કોલંબોઃ અહીં સિરીઝની છેલ્લી ટેસ્ટમાં રવિવારના પ્રથમ દિવસે ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના આક્રમક ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો (FERNANDO) વચ્ચે જે ચકમક થઈ એને પગલે હજારો પ્રેક્ષકો અને અસંખ્ય ટીવી-દર્શકોનું સતતપણે આ બન્ને ખેલાડી પર ધ્યાન હશે જ અને ત્રીજા દિવસે બધાને કંઈક જુદું જ જોવા મળ્યું હતું.
રવિવારે યશસ્વીની વિકેટ લીધા પછી ફર્નાન્ડો ફુલ-અગ્રેસિવ મૂડમાં હતો અને યશસ્વી હતાશ હતો અને એ સ્થિતિમાં બન્ને વચ્ચે જોરદાર ચકમક થઈ હતી. યશસ્વી (Yashasvi) ક્લીન બોલ્ડ થયા પછી પાછો જઈ રહ્યો હતો ત્યારે અસિથા કંઈક બોલ્યો હતો જેનાથી ઉશ્કેરાયેલો યશસ્વી પાછો આવ્યો અને ફર્નાન્ડોના માથા પર પોતાની હેલ્મેટ ટકરાવી હતી અને બન્નેને છોડાવવા પડ્યા હતા. મૅચ રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે બન્નેને આ ગેરવર્તન બદલ પચીસ-પચીસ ટકા મૅચ ફીનો દંડ કર્યો છે અને તેમના નામે પેનલ્ટી તરીકે એક-એક ડીમેરિટ પૉઇન્ટ લખ્યો છે.
જોકે મંગળવારના ત્રીજા દિવસે મેદાન પર વાતાવરણ કંઈક અલગ હતું. ફર્નાન્ડો પ્રથમ દાવમાં અગિયારમા બૅટ્સમૅન તરીકે બૅટિંગ કરી રહ્યો હતો અને યશસ્વી નજીકમાં ફીલ્ડિંગમાં ઊભો હતો. જોકે આ વખતે બન્ને જણ નજીક આવી ગયા ત્યારે બન્નેના ચહેરા પર સ્મિત અને હાસ્ય જોવા મળ્યા હતા. બની શકે કે તેમણે એકમેકને કટાક્ષમાં કંઈક કહ્યું હોય અને એકમેકની હાંસી ઉડાવી હશે, પરંતુ એકંદરે વાતાવરણ શાંત હતું. હા, બન્ને અમ્પાયરો તથા આસપાસના ખેલાડીઓનું આ બન્ને પર સતત ધ્યાન હતું.
Yashasvi Jaiswal and Asitha Fernando are at it once again! 😅🥶
— Sportskeeda (@Sportskeeda) August 26, 2026
This time, with a few smiles, laughs and some words exchanged between the two! 🗣️#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/7BolUSQrgF
એ દિવસે ફર્નાન્ડો 12 મિનિટ સુધી ક્રીઝમાં હતો અને ચાર બૉલમાં એક રન બનાવીને અણનમ રહ્યો હતો. યશસ્વીએ એ ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં ઓપનર લાહિરુ ઉડારા (એક રન)નો અફલાતૂન કૅચ ઝીલ્યો હતો.