇટર વિમાનોની સંખ્યા સતત વધી રહી છે. 2003ની સાલમાં મહિલાઓએ નૅશનલ ડિફેન્સ ઍકેડમી (એનડીએ)માં પ્રવેશ કર્યો ત્યાર બાદ એમાં ઝડપથી બદલાવ જોવા મળ્યો છે.
હવે તો 18-19 વર્ષની છોકરીઓ સીધી એનડીએમાં પ્રશિક્ષણ લઈને લશ્કરની અધિકારી બનવા લાગી છે. રમતગમતની જેમ સંરક્ષણ ક્ષેત્રે પણ છોકરીઓના પ્રવેશની બાબતમાં સામાજિક વિચારધારા બદલાઈ છે. એક સમય હતો જ્યારે લશ્કર (આર્મી) સંપૂર્ણપણે પુરુષો માટે જ ગણાતું હતું, પરંતુ હવે તો એમાં પણ પુરુષો સાથે મહિલાઓ ખભેખભા મિલાવીને દેશની રક્ષામાં યોગદાન આપી રહી છે.
નૌકાદળમાં પણ મહિલાઓ યુદ્ધની સંભાવના ધરાવતા સરહદી ક્ષેત્રે ફરજ બજાવી રહી છે. આ ક્ષેત્ર એટલે લાંબી-લાંબી સમુદ્ર યાત્રાઓ અને એમાં મહિલાઓ પણ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા પુરવાર કરી રહી છે. બીજી રીતે કહીએ તો તેઓ પુરુષોથી જરાય ઊતરતી કહેવાય એવી નથી.
વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે પણ દેશની યુવા મહિલાઓ ભાગ લઈને બહુ ઝડપભેર પ્રગતિ કરી રહી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો), ડિફેન્સ રિચર્સ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) તથા વિભિન્ન વૈજ્ઞાનિક સંસ્થાનોમાં મહિલાઓનું યોગદાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે એ ઉપરાંત અમુક ક્ષેત્રે તો તેઓ પુરુષોથી પણ આગળ વધી ગઈ છે. થોડા સમયથી ચંદ્રયાન અને મંગલયાન જેવા સ્પેસ મિશનમાં ભારતની મહિલા વિજ્ઞાનીઓની સફળતા જોવા મળી રહી છે. એ જ કારણસર દેશના વિજ્ઞાન ક્ષેત્રે ઝુકાવવા માગતી મહિલાઓની લાંબી લાઇન લાગે છે.
ભારત અવકાશી સંશોધનોમાં ખૂબ સક્રિય છે, અનેક દેશો વતી સેટેલાઇટ બનાવીને સફળતાપૂર્વક એને અવકાશમાં પહોંચાડી રહ્યું છે અને એમાં ભારતીય મહિલાઓનું પણ સારું એવું યોગદાન જોવા મળી રહ્યું છે. આઇઆઇટી, આઇઆઇએસસી તથા અન્ય મુખ્ય વિજ્ઞાન સંસ્થાનોમાં જઈને જોશો તો પુરુષો જેટલી જ હાજરી મહિલાઓની જોવા મળશે. ક્યાંક તેમની હાજરી ઓછી જણાશે, પરંતુ મહિલાઓ વિજ્ઞાન-ટેક્નોલૉજી ક્ષેત્રે માત્ર સર્વોત્તમ અભ્યાસ જ નથી કરતી, અન્ય ક્ષેત્રોની જેમ આમાં પણ તેમની ટૅલન્ટ જોવા મળી રહી છે.
માનસિકતા હવે બદલાઈ ગઈ છે
દેશના અને દુનિયાના વિકાસ માટે જરૂરી ગણાતા વિવિધ ક્ષેત્રોમાં આપણી યુવા મહિલાઓની હાજરી અને સફળતા વધી છે તો એ પાછળ સમાજની વિચારધારાનું પણ યોગદાન છે. અગાઉ દેશની દીકરીઓ માટે વિકલ્પો સીમિત હતા. હવે દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાની ઓળખ બનાવવા લાગી છે. એમાં જ સાબિત થાય છે કે પુરુષોની જેમ મહિલાઓમાં પણ ટૅલન્ટ છે જેનો દેશને ફાયદો થઈ રહ્યો છે. ગામડાં અને નાનાં શહેરોમાંથી આવતી છોકરીઓ હવે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિભા બતાવી રહી છે.
આ પરિવર્તનમાં ડિજિટલ શિક્ષણ, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયાની પણ સારી એવી ભૂમિકા રહી છે. વાત અહીં જ નથી અટકતી. હવે તો સમાજના વિવિધ મંચ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ટૅલન્ટ પાથરતી મહિલાઓ પોતાને ભાવિ રોલ મૉડેલ માની રહી છે જે એક પ્રકારનો તેમનો આત્મવિશ્ર્વાસ અને જુસ્સો જ છે. પી. વી. સિંધુ, સાઇના નેહવાલ, મનુ ભાકર, મૅરી કૉમ, નિખત ઝરીન તેમ જ મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ વગેરે ઍથ્લીટો અને ખેલાડીઓને આદર્શ ગણીને (તેમના પર્ફોર્મન્સ પરથી મૉટિવેટ થઈને) યુવા મહિલાઓ પોતાના ક્ષેત્રે સફળતા મેળવી રહી છે અને આવનારી પેઢી માટે દૃષ્ટાંત બની રહી છે.
દેશના ખૂણે ખૂણે હવે ખેલકૂદ માટેની માળખાકીય સગવડો ઊભી કરવામાં આવી રહી છે જેને કારણે છોકરીઓ પણ ટૅલન્ટ બતાવી રહી હોવાથી હવે સમાજની નજરમાં છોકરા-છોકરી જેવો કોઈ ભેદભાવ નથી રહ્યો. હવે તો છોકરીઓ પણ છોકરાઓ જેટલું જ સન્માન મેળવી રહી છે.