(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નટરાજન ચંદ્રસેકરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું ૧૮ ઓગસ્ટે યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા પહેલા આવ્યું છે. એજીએમના ગણતરીના દિવસો અગાઉ આવી પડેલા રાજીનામાથી રોકાણકારો દ્વિધામાં પડ્યા છે. બુધવારેે વહેલી સવારે ચંદ્રશેકરન દ્વારા રાજીનામું આપાયાના સમાચારો પછી, ટીસીએસ, ટાઇટન અને ટાટા ગ્રુપના અન્ય શેરો પર ભારે વેચાણ દબાણ જોવા મળ્યું હતું.
એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે મેં ટાટા ગ્રુપમાં ૪૦ વર્ષનો વ્યાવસાયિક જીવનકાળ પૂર્ણ કર્યો છે. આ આદરણીય સંસ્થામાં યોગદાન આપવાની અત્યંત સંતોષકારક તક માટે હું આભારી છું. છેલ્લાં દાયકામાં ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ એક મહાન સન્માન અને મોટી જવાબદારી રહી છે.ચંદ્રસેકરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલશે. પોતાના નિવેદનમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી ફરીથી નિમણૂકની અરજી નહીં કરશે. તેમણે કહ્યું હતું કે, કામકાજમાં સરળતા રહે એ માટે મેં બોર્ડને યોગ્ય અનુગામીની નિમણુંક સુનિશ્ર્ચિત કરવા માટે જલ્દીથી નિર્ણય લેવા કહ્યું છે.
સમાચાર સંસ્થાઓના અહેવાલો અનુસાર શેરધારકો સાથેના તણાવ અને ચંદ્રસેકરન તથા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદો વચ્ચે રાજીનામું આવ્યું છે. તેમના નિવેદનમાં, ચંદ્રસેકરને એવો ઉલ્લેખ કર્યો છે કે બોર્ડના એક સભ્ય (કદાચ નોએલ ટાટા!) ૨૦૨૭થી આગળ તેમના કાર્યકાળના વિસ્તરણને સમર્થન આપતા નહોતા અને સર્વસંમતિથી સમર્થન ન મળતાં તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.
ટાટા ગ્રુપના અને શેરબજારમાં લગડી ગણાતાં ટીસીએસ, ટાઈટન સહિત અમુક શેરોમાં વેચવાલીના દબાણ સાથે એકાએક કડાકા જોવા મળ્યા હતા. વાસ્તવમાં ટાટા જૂથમાં ટોચના સ્તર પર થયેલા ફેરફારની અસરોનું રોકાણકારો મૂલ્યાંકન કરી રહ્યા હોવાથી, ટાટા જૂથના શેરોમાં વેચવાલીનું દબાણ વધી જતાં આ શેર ઇન્ડેક્સના ટોચના ઘટનારા શેરોમાં ગબડી પડ્યા હતા.
ચંદ્રસેકરનના રાજીનામા બાદ, ગબડનારા ટાટા ગ્રુપ કંપનીઓના શેરમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, ટાટા સ્ટીલ, ટાટા પાવર કંપનીનો સમાવેશ થાય છે. સવારના સત્રમાં ટાટા પાવરમાં ૧.૨૬ ટકા, ટીસીએસમાં ૩.૯ ટકા અને ટાટા સ્ટીલમાં ૧.૮૩ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો.