Wed Aug 26 2026

Logo

પુણે પાલખી યાત્રામાં મહિલાનો હોબાળો: પોલીસ સાથે બોલાચાલી કરી રસ્તા વચ્ચે સૂઈ ગઈ, જુઓ વાયરલ વીડિયો

2026-07-10 19:26:59
Author: Mumbai Samachar Team
પુણે પાલખી યાત્રામાં મહિલાનો હોબાળો: પોલીસ સાથે બોલાચાલી કરી રસ્તા વચ્ચે સૂઈ ગઈ, જુઓ વાયરલ વીડિયો

પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના આળંદીમાં પાલખી યાત્રા દરમિયાન એક અરાજકતા સર્જાઈ હતી. એક મહિલાએ પોલીસની ટ્રાફિક વ્યવસ્થાનો વિરોધ કરતા ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેમાં એક મહિલા પોલીસકર્મીઓને સાથે દલીલ કરી હતી અને પછી રસ્તા પર સૂઈ જતી જોવા મળી હતી.

મળતી માહિતી અનુસાર પાલખી યાત્રા અને વીઆઈપી સુરક્ષા વ્યવસ્થાને જોતા પોલીસે કેટલાક રસ્તાઓ પર બેરિકેડ લગાવીને વાહનોની અવરજવર પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતી એક મહિલા પોતાની કાર લઈને પાલખી યાત્રા પરના રસ્તા પરથી પસાર થવા માંગતી હતી. જોકે, એ જ વખતે પોલીસે પણ સુરક્ષાના કારણોનો હવાલો આપતા તેને આગળ વધવાની પરવાનગી આપી નહોતી. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસના રોકવા પર મહિલાને ગુસ્સો આવી ગયો હતો. તેણે પહેલા તો પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને કથિત રીતે કહ્યું કે જો તેને જવા દેવામાં નહીં આવે તો તે રસ્તો જામ કરી દેશે. ત્યાર બાદ તે રસ્તા વચ્ચે સૂઈ ગઈ હતી, જેથી થોડા સમયમાં હાજર લોકોની ભીડ ઉમટી પડી  હતી. 

મામલો અહીં જ પૂર્ણ નથી થતો આગળ વીડિયોમાં એવું જોવા મળે છે કે મહિલા પોતાની કારમાં બેસે છે અને વાહનને બેરિકેડ સુધી લઇ જાય છે અને કારની ટક્કરથી બેરિકેડ હતી જાય છે અને મહિલા આગળ નીકળી જાય છે. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો કર્યા હતા.

ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ વાહનની ઓળખ કરવાની સાથે સાથે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂરી થયા બાદ ઘટના સબંધિત મહિલા વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.