દુનિયામાં અનેક એવા ફળ-ફૂલ અને જૈવવિવિધતા છે. વાત કરીએ જાત જાતના ફળની તો અનેક ફળો એવા હોય છે કે જે પોતાના ટેસ્ટ અને લૂકને કારણે એકદમ જ અલગ હોય છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ પૂછે કે શું તમને ખબર છે કે એવું કયું ફળ છે કે જેના બીજ તેની અંદર નહીં પણ બહાર હોય છે? સવાલ સાંભળીને તમને પણ એવું થશે કે ભાઈ આવું તો કઈ રીતે શક્ય છે? ફળના બીજ તો તેની અંદર હોય છે. ચાલો આજે તમને જણાવીએ આ અનોખા ફળ વિશે...

અમે અહીં જે ફળની વાત કરી રહ્યા છીએ એ છે સ્ટ્રોબેરી. આ વિશેની સ્ટોરી પણ તમે થોડાક દિવસ પહેલાં મુંબઈ સમાચારમાં વાાંચી હશે કે મહારાષ્ટ્રનું મહાબળેશ્વર એ સ્ટ્રોબેરી કેપિટલ છે. લાલ લાલ કલરની સ્ટ્રોબેરી પર જે પીળા રંગના નાના નાના દાણા જોવા મળે છે જે તેને ખાવાના એક્સપિરીયન્સ દરમિયાન એક ટેક્સચર એડ કરવાનું કામ કરે છે. આ પીળા રંગના ડોટ્સ એ જ સ્ટ્રોબેરીના બીજ છે. સ્ટ્રોબેરીની આ ખાસિયત જ તેને દુનિયાનું એક માત્ર એવું ફળ બનાવે છે કે જેના બીજ ફળની અંદર નહીં પણ બહારની સપાટી પર હોય છે.
વાત કરીએ સ્ટ્રોબેરીની બીજ તેની બહાર કેમ હોય છે એની તો અગાઉ જણાવ્યું એમ સ્ટ્રોબેરીની સપાટી પર નાના-નાના પીળા દાણા જોવા મળે છે, જે ખરેખર તેના બીજ છે. સાયન્ટિફિક લેન્ગ્વેજમાં આ બીજને બીજને એકીન તરીકે ઓળખવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આપણે જે લાલ અને પોચો ભાગ ખાઈએ છીએ તે વિજ્ઞાનની દ્રષ્ટિએ 'અસલી ફળ' નથી, પરંતુ આ નાના પીળા દાણા જ અસલી ફળ ગણાય છે.
કુદરતની બનાવટ એકદમ અલગ જ હોય છે અને કુદરતે સ્ટ્રોબેરીના બીજ તેની બહારની સપાટી પર રાખ્યા છે કે જેથી તે પક્ષીઓ કે પવન દ્વારા સરળતાથી ફેલાઈ શકે અને નવી વનસ્પતિ ઉગી શકે. વાત કરીએ સ્ટ્રોબેરીના ઉદભવ અને ઈતિહાસની તો સૌપ્રથમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં થયો હોવાનું માનવામાં આવે છે. આજે તે ચીન, અમેરિકા અને મેક્સિકો સહિત 70થી વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે. તમે તેને ઘરના કુંડામાં પણ ઉગાડી શકો છો, બસ તેને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
આ પણ છે સ્ટ્રોબેરીના બીજા ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટ્સ
* એક સરેરાશ સ્ટ્રોબેરી પર લગભગ 200 જેટલા બીજ હોય છે
* સ્ટ્રોબેરીએ ગુલાબના પરિવારનું સભ્ય ગણાય છે
* વસંત ઋતુમાં સૌથી પહેલા ફળ આપતી વનસ્પતિઓમાંની એક છે
* સ્ટ્રોબેરીમાં કેલરી અને સુગર ખૂબ જ ઓછી હોય છે
* તે વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે
સ્ટ્રોબેરીમાંથી શું શું બનાવી શકાય?
સ્ટ્રોબેરી માત્ર દેખાવમાં સુંદર નથી, પણ ખાવામાં પણ ખૂબ જ વર્સેટાઈલ છે અને તેમાંથી તમે કેક, પેસ્ટ્રી અને આઈસ્ક્રીમ, સ્મૂધી અને મિલ્કશેક, જામ, સીરપ અને ચોકલેટ અને ફ્રુટ સલાડ જેવા અલગ અલગ ડેઝર્ટ્સ પણ બનાવી શકો છો.