Sat Sep 05 2026

Logo

પાસપોર્ટ બનાવવામાં 2500 રૂપિયા કેમ લાગે છે? સરકારે બતાવ્યો હિસાબ

2026-08-04 13:18:00
Author: Mumbai Samachar Team
પાસપોર્ટ બનાવવામાં 2500 રૂપિયા કેમ લાગે છે? સરકારે બતાવ્યો હિસાબ

નવી દિલ્હી: સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું કે પાસપોર્ટ ફીમાં તાજેતરમાં થયેલો 67 ટકાનો વધારો 14 વર્ષ પછી કરવામાં આવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લીવાર 2012માં પાસપોર્ટ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને 14 વર્ષોમાં વિવિધ ઇનપુટ્સ અને સર્વિસ ડિલિવરીના ખર્ચમાં થયેલા વધારાને કારણે પાસપોર્ટ ફીમાં ફેરફાર કરવો જરૂરી બન્યો હતો.

સકારે તાજેતરમાં 'પાસપોર્ટ નિયમો, 1980'માં સુધારો કરીને પાસપોર્ટ ફીમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત, 36 પેજવાળા સામાન્ય નવા પાસપોર્ટ માટેની અરજી ફી 1,500 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરી દેવામાં આવી છે. નવા નિયમો 1 જુલાઈ, 2026થી લાગુ થઈ ગયા છે.

જો તમે તત્કાલ પાસપોર્ટ કઢાવવા માટે જાઓ છો તો ફી વધુ લાગે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આખરે સરકાર પાસપોર્ટ બનાવતી વખતે નિશ્ચિત ફી કેમ વસૂલે છે? તેનો જવાબ સરકારે સંસદમાં આપ્યો છે અને જણાવ્યું છે કે એક પાસપોર્ટ બનાવવામાં સરકારને કેટલા પ્રકારના ખર્ચ ચૂકવવા પડે છે, ત્યારબાદ પાસપોર્ટ બનીને તૈયાર થાય છે.

વાસ્તવમાં, સંસદના વર્તમાન સત્ર દરમિયાન જ્યારે સરકારને પાસપોર્ટની ફી વધારવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ગૃહમાં પાસપોર્ટ બનાવવામાં થતા ખર્ચ વિશે જણાવવામાં આવ્યું. સરકારે જણાવ્યું કે પાસપોર્ટ બનાવવાની ફી તેની સેવાઓને વધુ સારી બનાવવા માટે સમય-સમય પર બદલવામાં આવે છે. પાસપોર્ટની ફી વર્ષ 1971, 1980, 1993, 2002 અને 2012માં બદલવામાં આવી હતી. આ પછી હવે વર્ષ 2026ના જૂનમાં તેમાં સુધારો કરવામાં આવ્યો છે.

આ સાથે સરકારે જણાવ્યું કે પાસપોર્ટ સાથે જોડાયેલી સેવાઓ સારી થવાની સાથેસાથે આ સેવાઓની પડતર કિંમત પણ વધી છે. સરકાર તરફથી પાસપોર્ટ બનાવવામાં પાસપોર્ટ બુકલેટની કિંમત, પાસપોર્ટ બુકલેટમાં ડેટા પ્રિન્ટ કરવાનો ખર્ચ, સર્વિસ પ્રોવાઇડરનો ચાર્જ, પોલીસ વેરિફિકેશન માટે પોલીસ વિભાગને ચૂકવણી, ટપાલ વિભાગ (ડાક વિભાગ)ને ચૂકવણી, કુરિયર ફીની ચૂકવણી, ટેકનિકલ ખર્ચની ચૂકવણી તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે.

સરકારે જણાવ્યું કે આ ઉપરાંત સંસ્થાગત વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેના પણ ઘણા ખર્ચાઓ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વિસ પ્રોવાઇડર્સને વધુ ચૂકવણી કરવામાં આવી રહી છે અને સિક્યોરિટી પ્રેસે (ISP) ચિપ આધારિત ઇ-પાસપોર્ટ બુકલેટની કિંમતમાં મોટો વધારો કર્યો છે. આ સાથે જ ઇ-પાસપોર્ટ બુકલેટ સાથે જોડાયેલા કેટલાક વધારાના ખર્ચ પણ છે. આ કારણોસર ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

હવે કેટલા રૂપિયા લાગે છે?

પહેલા સામાન્ય કેટેગરીમાં 36 પેજના પાસપોર્ટ બનાવવા માટે 1,500 રૂપિયા લેવામાં આવતા હતા, જેને વધારીને હવે 2,500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અગાઉ તત્કાલ ફી 3,500 રૂપિયા હતી, જે હવે વધારીને 5,000 રૂપિયા કરી દેવામાં આવી છે. 60 પેજના પાસપોર્ટ માટે 3,500 રૂપિયા આપવા પડશે. જ્યારે સગીર (માઇનર) માટે 1,750 રૂપિયા ફી લાગે છે, જે અગાઉ 1,000 રૂપિયા હતી.