(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના કર્જત રેલવે સ્ટેશન નજીક કોયના એક્સપ્રેસમાં એક તકનીકી ખામીને કારણે અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. શનિવારે રાતના પલાસધરી સ્ટેશન તરફથી માહિતી મળ્યા બાદ કર્જત ખાતે ટ્રેનને અચાનક રોકી દેવામાં આવી હતી. ટ્રેનના છેલ્લેથી બીજા કોચમાં 'બ્રેક બાઈન્ડિંગ'ની સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ ટ્રેનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ પ્રવાસીઓની સુરક્ષા સંબંધમાં ગંભીર સવાલો ઊઠાવ્યા હતા.
Unexpected smoke was spotted on the Koyna Express at Karjat Railway Station. Central Railway officials have confirmed that the smoke was caused by brake binding. Thankfully, there was no fire or any major incident. pic.twitter.com/RM6G4buaYt
— Pappu💃🏻💃🏻 (@priyakuttytwtz) August 30, 2026
કર્જત ખાતે કોયના એક્સપ્રેસમાંથી ભારે ધુમાડા નીકળવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, કેટલાક લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. આ ઘટનાને કારણે મુંબઈ લોકલ ટ્રેન સેવામાં થોડો વિક્ષેપ પડ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે મહારાષ્ટ્રના કર્જત ખાતે 'બ્રેક બાઈન્ડિંગ'ની સમસ્યાને કારણે ટ્રેનને લગભગ ૧૦ મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. ટ્રેનમાં 'બ્રેક બાઈન્ડિંગ' એ એક તકનીકી ખામી છે જેમાં બ્રેક શૂઝ, પેડ્સ અથવા ડિસ્ક ટ્રેનના પૈડાં સાથે મજબૂતીથી દબાયેલા રહે છે, જેના કારણે ક્યારેક ભારે ધુમાડો નીકળે છે.
મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ટ્રેનના છેલ્લેથી બીજા કોચમાં આ ઘટના બની હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, કર્જત સેન્ટ્રલ કેબિનને પલાસધરી સ્ટેશન તરફથી માહિતી મળી હતી કે એન્જિનની પાછળના ડબ્બામાં તણખા દેખાઈ રહ્યા હતા.
ધુમાડા અને જ્વાળાઓને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જોકે, સ્ટેશનના કર્મચારીઓએ ત્વરિત દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
તે દરમિયાન એક મેઇલ એક્સપ્રેસ અને બે લોકલ ટ્રેનોને રોકી રાખવામાં આવી હતી. સસમારકામ પત્યા પછી કોયના એક્સપ્રેસે પોતાની મુસાફરી ફરી શરૂ કરી. રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.